(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે ઘણી મહિલાઓને સંબંધોમાં લલચાવીને, લગ્ન કરીને પછી ત્યજી દેવામાં આવી છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બદઈરાદે ધાર્મિક પરિવર્તન વિરોધી બિલનો હેતુ આ મુદ્દાઓને સંબોધવા અને આવી પ્રથાઓને રોકવાનો છે.
વિપક્ષી પક્ષો વોટબેંકના ફાયદા માટે આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યા છે, પરંતુ એકવાર તેઓ બિલને ધ્યાનથી વાંચી લેશે તો તેમને કોઈ વાંધો નહીં રહે, એમ પણ ફડણવીસે મંત્રાલયમાં પત્રકારોને જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર આ પ્રકારનો કાયદો રજૂ કરનાર પહેલું રાજ્ય નથી અને ઘણા રાજ્યોએ ગેરકાયદે ધાર્મિક પરિવર્તનને રોકવા માટે પહેલેથી જ સમાન પ્રકારના કાયદા ઘડ્યા છે, એમ પણ તેમણે નોંધ્યું હતું.
જો આ કાયદો લાગુ કરવામાં આવે તો, મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ઉત્તરાખંડ જેવા રાજ્યોની હરોળમાં આવી જશે, જેમણે ધાર્મિક પરિવર્તનને નિયંત્રિત કરવા માટે આવા પ્રકારના કાયદા ઘડ્યા છે.
સરકારે શુક્રવારે રાજ્ય વિધાનસભામાં મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026 રજૂ કર્યું હતું, જેમાં બળજબરી, છેતરપિંડી, પ્રલોભન અથવા લગ્નની આડમાં કરવામાં આવતા ધાર્મિક પરિવર્તનને પ્રતિબંધિત કરવા માટેની કડક જોગવાઈઓ રાખવામાં આવી છે.
આ બિલ મુજબ, લગ્નના બહાને ગેરકાયદે ધર્માંતરણ કરનારાઓને સાત વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા થશે.
સગીર, અસ્વસ્થ માનસિક વ્યક્તિ, મહિલા અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિના સંદર્ભમાં ઉલ્લંઘન કરનારાઓને સાત વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની સજા થશે.
એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં મહિલાઓને લાલચ આપવામાં આવી હતી, તેઓ ભાગી ગઈ હતી અને લગ્ન પછી તેમને ત્યજી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, આવા સંબંધ દ્વારા જન્મેલા તેમના બાળકના અનેક પ્રશ્ર્નો ઉદ્ભવે છે. તે તેમના જીવનને જટિલ બનાવે છે. આ બિલ આવી સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે, એમ ફડણવીસે બિલનો બચાવ કરતાં કહ્યું હતું.
જો વિપક્ષી સભ્યોએ બિલ ધ્યાનથી વાંચ્યું હોત, તો તેઓ સમજી શક્યા હોત કે આ બિલ કોઈ સમુદાયને લક્ષ્ય બનાવતું નથી, પરંતુ તેનો હેતુ પ્રલોભન, બળજબરી અથવા દબાણ દ્વારા કરવામાં આવતા ધર્માંતરણને રોકવાનો છે, એમ તેમણે કહ્યું હતું.
‘વિપક્ષ ફક્ત તેમની વોટ બેંકની રાજનીતિ માટે આ મુદ્દાનું રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હું તમને ખાતરી આપી શકું છું કે બિલને ધ્યાનથી વાંચ્યા પછી, વિપક્ષ તેનો વિરોધ કરશે નહીં,’ એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
પ્રસ્તાવિત કાયદા હેઠળ, એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરવાનો ઇરાદો ધરાવતી કોઈપણ વ્યક્તિ, તેમજ ધર્માંતરણ સમારોહનું આયોજન કરતી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાએ, સક્ષમ અધિકારી, જેને જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત અધિકારી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેને ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ નોટિસ આપવી પડશે.
સક્ષમ અધિકારી તેના કાર્યાલય અને ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સત્તામંડળમાં પ્રસ્તાવિત ધર્માંતરણની વિગતો જાહેરમાં પ્રદર્શિત કરશે, 30 દિવસની અંદર જનતા પાસેથી વાંધા-વિરોધ મંગાવવામાં આવશે.
બિલ વધુમાં ફરજિયાત કરે છે કે ધર્માંતરણ કરાયેલ વ્યક્તિ અને સમારોહનું આયોજન કરતી વ્યક્તિ અથવા સંસ્થા ધર્માંતરણ પછી 21 દિવસની અંદર સત્તામંડળને ઘોષણાપત્ર સબમિટ કરશે.
ધર્માંતરણ કરાયેલ વ્યક્તિના માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહી, લગ્ન અથવા દત્તક લેવાથી સંબંધિત સંબંધીઓને ગેરકાયદે ધર્માંતરણની શંકા હોય તો પ્રથમ માહિતી અહેવાલ (એઆઈઆર) નોંધાવવાની મંજૂરી આપે છે અને પોલીસને આવી ફરિયાદો નોંધવાનું ફરજિયાત બનાવે છે.