Wed Jul 08 2026

Logo

ભારે વરસાદથી મુંબઈ અને ગુજરાત જળબંબાકાર: ટ્રેનો રદ્દ, તળાવો છલકાયા અને કેન્દ્રની સહાયની ખાતરી

2026-07-08 16:33:24
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને કર્ણાટક સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે જનજીવન ખોરવાયું હોવાના પણ અનેક અહેવાલો પ્રકાશમાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો વધારે પ્રભાવિત થયાં છે. ભારે વરસાદના કારણે રેલવે સેવા પણ ખોરવાઈ છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. તેના કારણે હજારો નાગરિકો પરેશાન થયાં છે. ગુજરાતમાં પણ અત્યારે આવી જ સ્થિતિ છે. 

કેન્દ્ર સરકાર દ્વારા પ્રભાવિત રાજ્યોને મળશે સહાય

મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે ફોન પર વાત કરીને વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા તમામ અસરગ્રસ્ત રાજ્યોને મદદ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. દર વખતે કેન્દ્ર દ્વારા વરસાદથી પ્રભાવિત રાજ્યોને મદદ કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ શરૂ થયેલો વરસાદ અનેક રાજ્યોમાં વિકત સ્થિતિ પેદા કરી રહ્યો છે. હજી પણ અનેક રાજ્યાનો વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. 

મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો લેટ થઈ

મુંબઈની વાત કરવામાં આવે તો, મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો 25થી 30 મિનિટ લેટ ચાલી રહી છે. મંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે 39 થી વધારે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. આ સાથે 21 ટ્રેનો એવી છે જેની સફર રસ્તામાં જ રોકી દેવી પડી હતી. મંગળવારે પણ 200 થી વધુ ઉપનગરીય ટ્રેન સેવાઓ રદ્દ કરવામાં આવી હતી. આ વરસાદના કારણે અનેક લોકો પ્રભાવિત થઈ રહ્યાં છે, આ સ્થિતિ અત્યારે પણ યથાવત હોવાના અહેવાલો મળી રહ્યાં છે. 

મુંબઈમાં તુલસી અને વિહાર તળાવો છલકાયા

ભારે વરસાદને કારણે, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાંથી બે તુલસી અને વિહાર તળાવો છલકાઈ ગયા છે. BMCના જણાવ્યા અનુસાર, બંને તળાવોમાં પાણીનું સ્તર પૂર્ણ ક્ષમતાને પાર પહોંચી ગયું છે, જોકે શહેરના તમામ જળાશયોમાં કુલ પાણીનો સંગ્રહ આશરે 41 ટકા રહ્યો છે. આ સાથે સુરતમાં સચિન સ્ટેશન નજીક પાણી ભરાઈ જવાને કારણે રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જ્યારે વાપી-વલસાડમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે.

દિલ્હીમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકજામ 

દિલ્હીમાં પણ મંગળવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. જેના કારણે દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી છે. દિલ્હીમાં ભારે વરસાદના કારણે અનેક રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. હજી પણ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. હરિયાણામાં પણ ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48નો એક ભાગ ધરાશાયી થયો હતો. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી  વિગતો પ્રમાણે મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક અને પડોશી રાજ્યોમાં સમયાંતરે વરસાદ પડવાની શક્યતા છે.