અગાઉ પાંચ લગ્ન કર્યાંની મહિલાની કબૂલાત: મીરા રોડથી ફરાર મહિલાએ અહિલ્યાનગરમાં બે લાખ રૂપિયા પડાવી બીજા મુરતિયા સાથે લગ્ન કર્યાંના ત્રીજા જ દિવસે પોલીસે તેને પકડી પાડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લગ્ન પછી દાગીના અને કીમતી વસ્તુઓ ચોરી રફુચક્કર થઈ જનારી ‘લુટારુ પત્ની’ સહિત બેની કાશીમીરા પોલીસે ધરપકડ કરી હતી. અગાઉ પાંચ લગ્ન કરનારી મહિલો મીરા રોડથી ફરાર થઈને અહિલ્યાનગરમાં બે લાખ રૂપિયા પડાવી સાતમા મુરતિયા સાથે લગ્ન કરી લીધાં હતાં, પરંતુ લગ્નના ત્રીજા જ દિવસે પોલીસે તેને પકડી પાડી હતી.
કાશીમીરા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ નેહા અરુણ ખંડેલવાલ ઉર્ફે જન્નત (22) અને કેસરીમલ લક્ષ્મીલાલ રાંકા (45) તરીકે થઈ હતી. નાશિકના દેવલાલી ખાતે રહેતો રાંકા લગ્ન ગોઠવી આપનારા એજન્ટ તરીકે કામ કરતો હતો. લગ્ન પછી બેથી ત્રણ દિવસમાં જ આરોપી નેહા પતિના ઘરેથી સોનાના દાગીના, રોકડ અને કીમતી વસ્તુઓ ચોરી ફરાર થઈ જતી હતી.
મીરા રોડના શાંતિ ગાર્ડન નજીક મ્હાડા કોલોનીમાં રહેતા 53 વર્ષના એસ્ટેટ એજન્ટે જાન્યુઆરી, 2026માં નોંધાવેલી ફરિયાદને આધારે કાશીમીરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદ અનુસાર એસ્ટેટ એજન્ટનો પહેલી પત્ની સાથે ડખો થતાં કેટલાંક વર્ષથી પત્ની અલગ રહેતી હતી. 2025માં પત્નીથી છૂટાછેડા લીધા પછી ફરિયાદી એકલો રહેતો હતો. ઘર સંભાળવા પત્નીની જરૂર હોવાથી એક મિત્રના માધ્યમથી તેની ઓળખાણ નાશિકના એજન્ટ રાંકા સાથે થઈ હતી.
રાંકાએ પહેલાં લગ્ન ઇચ્છુક નેહાની તસવીર ફરિયાદીને મોકલાવી હતી. પછી મુંબઈમાં તેમની મુલાકાત કરાવી હતી. તે સમયે નેહા અનાથ છોકરી હોવાથી તાત્કાલિક લગ્નની વાત કરવામાં આવી હતી. સગાંસંબંધીને જાણ કર્યા વિના ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ફરિયાદીએ નેહા સાથે ઘરમાં જ લગ્ન કર્યાં હતાં. લગ્નના બે દિવસ પછી પિયર જવાને બહાને નેહા નાશિક જવા નીકળી તે પાછી ફરી નહોતી. પછી તેનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હતો. શંકાને આધારે ઘરમાં તપાસ કરતાં 4.76 લાખના દાગીના, લૅપટોપ અને મોબાઈલ ગુમ હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. પોતે છેતરાયો હોવાનું લાગતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી નાશિકમાંથી રાંકાને તાબામાં લીધો હતો. તેણે આપેલી માહિતી પરથી પોલીસની ટીમ અહિલ્યાનગર પહોંચી હતી. મીરા રોડથી ભાગ્યા પછી નેહાએ અહિલ્યાનગરમાં એક પુરુષ પાસેથી 2.10 લાખ રૂપિયા પડાવી લગ્ન કર્યાં હતાં. જોકે ત્યાંથી રફુચક્કર થવાના પહેલાં જ પોલીસે તેને પકડી પાડી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અહિલ્યાનગરના મુરતિયાને બીજી યુવતીની તસવીર દેખાડી હતી, પરંતુ લગ્ન નેહા સાથે કરાવાયાં હતાં. નેહાએ કબૂલાત કરી હતી કે તેણે અગાઉ મુંબઈના બોરીવલી, જોગેશ્ર્વરી સહિત અહિલ્યાનગર અને જળગાંવમાં પાંચ લગ્ન કર્યાં હતાં. આરોપી રાંકા વિરુદ્ધ પણ ભાયંદર, બોલિંજ અને રાજસ્થાનમાં ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.