મુંબઈઃ મુંબઈમાં સતત અને સખત પડેલા વરસાદે જનજીવન પર માઠી અસર ઊભી કરી છે. મુંબઈથી પસાર થતી કે મુંબઈથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનના શેડ્યૂલ ખોરવાયા છે, કેટલીક વિલંબથી દોડી રહી છે તો કેટલીક રદ્દ કરવામાં આવી છે. પણ મંગળવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ અને સ્ટાફના તાળવે ચોંટેલા જીવે રાહતના શ્વાસ લીધા હતા.
એક ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ બે ફ્લાઈટ એક જ રન-વે પર આવી ગઈ હતી. એર ટ્રાફિક કંટ્રોલે આપેલા સમયની નોંધ લેતા યુદ્ધના ધોરણે એર ઈન્ડિયાની ફ્લાઈટનું ટેકઓફ રોકી દેવામાં આવ્યું હતું.
પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ એક જ રન વે પર આવી જતા પાયલટના જીવ તાળવે ચોંટી ગયા હતા. પ્લેનમાં બેઠેલા પ્રવાસીઓ પણ થોડા સમય માટે ભયભીત થઈ ગયા હતા. આગળ કોઈ મૂવમેન્ટ થાય એ પહેલા જ તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવ્યુ અને મોટી દુર્ઘટના થતા અટકી. એર ટ્રાફિક કંટ્રોલરમાંથી યુદ્ધના ધોરણે આદેશ અપાતા ટેકઓફ થનારી ફ્લાઈટને અટકાવી દેવામાં આવી હતી. આ કારણે મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી.
આ મામલે પ્રવક્તાએ કહ્યું હતું કે, વિમાનની SOP અનુસાર જરૂરી તપાસ કરવામાં આવશે. એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, પ્રવાસીઓને ટૂંક જ સમયમાં એમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે એરલાઈન્સે ખાસ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. 7 જુલાઈના મુંબઈથી દિલ્હી જનારી ફ્લાઈટ AI816ના ક્રૂને એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી આદેશ મળ્યા બાદ ટેકઓફની પ્રક્રિયા અટકાવી દીધી હતી.
એક જ રન વે બે ફ્લાઈટ
એ પછી ફ્લાઈટની મુવમેન્ટ અટકી ગઈ હતી. ટેકઓફ કરવા માટે રન વે પર રન લેવામાં આવે છે એ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ આ આદેશ મળી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI816 બોઈંગ 777-300 ER એરક્રાફ્ટ દ્વારા ચલાવવાની હતી, જ્યારે સિલિગુડીથી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ AIX1547 નાના બોઈંગ 737 MAX 8 એરક્રાફ્ટ દ્વારા ચલાવવામાં આવી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે એર ટ્રાફિક કંટ્રોલના નિર્દેશોને પગલે ટેક-ઓફ રદ્દ કરવામાં આવ્યું હતું. આ ઘટના મંગળવારે રાતના 10 વાગ્યા આસપાસ બની હતી. એ સમયે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ લેન્ડિગ થયા બાદ રન-વેમાંથી આગળ ખસ્યુ જ નહોતું, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ એ જ રન-વે પરથી ટેકઓફ કરવાની તૈયારીમાં હતી.