Wed Jul 08 2026

Logo

મમતા બેનર્જીએ પોતાની જ પાર્ટીના કાર્યકરને માર્યો લાફો, વીડિયો વાયરલ થતા ભારે આલોચના

2026-07-08 22:11:52
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. કોલકાતામાં પાર્ટીના એક વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ પોતાની જ પાર્ટીના એક કાર્યકરને જાહેરમાં લાફો મારી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે અને ભાજપ નેતાઓ તેમના પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

ભીડ કાબૂ કરવાના પ્રયાસમાં આપો ગુમાવ્યો

વાયરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે વાત કરવામાં આવે તો, એક વ્યક્તિ ઉગ્ર બનેલી ભીડને સંભાળવા અને મમતા બેનર્જી માટે આગળ વધવાનો રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ મમતા બેનર્જીએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો અને તે કાર્યકરના ગાલ પર લાફો મારી દીધો હતો.આ વીડિયો હવે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. 

ભાજપ સાંસદ રાજુ બિસ્તાએ શું કહ્યું?

આ મામલે ભાજપના સાંસદ રાજુ બિસ્તાએ મમતા બેનર્જીની આલોચના કરતા કહ્યું કે, ‘મમતા બેનર્જીએ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વ્યક્તિ પર હાથ ઉપાડ્યો. તે વ્યક્તિ માત્ર ભીડને નિયંત્રિત કરીને મમતાજી માટે રસ્તો સાફ કરી રહ્યો હતો. પરંતુ તેમણે આપો ગુમાવી દીધો અને પોતાના જ વફાદાર કાર્યકરને લાફો મારી દીધો’.
 
શા માટે આ રેલી યોજવામાં આવી હતી?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બારુઈપુરમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાની જઘન્ય ઘટનાના વિરોધમાં મમતા બેનર્જીની આગેવાનીમાં એક વિશાળ વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી. દક્ષિણ કોલકાતાના હાજરા ક્રોસિંગ પર રેલીના સમાપન બાદ એક સભાને સંબોધતા મમતા બેનર્જીએ પોલીસ પ્રશાસન અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.આ દરમિયાન મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો કે, ‘કલકત્તા હાઈકોર્ટે અમારી આ રેલીને મંજૂરી આપી હતી, તેમ છતાં ભાજપના સમર્થકોએ અનેક જગ્યાએ અવરોધો ઊભા કર્યા અને તૃણમૂલના કાર્યકરો સાથે મારપીટ કરી. પોલીસ હાઈકોર્ટના આદેશનું પાલન કરાવવાને બદલે ભાજપની વિંગ તરીકે કામ કરી રહી છે અને સામાન્ય જનતાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે’.

પાર્ટી સુપ્રીમો આવી ભૂલ કેવી રીતે કરી શકે?

ભારતમાં એવી તો કેટલીક ઘટનાઓ તો બની છે, જેમાં સામાન્ય લોકોએ ભડાસમાં નેતા પર જુતા ફેંક્યાં હોય! પરંતુ કોઈ પાર્ટીના સુપ્રીમોએ પોતાની જ પાર્ટીના કાર્યકર્તાને જાહેરમાં લાફો માર્યો હોય તેવી આ પહેલી ઘટના છે. આટલા મોટા રાજનેતા જાહેરમાં જો આવી રીતે પોતાના મિજાજ ગુમાવી દે તો સામાન્ય લોકોનું શું? એક પાર્ટીન સુપ્રીમો આવી ભૂલ કેવી રીતે કરી શકે? હાથમાંથી સત્તા ગઈ હોય તેનો ગુસ્સો આવી રીતે જનતા પર ઉતારવો કેટલો યોગ્ય કહેવાય? આ મામલે અત્યારે સોશિયલ મીડિયામાં મમતા બેનર્જીની ભારે આલોચના થઈ રહી છે. પાર્ટી અધ્યક્ષે ફરી આ નવો વિવાદ છેડ્યો છે.