Wed Jul 08 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે 'મિસિંગ લિંક' પ્રોજેક્ટનો દેવેન્દ્ર ફડણવીસે કર્યો બચાવ

2026-07-08 21:36:42
Author: Mumbai Samachar Team
Article Image

ભૂસ્ખલનની ઘટના બાદ ફડણવીસે ટીકાકારોને આપ્યો જવાબ, IIT નિષ્ણાતોની સલાહથી લેવાશે સુરક્ષા પગલાં

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈ-પુણે એક્સપ્રેસવે 'મિસિંગ લિંક' પ્રોજેક્ટનો તીવ્રતાથી બચાવ કર્યો હતો. તાજેતરમાં મિસિંગ લિંક નજીક ભૂસ્ખલન થયું એ અનુસંધાનમાં તેમણે કહ્યું હતું કે મોટા માળખાકીય કાર્યોમાં પ્રારંભિક પડકારો અનિવાર્ય હોય છે.

રાજ્ય વિધાનસભામાં ધોધમાર વરસાદ અને પૂર વ્યવસ્થાપન પર ચર્ચાનો જવાબ આપતા ફડણવીસે પ્રોજેક્ટના ટીકાકારો દ્વારા ભાડે રાખેલા ટ્રોલ દ્વારા ટીવી અને સોશિયલ મીડિયા પર જૂઠાણા ફેલાવવાનો આરોપ કરી ચેતવણી આપી કે ખોટી માહિતીથી મહારાષ્ટ્રને બદનામ કરનારાઓ સાથે કડક હાથે કામ લેવામાં આવશે..

આ પ્રોજેક્ટમાં ભારતનો સૌથી પહોળો કેબલ-સ્ટેડ બ્રિજ અને 170 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનનો સામનો કરવા સક્ષમ વિશાળ વાયડક્ટ્સનો સમાવેશ થાય છે.. તેના કારણે ઘાટ વિભાગમાં અકસ્માત ઘટ્યા છે અને ટ્રાફિકની અવરજવર ઘણી સરળ બની છે.

કોંકણ રેલવેના બાંધકામ સાથે સરખામણી કરી તેમણે 'મિસિંગ લિંક' પ્રોજેક્ટની ટીકાને નકારી કહ્યું કે સરકાર નિષ્ણાતો દ્વારા સૂચવેલા વધારાના સલામતી પગલાં અમલમાં મૂકશે. એન્જિનિયરિંગ સિદ્ધિનું મૂલ્યાંકન એક ઘટના દ્વારા ન કરવું જોઈએ. સોમવારે આખી રાત પડેલા ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલન થતાં મુંબઈ-પુણે એક્સપ્રેસવેના મિસિંગ લિંક સેક્શન પર 18 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક બંધ રહ્યો હતો.

પહેલી મેના દિવસે ટ્રાફિક માટે ખુલ્લું મુકાયેલ મિસિંગ લિંક ૯૪ કિમી લાંબા એક્સપ્રેસવે પર ૧૩.૩ કિમી લાંબી છે જેમાં બે ટ્વીન ટનલ અને કેબલ-સ્ટેડ બ્રિજ છે. વળાંકવાળા લોનાવાલા-ખંડાલા ઘાટ વિભાગને બાયપાસ કરે છે અને મુસાફરીનું અંતર ૫.૭ કિમી ઘટાડવા અને મુંબઈ અને પુણે વચ્ચેના મુસાફરીના સમયમાં ૨૦થી ૩૦ મિનિટનો ઘટાડો થાય છે.

તાજેતરના ભૂસ્ખલનનો ઉલ્લેખ કરી ફડણવીસે કહ્યું કે સરકારે તાત્કાલિક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના નિષ્ણાતોની સલાહ લીધી. તેમણે વધારાના રક્ષણાત્મક પગલાં લેવાની ભલામણ કરી. 

આઈઆઈટી નિષ્ણાતોએ કેટલાક વધુ સંવેદનશીલ સ્થળો ઓળખી કાઢ્યા છે જ્યાં વાયર મેશ અને ઢાળ સુરક્ષા સ્થાપિત કરવી જોઈએ. અમે આ ભલામણોનો અમલ કરીશું જેથી ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.