Wed Jul 08 2026

Logo

ફક્ત 76 રન બનાવ્યા અને 125 રનથી હાર્યા: ભારતના ટી-20 ઈતિહાસમાં સૌથી ખરાબ પરાજય

Trent Bridge (Nottingham)   2026-07-08 11:15:00
Author: Ajay Motiwala
Article Image

ટ્રેન્ટ બ્રિજ (નૉટિંગમ): 2007નો સૌથી પહેલો ટી-20 વર્લ્ડ કપ ભારત જીત્યું હતું અને 2024 તથા 2026ના બે લેટેસ્ટ ટી-20 વિશ્વ કપમાં પણ ભારતે ચેમ્પિયનપદ મેળવ્યું હતું, પરંતુ મંગળવારે અહીં ઇંગ્લૅન્ડ સામે જે બન્યું એ જોતાં ભારતના ટી-20 ઈતિહાસનો સૌથી ખરાબ અને શર્મનાક દિવસ બન્યો.

વર્લ્ડ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે 
શ્રેયસ ઐયરની કેપ્ટન્સીમાં અને ગૌતમ ગંભીરના કોચિંગમાં રનની ગણતરીએ સૌથી ખરાબ પરાજય જોયો.

ભારતે વર્લ્ડ નંબર-ટૂ ઇંગ્લૅન્ડ (England)ને પહેલાં બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું જેમાં એણે ખાસ કરીને ઓપનર ફિલ સોલ્ટ (70 રન, 44 બૉલ, ત્રણ છગ્ગા, સાત ચોગ્ગા)ની મદદથી સાત વિકેટે 201 કર્યા હતા. જવાબમાં ભારતીયો 11.4 ઓવરમાં બનાવેલા ફક્ત 76 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા. એ સાથે, ભારતે 125 રનના તોતિંગ તફાવતથી હાર જોવી પડી. આ પહેલાં ભારત ક્યારેય 100 રનના માર્જિનથી પણ નહોતું હાર્યું. વધુમાં વધુ ભારત (India)નો 80 રનથી પરાજય થયો હતો અને એ મૅચ છેક 2019માં (સાત વર્ષ પહેલાં) વેલિંગ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાઈ હતી. એ જોતાં, ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમનું હવે જોરદાર પતન થયું કહેવાય.

સિરીઝ ડ્રો કરાવવા બંને મૅચ જીતવી જરૂરી

હવે ચોથી ટી-20 ગુરુવારે રાત્રે (10 વાગ્યાથી) અને છેલ્લી ટી-20 શનિવારે (સાંજે 07:00 વાગ્યાથી) રમાશે. 2-0ની સરસાઈ બદલ ઇંગ્લૅન્ડ હવે આ સિરીઝ હારશે નહીં. જોકે ભારતે શ્રેણી 2-2થી ડ્રો કરાવવા માટે છેલ્લી બંને મૅચ જીતવી જ પડશે.

નવાસવા વૈભવના 13 રન હાઈએસ્ટ

બહુ ગાજેલો 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી મંગળવારે છગ્ગા પર છગ્ગા મારવાની ઉતાવળમાં માત્ર 13 રને વિકેટ ગુમાવી બેઠો હતો જેમાં તેની બે સિક્સર સામેલ હતી.

વૈભવની વિકેટ રાજસ્થાનના જ સાથી જોફ્રાએ લીધી

ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશી તાજેતરમાં જ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સાથે રમી ચૂક્યો છે. મંગળવારે જોફ્રાના જ બૉલમાં વૈભવે (પોતાના પાંચમા જ બોલ પર) હૂક શૉટ મારવાની લાલચમાં વિકેટકીપર જૉસ બટલરને આસાન કૅચ આપી દીધો હતો. ઈશાન કિશાને પણ ફક્ત 13 રન કર્યા હતા. બંનેના આ 13-13 રન ટીમમાં હાઈએસ્ટ હતા જે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા માટે શરમજનક કહેવાય. ઇંગ્લૅન્ડના કેપ્ટન હૅરી બ્રુકે છમાંથી બે બોલર સૅમ કરૅન અને લિઆમ ડૉસનને બોલિંગ આપવાની જરૂર પણ નહોતી પડી.

ઇંગ્લૅન્ડ વતી પેસ બોલર જૉશ ટન્ગે સૌથી વધુ ચાર વિકેટ, જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ, સ્પિનર આદિલ રાશીદે બે વિકેટ અને બીજા સ્પિનર વિલ જેક્સે એક વિકેટ લીધી હતી.

ભારતના નિષ્ફળ બૅટ્સમેનોની લાંબી કતાર

વૈભવ અને ઈશાન ઉપરાંત બીજા બૅટ્સમેનો પણ સદંતર ફ્લોપ રહ્યા હતા: અભિષેક શર્મા (10 રન), કેપ્ટન શ્રેયસ ઐયર (પાંચ રન), વાઇસ કેપ્ટન તિલક વર્મા (ત્રણ રન), અક્ષર પટેલ (10 રન) અને શિવમ દુબે (બે રન).

પ્રિન્સ અને હર્ષિતે લીધી હતી બે-બે વિકેટ

બૅટિંગ મળ્યા પછી ઇંગ્લૅન્ડે સાત વિકેટે જે 201 રન કર્યા હતા એમાં સૅમ કરૅનનું અણનમ 41 રનનું પણ યોગદાન હતું. ભારત વતી પેસ બોલર પ્રિન્સ યાદવે બે વિકેટ, હર્ષિત રાણાએ પણ બે વિકેટ અને સ્પિનર અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. અર્શદીપ, શિવમ અને વરૂણ ચક્રવર્તીને એકેય વિકેટ નહોતી મળી.

જોફ્રા આર્ચર મૅન ઑફ ધ મૅચ

વૈભવ, શ્રેયસ અને અક્ષરની વિકેટ લઈને ભારતનો ટૉપ-ઑર્ડર તોડાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર જોફ્રા આર્ચરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.