ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે સીએમ અસર ગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા અને અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.
મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટી તંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે.
અકાળે મૃત્યુ પામેલા 11 લોકોને શોકાંજલિ અર્પણ કરી
તેમજ રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દીવાલ કે વૃક્ષ ધરાશાયી થવા તથા વીજળી પડવા જેવા વિવિધ કારણોસર અકાળે મૃત્યુ પામેલા 11 નાગરિકોને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શોકાંજલિ અર્પણ કરી હતી. મંત્રીમંડળે આ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.