પોરબંદરઃ માધવપુર ખાતે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુકિમણીના વિવાહ થયા હતા તે સ્થળનો હાલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માધવપુર ગામમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ પૌરાણિક સ્થળોનો વિકાસ કરાશે. પ્રથમ તબક્કના રૂ. 47.99 કરોડના ખર્ચ બાદ હવે બીજા તબક્કા માટે રૂ. 44 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે.
2 વર્ષમાં બીજા તબક્કાની કામગીરી થશે પૂર્ણ
પ્રથમ તબક્કામાં, લગ્નવેદીના સાક્ષી એવા શ્રી રુકિમણી માતાજી મંદિર, ‘ચોરી માયરા’, પવિત્ર બ્રહ્મકુંડ અને ભવ્ય મુખ્ય પ્રવેશદ્વારનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર રૂ. 43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના વિકાસ કાર્યોને ઝડપથી આગળ ધપાવી રહી છે. બીજા તબક્કાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
ભગવાન માધવરાયજીના મંદિરનો થશે જીર્ણોદ્ધાર
બીજા તબક્કાનો મુખ્ય ભાગ ભગવાન માધવરાયજીના મંદિરનો જીર્ણોદ્ધાર છે. આ ઐતિહાસિક મંદિરને રૂ. 20.25 કરોડના ખર્ચે નવો લુક આપવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ અહીં આધ્યાત્મિકતા, ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યનો અનોખો સંગમ જોવા મળશે.
માધવરાયજી મંદિર નજીકના દરિયા કિનારાને (બીચ) નવા પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં કુલ 200 મીટર લાંબો બીચ ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રવાસીઓની પાયાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ફૂડ કિઓસ્ક, હાઇ-ટેક શૌચાલય અને ફૂડ કોર્ટ સીટિંગ તૈયાર કરવામાં આવી રહી છે.
શ્રદ્ધાળુઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ
માધવપુરના મેળા અને તહેવારો દરમિયાન એકત્રિત થતી વિશાળ ભીડનું સંચાલન કરવા માટે મંદિર પરિસરના બહારના ભાગને વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવી રહ્યો છે. રૂ. 5.31 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ વિશાળ આઉટર પ્લાઝા અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસથી ભક્તોની અવરજવર અત્યંત સરળ અને સુરક્ષિત બનશે.
કનેક્ટિવિટીને નવો વિસ્તાર આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહત્વના પાયાના કામો શરૂ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત સ્થાનિક કાચબા ઉછેર કેન્દ્રથી સીધા માધવરાયજી મંદિર તરફ જતા રસ્તાને 9 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે, તેનાથી સાંકડા રસ્તાઓની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.
રૂ. 3.45 કરોડના ખર્ચે રુકમિણી-કૃષ્ણ ધામને આવું બનાવાશે
યુવા પેઢી અને આધુનિક પ્રવાસીઓને આકર્ષવા માટે આ ધાર્મિક સંકુલને નવો લુક આપવામાં આવી રહ્યો છે. રૂ. 3.45 કરોડના બજેટ સાથે સમગ્ર વિસ્તારમાં ભવ્ય લેન્ડસ્કેપ્સ, રંગબેરંગી ફુવારા, સનાતન સંસ્કૃતિ દર્શાવતા વિવિધ શિલ્પો, સાઈનબોર્ડ અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ ધાર્મિક સંકુલની સુંદરતામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ બેઝિક લાઈનો અંડરગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે. વૃક્ષો, છોડ અને લેન્ડસ્કેપની હરિયાળી સદાય જળવાઈ રહે તે માટે સમગ્ર પ્રોજેક્ટ વિસ્તારમાં આધુનિક સિંચાઈ પદ્ધતિનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે.