મુંબઈ: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ બાકી ચૂકવણીના મુદ્દે વિપક્ષી સભ્યોએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને એવો આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને બાકી રકમ મળી નથી.
પ્રશ્ર્નકાળ દરમિયાન ભાજપના વિધાનસભ્ય નારાયણ કુચે દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે તેમના મતવિસ્તારમાં આ યોજના હેઠળ લગભગ 600 કુવા ખોદવામાં આવ્યા હતા, જેમાં ઘણા ખેડૂતોએ કામ પૂરું કરવા માટે લોન લીધી હતી. જ્યારે અકુશળ મજૂરો માટે ચૂકવણી કરવામાં આવી હતી, ત્યારે કુશળ કામગારો માટેની બાકી રકમ હજુ પણ બાકી છે, એમ તેમણે જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં આવી જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
જવાબમાં રાજ્યકક્ષાના પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે કુશળ કામ માટેની બાકીની રકમ લગભગ 2,800 કરોડ રૂપિયા છે, જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 1,035 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.કેન્દ્રએ ચાર મહિના પહેલા ‘સ્પર્શ’ નામની એક નવી સિસ્ટમ રજૂ કરી હતી, જે હેઠળ રાજ્યનો હિસ્સો કેન્દ્ર દ્વારા તેનો હિસ્સો રિલીઝ કર્યા પછી જમા કરવામાં આવશે, ત્યારબાદ ભંડોળ સંયુક્ત રીતે લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે. આ સિસ્ટમ એક મહિનાની અંદર સ્થિર થશે અને બાકી ચૂકવણીઓ ચૂકવવામાં આવશે, એવી તેમણે ખાતરી આપી હતી.
કોંગ્રેસના વિધાનસભ્ય નીતિન રાઉતે ખાસ કરીને ગઢચિરોલી જેવા જિલ્લાઓમાં, જ્યાં મનરેગા આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે, તાત્કાલિક બાકી ચૂકવણીની માગણી કરી હતી.કોંગ્રેસના નાના પટોલેએ આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખેડૂતોને ચાર વર્ષથી ચૂકવણી મળી નથી અને સવાલ કર્યો હતો કે શું વિલંબિત ચૂકવણી વ્યાજ સાથે કરવામાં આવશે.
એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ રાજ્યભરમાં કુલ બાકી ચૂકવણીની વિગતો માગી હતી.શિવસેના (યુબીટી)ના ભાસ્કર જાધવે ભાજપની આગેવાની હેઠળની સરકારની ટીકા કરતા કહ્યું હતું કે ગરીબ ખેડૂતોને વર્ષો સુધી ચૂકવણીમાં વિલંબ કરવો અન્યાયી છે.સરકાર પર ઉપેક્ષાનો આરોપ લગાવતા, વિપક્ષના સભ્યોએ વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો.