(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પાલઘર જિલ્લામાં અવિરત વરસાદને કારણે સ્થાનિકોનું જનજીવન હજુ થાળે પડે એમ લાગતું નથી. વરસાદનું જોર ઘટ્યા પછી પણ વરસાદી પાણી સંપૂર્ણપણે ઓસર્યા નથી, જ્યારે અનેક સોસાયટીમાં હજુ જળમગ્ન છે, ત્યારે હજુ લોકોને રાહત થઈ નથી. પીવાના પાણીથી લઈ વીજળી અને જાહેર પરિવહન મુદ્દે પરેશાની જ ભોગવવી પડે છે, ત્યારે મંગળવારે સાંજ પછી રેલવેએ અચાનક ટ્રેનસેવા બંધ કરતા વિરાર-દહાણુવાસીઓએ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા, પરંતુ પશ્ચિમ રેલવેમાં હવે લોકલ ટ્રેનો રાબેતા મુજબ ચાલતી હોવાથી પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
રાતના વસઈમાં ધમાલ
પશ્ચિમ રેલવેએ સવારના લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સાથે લોકલ ટ્રેનો પણ ચાલુ કરવમાં આવી હતી, પરંતુ ટ્રેક પર પાણી આવ્યા પછી ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી હતી. સવારના લોકો મુંબઈ આવનારા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. સાંજ સુધી તો પરિસ્થિતિ વિકટ બની હતી. નજીકના સ્ટેશનના પ્રવાસીઓ તો ટ્રેક પર ચાલીને ગયા હતા, પરંતુ મોડી રાતના લોકોએ વસઈ સ્ટેશન પર મોટરમેન અને રેલવેના કર્મચારીઓ વિરુદ્ધ હંગામો કર્યો હતો. મહિલાઓ સહિત સિનિયર સિટિઝન પ્રવાસીઓએ વસઈ સ્ટેશને ટ્રેન રોકી દીધા પછી જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી.
અમારો દોષ એટલો કે વિરારમાં રહીએ છીએ?
વસઈના રહેવાસીએ એક પ્રવાસીએ કહ્યું હતું કે રેલવે સવારે જો ટ્રેન દોડાવી શકતી હોય તો પછી રાતના કેમ. અચાનક રેલવે ટ્રેક પર પાણી આવી ગયા. લોકોની હાલાકીને સમજવાને બદલે અવગણવામાં આવે છે. વસઈ-વિરારના વીડિયો જોઈને સરકાર અને રેલવેને વાસ્તવિકતા સમજાઈ શકે છે કેટલી મુશ્કેલ પરિસ્થિતિ છે. નિર્દોષ લોકોનો દોષ એટલો જ છે કે તેઓ નાલાસોપારા, વસઈ-વિરાર રહે છે. અમારી મુશ્કેલી એક નથી ઘરે વીજળી નહીં, પાણી નહીં હોવા છતાં પેટિયું રળવા માટે મુંબઈ સુધી લાંબા થવું પડે છે. ગીચ ટ્રેનમાં મુશ્કેલીઓ વચ્ચે પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, પણ ટ્રેનો નિયમિત ચાલે નહીં તો શું કરવાનું. આ મુદ્દે રેલવેએ વિચારવાનું જરુરી છે, એમ વિરારના રહેવાસી મહેશ જોશીએ જણાવ્યું હતું.
