Wed Jun 10 2026

Logo

મહાયુતિ સરકારની તિજોરી ખાલી: 96 હજાર કરોડ રૂપિયા લેણાંની વસૂલાત માટે કોન્ટ્રાક્ટરોનું આજથી રાજ્યવ્યાપી કામ બંધ આંદોલન

2026-04-06 19:27:55
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં મહાયુતિ સરકાર લાડકી બહિણ જેવી યોજનાઓ માટે હજારો કરોડ રૂપિયાના ભંડોળ આપી રહી છે, ત્યારે બીજી તરફ, રાજ્યમાં માળખાકીય કામ કરનારાઓનાં બિલ ન ચૂકવવાને કારણે કોન્ટ્રાક્ટરોની કમર તૂટી ગઈ છે. 96 હજાર 400 કરોડ રૂપિયાની લેણી બાકી હોવાથી, મહારાષ્ટ્ર રાજ્ય કોન્ટ્રાક્ટર એસોસિએશને હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને સાતમી એપ્રિલથી રાજ્યમાં તમામ વિકાસ કાર્યો બંધ કરવાની ચેતવણી આપી છે.કોન્ટ્રાક્ટરોના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલાં લેણી રકમનો આંકડો 1.16 લાખ કરોડ પર પહોંચી ગયો હતો. આંદોલન પછી, સરકારે 20 હજાર કરોડ ચૂકવ્યા, પરંતુ નવા કામોના બિલ જમા થતાં જ આ આંકડો ફરીથી 96 હજાર કરોડને વટાવી ગયો છે. ‘અમને અપેક્ષા હતી કે સરકાર આર્થિક વર્ષના અંત સુધીમાં (31 માર્ચ સુધીમાં) મોટી રકમ ચૂકવશે, પરંતુ એવું થયું નથી. હવે અમારી પાસે કામ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી,’ એમ એસોસિએશનના પ્રમુખ મિલિંદ ભોસલેએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું. 

ક્યા વિભાગમાંથી કેટલું લેણું? 
રાજ્યમાં મહત્વપૂર્ણ વિભાગો પાસે બાકી રહેલા બાકી લેણાંને જોતાં, સરકારના આર્થિક સ્થિતિ પર પ્રશ્ર્ન ચિહ્ન ઊભું થયું છે.
વિભાગ    લેણી રકમ
જળજીવન મિશન અને મહારાષ્ટ્ર જીવન સત્તામંડળ    રૂ. 35,000 કરોડ.
જાહેર બાંધકામ વિભાગ    રૂ. 29,000 કરોડ.
જિલ્લા વાર્ષિક યોજના    રૂ. 11,000 કરોડ.
જળ સંસાધન વિભાગ    રૂ. 9,000 કરોડ.
ગ્રામીણ વિકાસ અને જળ સંચય    રૂ. 6,500 કરોડ.
પર્યટન વિકાસ નિગમ    રૂ. 3,800 કરોડ.
શહેરી વિકાસ વિશેષ ભંડોળ    રૂ. 2,100 કરોડ.

યોજનાઓનો બોજ કે આયોજનનો અભાવ?
રાજ્ય સરકારની તિજોરી હાલમાં ભારે દબાણ હેઠળ છે. 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં વિવિધ યોજનાઓ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. આ લોકપ્રિય સૂત્રોના કારણે સરકાર સત્તામાં આવી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ કામના બિલ બાકી છે. ગયા નાણાકીય વર્ષમાં સરકારે 1.38 લાખ કરોડ રૂપિયાની લોન લીધી, છતાં મૂડી ખર્ચ માત્ર 98,000 કરોડ રૂપિયા સુધી મર્યાદિત રહ્યો હતો. 

3 લાખ કોન્ટ્રાક્ટરોની આજીવિકા જોખમમાં
માત્ર મોટા કોન્ટ્રાક્ટરો જ નહીં, પરંતુ સ્થાનિક સંસ્થાઓમાં કામ કરતા નાના કોન્ટ્રાક્ટરોને પણ ભારે ફટકો પડ્યો છે. મજૂરોના પગાર અને કાચા માલની ચુકવણી ન થવાને કારણે પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ છે. જો મંગળવારથી કામ બંધ થઈ જાય, તો એવી ભીતિ છે કે ઘણા રસ્તા, પાણી પુરવઠા અને સિંચાઈ પ્રોજેક્ટ્સ વિલંબિત થશે.