ભુજઃ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ આવેલા વિનાશક ભૂકંપે માત્ર કચ્છની ભૂગોળ જ નહીં, પરંતુ તેના હવામાન અને પરંપરાગત ઋતુચક્રને પણ કાયમી ધોરણે બદલી નાખ્યું છે. છેલ્લા અઢી દાયકાના આંકડા અને બદલાયેલી સ્થિતિ પર નજર કરીએ તો, ભૂકંપ બાદ કચ્છના માઇક્રોક્લાઇમેટ એટલે કે, સ્થાનિક આબોહવામાં નોંધપાત્ર ફેરફાર નોંધાયા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ અને હવામાન નિષ્ણાતોના મતે, વિનાશક ભૂકંપ દરમિયાન જમીનની આંતરિક રચનામાં થયેલી મોટી હલચલ, ભૂગર્ભજળના સ્તરમાં ફેરફાર અને સ્થાનિક પવનોની બદલાયેલી દિશાની સીધી અસર આ રણપ્રદેશના હવામાન પર પડી રહી છે.
ઠંડી ગાયબ, રાત્રિના સરેરાશ તાપમાનમાં વધારો
ભૂકંપ પૂર્વેના સમયમાં કચ્છમાં શિયાળો લાંબો અને અત્યંત તીવ્ર રહેતો હતો, જ્યારે ચોમાસું પ્રમાણમાં નિયમિત હતું. પરંતુ વિતેલા ૨૫ વર્ષમાં શિયાળાની ગુલાબી ઠંડી ગાયબ થઈ રહી છે અને રાત્રિના સરેરાશ તાપમાનમાં વધારો નોંધાયો છે. હવે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પણ ભૂતકાળ જેવી કાતિલ ઠંડીનો અનુભવ ભાગ્યે જ થાય છે, જેની સીધી અસર શિયાળુ પાક ઉત્પાદન અને વિશ્વપ્રસિદ્ધ રણોત્સવના પ્રવાસન પર પડી રહી છે.
ઉનાળો વહેલો શરૂ થઈ જાય છે
બીજી તરફ, ઉનાળો હવે વહેલો શરૂ થઈ જાય છે અને એપ્રિલ-મે મહિનામાં જ લૂ વાય છે, જેના કારણે જળાશયો વહેલા સુકાઈ જાય છે અને પશુપાલકો માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાય છે.
એક કે બે દિવસમાં જ મોસમનો મોટાભાગનો વરસાદ પડી જવાના કિસ્સા વધ્યા
આબોહવા પરિવર્તનની સૌથી મોટી અસર નૈઋત્યના ચોમાસાની પદ્ધતિ પર જોવા મળી રહી છે. અગાઉ જૂનના અંતમાં સક્રિય થતું ચોમાસું હવે જુલાઈના મધ્ય સુધી લંબાય છે. એટલું જ નહીં, વરસાદની પેટર્ન પણ ચિંતાજનક બની છે. હવે લાંબા સમય સુધી ધીમો વરસાદ પડવાને બદલે ટૂંકા ગાળામાં અતિભારે વરસાદ ખાબકવાની ઘટનાઓ વધી છે. ભુજ, અંજાર અને નખત્રાણા જેવા વિસ્તારોમાં માત્ર એક કે બે દિવસમાં જ મોસમનો મોટાભાગનો વરસાદ પડી જવાના કિસ્સા સામાન્ય બન્યા છે. આ આકસ્મિક પૂર જેવી સ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થાય છે અને ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચે છે.
વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો શું કહે છે
વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોનું માનવું છે કે, ભૂકંપ પ્રેરિત ભૌગોલિક ફેરફારોની સાથે-સાથે મોટા પાયે થયેલું ઔદ્યોગિક બાંધકામ અને વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગની સંયુક્ત અસરને કારણે કચ્છનું હવામાન વધુ અસ્થિર બન્યું છે. આ બદલાતા ઋતુચક્રને કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો માટે વાવણી તેમજ કાપણીનું પરંપરાગત આયોજન કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો હવે કચ્છમાં આધુનિક આબોહવાને અનુકૂળ ટકાઉ ખેતી પદ્ધતિ, વૈજ્ઞાનિક ઢબે પાણીનો સંચય અને પર્યટન નીતિમાં ત્વરિત સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે. ભવિષ્યમાં કચ્છના વિકાસનું મોડેલ આ બદલાયેલા કુદરતી ચક્રને સમજીને જ તૈયાર કરવું પડશે
(ઉત્સવ વૈદ્ય)