મહુવા: ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં વન્ય જીવો અને માનવ સંઘર્ષની વધુ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના બાંભણિયા ગામે એક હિંસક દીપડાએ 10 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ફફડાટ અને વન વિભાગ સામે રોષ વ્યાપી ગયો છે.
વાડીએ જતાં રસ્તામાં દીપડાએ બનાવ્યો શિકાર
વિગતે વાત કરવામાં આવે તો, મૃતક બાળકની ઓળખ નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા તરીકે થઈ છે. મંગળવારની સાંજે નિત્ય પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી પોતાની ખેતરની વાડીએ જવા નીકળ્યો હતો. આ દરમિયાન અંધારાનો લાભ લઈને રસ્તામાં ઝાડીઓમાં છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક માસૂમ નિત્ય પર તરાપ મારી હતી. દીપડો બાળકને ગળાના ભાગેથી દબોચીને નજીકના ખેતરો અને ઝાડીઓ તરફ ઘસડી ગયો હતો.
હોસ્પિટલ પહોંચ્યા પહેલા પ્રાણ પંખેરું ઉડી ગયું
મોડી સાંજે પણ જ્યારે નિત્ય ઘરે ના આવ્યો તો પરિવાર ચિંતિત થઈ ગયો હતો. ચિંતાતુર બનેલા પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. કલાકોની ભારે શોધખોળ બાદ ખેતર નજીકથી નિત્ય અત્યંત લોહીલુહાણ અને ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. દીપડાએ તેના શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી નિત્યને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પરિવારનો એકનો એક ચિરાગ ઓલવાયો
મૃતક નિત્ય તેના પિતા પ્રકાશભાઈ ગોંડલિયાનો એકમાત્ર પુત્ર હતો. વહાલસોયા એકના એક દીકરાના આવા કરુણ મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને માતા-પિતાનો વિલાપ જોઈ પથ્થર હૃદયના માણસની આંખો પણ ભીની થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહુવા અને રાજુલાના સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક વન્ય પ્રાણીઓનો આતંક ખૂબ વધી ગયો છે. મહુવા તાલુકામાં છેલ્લા થોડા સમયમાં બનેલી આ ત્રીજી એવી ઘટના છે જેમાં વન્યજીવના હુમલામાં કોઈ માનવીએ જીવ ગુમાવ્યો હોય. આ અગાઉ કંટાસર ગામે પણ એક બાળકી દીપડાનો શિકાર બની ચૂકી છે.