Thu Jun 11 2026

Logo

વિધાનસભામાં સગીર છોકરી પર એસિડ હુમલાનો મુદ્દો ગાજ્યો: કાયદો અને વ્યવસ્થા પર કોંગ્રેસે સરકારની ટીકા કરી

2026-03-18 19:26:13
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સંગમનેરમાં છઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની પર કથિત એસિડ હુમલાના પગલે કોંગ્રેસે બુધવારે વિધાનસભામાં મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી, જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગડવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ મામલો વિધાન પરિષદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. 

સત્યજીત તાંબે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો જવાબ આપતા, રાજ્ય કક્ષાના પ્રધાન (ગૃહ) પંકજ ભોયરે કહ્યું કે આ ઘટના અહિલ્યાનગર જિલ્લામાં ડી. કે. મોરે જનતા વિદ્યાલયની બહાર બની હતી.
આ ઘટનાને ગંભીર અને કમનસીબ ગણાવતા, ભોયરે કહ્યું કે પોલીસને સંપૂર્ણ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આરોપીઓને એસિડ કેવી રીતે મળ્યો તે પૂછવામાં આવતા, ભોયરે કહ્યું કે તે શાળાની પ્રયોગશાળાઓમાં ઉપલબ્ધ છે. પોલીસ આવી ઘટનાઓને રોકવાના રસ્તાઓ પર કામ કરી રહી છે અને આ બાબતે ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું. 

એસિડ હુમલાને અત્યંત ચિંતાજનક ગણાવતા, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે વિધાનસભામાં સરકાર પર નિશાન સાધ્યું હતું અને મહિલાઓ અને સગીર છોકરીઓ સામેના ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો. 

સ્થગન પ્રસ્તાવના માધ્યમથી આ મુદ્દો ઉઠાવતાં, વડેટ્ટીવારે તાત્કાલિક ચર્ચાની માગણી કરી હતી અને એવો દાવો કર્યો હતો કે સગીરા ગંભીર હાલતમાં છે અને આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
તેમણે પ્રશ્ર્ન કર્યો હતો કે આટલો ગંભીર ગુનો કર્યા પછી આરોપીઓ કેવી રીતે ભાગી ગયા. કોંગ્રેસના નેતાએ સ્થાનિક પોલીસની કામગીરીની પણ ટીકા કરી હતી, તેમના પર બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આવી ભૂલો ગુનેગારોને હિંમત આપે છે.

વડેટ્ટીવારે વધુમાં દાવો કર્યો કે રાજ્યમાં સગીર છોકરીઓ પર અત્યાચારની ઘટનાઓ વધી છે, અને સરકાર અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે. સ્પીકર રાહુલ નાર્વેકરે આ મુદ્દાની નોંધ લીધી હતી અને સરકારને આ ઘટના પર વહેલી તકે ગૃહમાં વિગતવાર નિવેદન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

કોંગ્રેસના સભ્ય નાના પટોલેએ એવી માગણી કરી હતી કે છોકરીને મુંબઈ લાવવામાં આવે અને મફતમાં સારી તબીબી સારવાર આપવામાં આવે. તેમણે કહ્યું કે છોકરીને ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે જે તેના ભવિષ્યને અસર કરી શકે છે. આ ઘટના વહીવટીતંત્ર પ્રત્યે ખરાબ અસર કરે છે, એમ પણ તેમણે કહ્યું હતું. 

ગુનેગારને પકડવામાં નિષ્ફળતાથી નાગરિકો અને પીડિત પરિવારમાં ચિંતા વધી ગઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું. જળ સંસાધન ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ, જેઓ અહિલ્યાનગર જિલ્લાના પાલક પ્રધાન પણ છે, તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું કે છોકરીને લોણી ખાતે પ્રવરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી છે. વિખે પાટીલના પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટ છોકરીની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે, એમ તેમણે જણાવ્યું હતું.