અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે, જોકે મધ્ય ગુજરાતમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, તેમ છતાં વડોદરા શહેરમાં રોજના બે-ચાર ઝાંપટા પડી જાય છે. હજુ સામાન્ય વરસાદમાં જ શહેરીજનોને પાણી ભરાવાની અને રોડ ધસી જવા જેવી સમસ્યાઓનો તો સામનો કરવો પડી જ રહ્યો છે, પરંતુ વડોદરાવાસીઓએ વધુ એક સમસ્યાથી સતર્ક રહેવું પડે છે. શહેરમાં વરસાદની સાથે જ મગરોની લટારો શરૂ થઈ જાય છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં પડેલા વરસાદ બાદ ત્રણ સ્થળે મગર દેખાયા છે અને તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
મળતી વિગતો અનુસાર અહીંના વાસણા રોડના બંગલા નજકી એક મહાકાય નવ ફૂટનો મગર દેખાયો હતો, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અહીં ગેલેક્સી બંગલો એકદમ રોડ પર મગર આવતો કોઈ જોઈ ગયું હતું. ત્યારબાદ ગૌરક્ષા સમિતિના કાર્યકરો આવ્યા હતા અને મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાથે અહીંના તાંદલજા વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ નજીક એક મહાકાય મગર હોવાનું જાણમાં આવ્યું હતું. આવી જ રીતે પાદરા-ઘાયજ રોડ ઉપર પણ મગર રોડ પર લટાર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મગરોને તે જે જળાશયમાં રહેતા હોય તેમાં વરસાદી પાણીથી હલચલ થાય તે ગમતું નથી, તેમની શાંતિમાં ખલેલ પડતા તેઓ બહાર નીકળી પડે છે. અગાઉ વરસાદ સમયે વિશ્વામિત્રી નદીની આસપાસના વિસ્તારમાં મગરો જોવા મળ્યા ના ઘણા કિસ્સા બહાર આવ્યા છે.
જોકે વડોદરાના વન્ય વિભાગના અધિકારીઓ તેમ જ જીવદયા સાથે જોડાયેલા સ્વયંસેવકો મોટેભાગે મગરોને સુરક્ષિત રેસ્કયુ કરી લેતા હોય છે.