ચર્ચગેટ-વિરાર/દહાણુ વચ્ચે ટ્રેન શરુ
નાલાસોપારા, વસઈ, વિરારમાં રેલવે ટ્રેક પર પાણી હોવાથી ટ્રેનસેવા સ્થગિત કર્યા પછી ટ્રેનોને વસઈથી રોકી દેવામાં આવતા પ્રવાસીઓએ મોડી રાતે હોબાળો મચાવ્યો હતો અને ટ્રેનને આગળ લઈ જવાની વિનંતી કરી હતી. આ મુદ્દે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મહિલાઓએ ટ્રેનના લોકો પાઈલટને પણ વિનંતી કરી હતી. વાયરલ વીડિયો અંગે રેલવેએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી પણ કહ્યું હતું કે લોકલ ટ્રેનો હવે ચર્ચગેટથી વિરાર-દહાણુ વચ્ચે દોડાવાય છે, જે સ્પીડ રિસ્ટ્રક્શન સાથે. સુરત-નવસારીમાં ભારે વરસાદને કારણે ગુજરાતના ટ્રેનવ્યવહાર પર અસર થઈ છે, જેમાં લાંબા અંતરની 39 ટ્રેન રદ કરી હતી, જ્યારે 21 શોર્ટ ટર્મિનેટ અને 46 ટ્રેન રિશેડ્યૂલ્ડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Not a single trian from Borivali to Vasai, Nalasopara & Virar. pic.twitter.com/TKoaijaGxT
— Shailesh Pal (@shaileshpal775) July 7, 2026
વસઈ-વિરાર સેક્શનનો સર્વે કરવાનો નિર્ણય
મંગળવારે વસઈ-વિરાર સેક્શનની સમસ્યાને જોવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સેક્શનની સમીક્ષા કરી હતી અને વસઈ-વિરાર સેક્શનમાં ટ્રેકને ઉપર ઉઠાવવા માટે સર્વે કરવાનો નિર્ણય લીધો. ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે બંને લાઈનોને ઊંચી કરવા અને આગામી મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC)ના 5મી અને 6ઠ્ઠી લાઈન પ્રોજેક્ટ માટે યોગ્ય સ્તર સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અહીં એ જણાવવાનું કે પાલઘર જિલ્લામાં 24 કલાકમાં અસધારણ વરસાદ પડ્યો હતો, પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારો, સોસાયટી સહિત સરકારી આવાસોમાં પાણી ફરી વળ્યા હતા. આમ પણ વિરાર-વસઈ-નાલાસોપારા લોઅર ગ્રેડિયન્ટમાં છે. વધતા ઔદ્યોગિકીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે પાણી ભરાઈ ગયું હતું.
ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ રુટ બુધવારે રાતના શરુ થઈ શકે
પુણેમાં થયેલા ભૂસ્ખલન પછી હજુ પણ મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ સંપૂર્ણ પણ શરુ કરી શકાયો નથી, જે બુધવારે રાતના શરુ થઈ શકે છે. ત્રણમાંથી બે ટ્રેકમાં મરમ્મત કરવામાં આવી છે, જ્યારે એકનું કામકાજ ચાલી રહ્યું છે, જે આજે રાત સુધીમાં પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
હજારો મજૂરોની સાથે રેલવે કર્મચારીઓના નિરીક્ષણ સાથે હજુ કામકાજ ચાલી રહ્યું છે, જેમાં બે લાઈન ચાલુ કરવામાં આવ્યા પછી અગિયાર ટ્રેનને પસાર કરવામાં આવી છે, જ્યારે બીજી લાઈનમાં રેલ ટ્રાફિક પણ શરુ કરવાની અપેક્ષા છે, પરંતુ ત્રીજી લાઈનને શરુ કરવામાં ટાઈમ લાગી શકે છે, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નિલાએ જણાવ્યું હતું.
ઉલ્હાસ નદીમાં પાણી જોખમી સપાટીએ વહ્યા પછી નેરલ અને કર્જત વચ્ચે ટ્રેનસેવા આજે સવારના 10.40 વાગ્યાથી 11.32 વચ્ચે સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ નેરલ અને શેલુ સ્ટેશનની વચ્ચે ટ્રેક પર પાણી જમા થઈ ગયા પછી લોકલ ટ્રેનો મોડી દોડતી હતી. લગભગ અડધો કલાક ટ્રેન સર્વિસ પર અસર રહી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ સિવાય મધ્ય રેલવેમાં સીએસએમટી-કર્જત/કસારા અને સીએસએમટી પનવેલ વચ્ચે લોકલ ટ્રેનસેવા થોડી મોડી પણ ચાલુ રહી હતી, એમ રેલવેએ ટ્વિટ કર્યું હતું.