Wed Jul 08 2026

Logo

આઇસીસીના રૅન્કિંગની માયાજાળઃ રન બનાવ્યા અભિષેકે, બમ્પર લાભ થયો ઇશાન કિશનને

Dubai   2026-07-08 18:27:18
Author: Ajay Motiwala
Article Image

BCCI


દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટી-20ના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે અનુસાર અભિષેક શર્મા (Abhishek Sharma)ની તુલનામાં ઓછા રન બનાવનાર ઇશાન કિશન (KISHAN)ને મોટો લાભ થયો છે.

ક્રિકેટ ચાહકોને આ વખતના રૅન્કિંગે મૂંઝવણમાં મૂકી દીધા છે. એક રીતે હમણાં ટી-20ના બૅટ્સમેનોના રૅન્કિંગમાં ઇશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે હરીફાઈ થઈ રહી છે જેમાં બન્ને વચ્ચેનું ગજબનું ગણિત જોવા મળ્યું છે.

યુરોપના વર્તમાન પ્રવાસમાં અભિષેકે કિશન કરતાં ઘણા વધુ રન બનાવ્યા છે, પણ આઇસીસી રૅન્કિંગના પૉઇન્ટની વાત આવી ત્યારે કિશનને ફાયદો થયો છે. ક્રિકેટપ્રેમીઓના મનમાં સવાલ એ છે કે આઇસીસીની આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?

રૅન્કિંગ વિવાદ સમજવા માટે થોડું પાછળ જવું પડશે. આયરલૅન્ડ સામેની સિરીઝની પહેલાં અભિષેક 875ના રૅટિંગ સાથે ટી-20ની દુનિયાનો નંબર-વન બૅટ્સમૅન હતો. ત્યારે કિશન 871 પૉઇન્ટ સાથે બીજા સ્થાને હતો. આયરલૅન્ડ સામેની પ્રથમ મૅચમાં અભિષેકે 20 બૉલમાં 49 રન બનાવ્યા હતા, પણ બીજી મૅચમાં તે ખાતું પણ નહોતો ખોલી શક્યો. બીજી તરફ, કિશને પહેલી મૅચમાં એક રન અને બીજી મૅચમાં 12 રન બનાવ્યા હતા.

પહેલી જુલાઈએ રૅન્કિંગ અપડેટ થયા તો બધા ચોંકી ગયા હતા. ઓછા રન બનાવવા છતાં કિશનના પૉઇન્ટ 876 થઈ ગયા હતા અને તે અભિષેકના સ્થાને નંબર-વન થઈ ગયો હતો. બીજી તરફ, કિશન કરતાં ઓછા રન બનાવનાર અભિષેકેના ખાતે 869 પૉઇન્ટ બતાવાયા હતા અને તે બીજા નંબર પર જતો રહ્યો હતો. બુધવાર, આઠમી જુલાઈએ નવા રૅન્કિંગમાં જાહેર કરવામાં આવ્યા. ઇંગ્લૅન્ડમાં ત્રણ ટી-20 રમી ચૂકેલા ભારતના ઓપનર અભિષેકે આ ત્રણ મૅચમાં કુલ 112 રન બનાવ્યા, જ્યારે કિશનના બૅટથી ફક્ત 62 રન બન્યા હતા. જોકે નવા રૅન્કિંગમાં કિશનના રેટિંગ પૉઇન્ટ 876થી ઉછળીને સીધા 897 ઉપર પહોંચી ગયા હતા અને તે પ્રથમ સ્થાને ટકી રહ્યો છે. બીજી તરફ, અભિષેકે ઇંગ્લૅન્ડ સામે તેના કરતાં વધુ રન બનાવ્યા છતાં તેને મામૂલી ફાયદો થયો અને તેના પૉઇન્ટ 869થી વધીને 881 થઈ ગયા હતા. જોકે તે કિશનથી ઘણો પાછળ હતો.