Wed Jul 08 2026

Logo

શેરબજારમાં ૧૩૦૦નો તોતિંગ કડાકો, ટ્રમ્પે કયો નવો પલિતો ચાપ્યો ?

2026-07-08 14:52:00
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા 

મુંબઈ:
હોર્મુઝ અને શેરબજારમાં માંડ માંડ શાંતિ સ્થાપવાની આશા જન્મી હતી ત્યાં ઇરાન સાથે અમેરિકાની નવી ચકમક ઉપરાંત ટ્રમ્પે નવો પલિતો ચાપ્યો હોવાથી સમગ્ર વાતાવરણ ડહોળાઈ ગયું છે. 

એક તબક્કે સેન્સેક્સમાં ૧,૩૦૦ પોઈન્ટનો તોતિંગ કડાકો બોલી ગયો અને નિફ્ટી ઇન્ડેક્સ પણ ૨૪,૦૦૦ પોઇન્ટની મનોવૈજ્ઞાનિક સપાટીથી નીચે સરકી ગયો હતો.  ઈરાન પર ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓ બજારના ઘટાડા પાછળના મુખ્ય પરિબળોમાં સામેલ છે.

હોર્મુઝની ખાડીમાં ઈરાને મરચંટ જહાજ પર કરેલા હુમલા અને ત્યારબાદ અમેરિકાએ ઈરાન પર ૮૦ ઠેકાણે કરેલા બોમ્બમારા સામે ઈરાને કરેલા વળતા પ્રહારથી ડહોળાયેલા વાતાવરણમાં ક્રૂડ અને ફોરેક્સ માર્કેટમાં પણ ફટકો પડ્યો છે અને તેની અસર શેરબજાર પર વર્તાઈ છે.  યુએસ-ઈરાન તણાવ, ક્રૂડ ઓઈલમાં વધારો બજારો પર અસર કરે છે.

આ અસરરૂપે ડોલર સામે ભારતીય રૂપિયો ઘટ્યો અને જોકે ફાર્મા તથા તેલ ઉત્પાદકોને ફાયદો થયો છે.

પરસ્પર હુમલા બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સમજૂતી કરાર  (એમઓયુ) રદ થયાનું કહ્યું તે પછી ગભરાટભરી વેચવાલી શરૂ થઈ જવાથી બુધવારે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. 

ટ્રમ્પે કહ્યું કે "મારા માટે, મને લાગે છે કે તે ( સમજૂતી કરાર) પૂરું થઈ ગયું છે. હું તેમની સાથે હવે કોઈ વ્યવહાર કરવા માગતો નથી... ઈરાની લોકો બીમાર લોકો છે.. તેઓ ક્રૂર, હિંસક લોકો છે." તેમની સાથે વ્યવહાર કરવામાં ફક્ત સમયનો બગાડ છે.  તેઓ જૂઠા છે."

બપોરે 2 વાગ્યે, સેન્સેક્સ 1,090.89 પોઈન્ટ અથવા 1.4 ટકા ઘટીને 77,089.83 પર સુધી પહોંચ્યો હતો, જ્યારે વ્યાપક પાયો ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ 345.10 પોઈન્ટ અથવા 1.41 ટકા ઘટીને 24,053.60 સુધી ગબડ્યો હતો. 
ક્ષેત્રીય સૂચકાંકોમાં, મેટલ, ફાર્મા અને રિયલ્ટી સિવાયના તમામ મુખ્ય નિફ્ટી ઇન્ડેક્સ લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વ્યાપક નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 સૂચકાંકો અનુક્રમે 0.24 ટકા અને 0.12 ટકા ઘટ્યા હતા. 

ઓઈલ અને ગેસ સૂચકાંક 1.5 ટકા ઘટ્યો, જ્યારે ઓટો અને FMCG સૂચકાંકો, જે ક્રૂડ ઓઇલના ભાવ પ્રત્યે સંવેદનશીલ છે, અનુક્રમે 1 ટકા અને 1.5 ટકા તૂટ્યા હતા.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ BPCL, HPCL અને ઇન્ડિયન ઓઇલ, પેઇન્ટ ઉત્પાદક એશિયન પેઇન્ટ્સ, એરલાઇન ઓપરેટર ઇન્ડિગો અને ટાયર ઉત્પાદકો વેચાણ દબાણ હેઠળ આવ્યા કારણ કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવે માર્જિન પર ચિંતા વધારી હતી. એશિયન પેઇન્ટ્સ,  નિફ્ટી ૫૦ પર ઇન્ડિગો અને આઇટીસી સૌથી વધુ ટકાવારી ઘટાડનારા શેરોમાં સામેલ હતા.

જ્યારે, તેલ ઉત્પાદકો ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં લગભગ ૦.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો, જે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને અનુસરે છે.

ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર શેરોમાં ૦.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો કારણ કે રોકાણકારો ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને ચોમાસા સંબંધિત જોખમોથી પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવતા ક્ષેત્રો તરફ વળ્યા હતા. જૂન ક્વાર્ટર માટે આશાસ્પદ બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા પછી ઇન્ટરનેટ સર્વિસ કંપની ઇન્ફો એજ ૩.૧ ટકા વધ્યો, જ્યારે કલ્યાણ જ્વેલર્સ ૫.૪ ટકા વધ્યો.