નૉટિંગમઃ શ્રેયસ ઐયરના સુકાનમાં ભારત પૂર્ણ થઈ હોય એવી ચાર ટી-20 રમ્યું અને ચારેયમાં ભારતે પરાજય જોયો જેમાં મંગળવારે શ્રેણીની ત્રીજી મૅચમાં 125 રનથી થયેલી હાર ભારતના ટી-20 ઇતિહાસમાં રનના માર્જિનની ગણતરીએ સૌથી ખરાબ હતી અને ખુદ શ્રેયસ (Shreyas) મૅચ પછી અત્યંત નિરાશ હતો. તેણે કહ્યું, `અમારો આ પરાજય બેહદ ખરાબ છે. કેટલા બધા મોટા માર્જિનથી અમે હારી ગયા, આ જરાય સ્વીકાર્ય નથી.'
ઇંગ્લૅન્ડની 2-0થી અપરાજિત સરસાઈ
શ્રેયસના સુકાનમાં ટીમ ઇન્ડિયા હજી જીતી નથી. મંગળવારે તો ભારતીય બૅટ્સમેનો બ્રિટિશ ટીમ સામે સાવ ઝૂકી ગયા હતા. 202 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 11.4 ઓવરમાં ફક્ત 76 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એક પણ ભારતીય બૅટ્સમૅન 15 રન પણ નહોતો બનાવી શક્યો. ખુદ શ્રેયસ પોતાના ચોથા બૉલ પર પાંચ રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં 2-0થી અપરાજિત સરસાઈ લીધી છે.
𝙉𝙤 𝙡𝙤𝙤𝙠𝙞𝙣𝙜 𝙗𝙖𝙘𝙠. 𝙊𝙣𝙡𝙮 𝙗𝙤𝙪𝙣𝙘𝙞𝙣𝙜 𝙗𝙖𝙘𝙠. 💙#ENGvIND pic.twitter.com/REwbtECeFy
— Star Sports (@StarSportsIndia) July 7, 2026
શ્રેયસે એવું પણ કહ્યું, `સૌથી પહેલાં તો અમારે એ જોવું પડશે કે આટલી ખરાબ રીતે હાર્યા કઈ રીતે. અમારે આ બાબતમાં ગહન ચર્ચા કરવી પડશે અને જે ભૂલો થઈ એ સુધારવી જ પડશે. ભૂતકાળ વિશે વધુ પડતું વિચારવાને બદલે વધુ મજબૂતી સાથે પાછા મેદાન પર ઉતરવું જોઈશે. ખેલાડીઓએ વ્યક્તિગત રીતે ટીમને તે કઈ રીતે ઉપયોગી બનશે એના પર ખાસ વિચાર કરવો જોઈશે.'
મીટિંગની ચર્ચા મુજબ અમલ નથી થતો
શ્રેયસે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઇંગ્લૅન્ડે ફિલ સૉલ્ટના 70 રનની મદદથી સાત વિકેટે 201 રન બનાવ્યા હતા. શ્રેયસના મતે ટ્રેન્ટ બ્રિજની પિચ ઉપર 200 રન થાય એવી હતી જ નહીં. અમે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી ત્યારે જ અમે મૅચ પરથી પકડ ગુમાવી હતી. ટીમની મીટિંગમાં યોજના બધી ઘડીએ, પણ મેદાન પર ઉતરો એટલે એનો અમલ થવો જરૂરી છે. કેવી પિચ પર કેટલી લેન્ગ્થમાં બૉલ ફેંકવો એ બોલરના ધ્યાનમાં હોવું જોઈએ. હાર્ડ લેન્ગ્થ (બૅક ઑફ અ લેન્ગ્થ) બૉલ રમવામાં બૅટ્સમેનોને ખૂબ તકલીફ થતી હતી, પણ અમે એવા બૉલનો બરાબર અમલ ન કર્યો.'
બ્રિટિશ કૅપ્ટન બ્રૂકે શું કહ્યું?
ઇંગ્લૅન્ડ (England)ના કૅપ્ટન હૅરી બ્રૂકે વિજય મેળવ્યા બાદ કહ્યું, `અમે બૅટિંગ કર્યા પછીની ઇનિંગ્સમાં બરાબર યોજનાપૂર્વક બોલિંગ કરી. અમે જોયું કે આ પિચ પર બૅટ્સમેનોને ટૉપ-ઑફ-ધ-સ્ટમ્પ્સ બૉલમાં રન બનાવવામાં મુશ્કેલી થતી હતી. એને આધારે અમે આપસમાં ચર્ચા કરતા રહીને યોજનાનો બરાબર અમલ કર્યેા હતો.'