Wed Jun 10 2026

Logo

હોળી પર લાગશે 2026નું પહેલું ચંદ્ર ગ્રહણ, ભારતમાં સવારથી જ લાગશે સૂતક કાળ જાણી લો A To Z માહિતી...

2026-02-25 14:28:03
Author: Darshana Visaria
Article Image

વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ માર્ચ મહિનામાં થવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ ઘટના અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ગ્રહણ હોળીના દિવસે લાગવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતમાં ગ્રહણ દેખાશે કે નહીં, સૂતક કાળ માન્ય ગણાશે કે નહીં અને ગ્રહણ દરમિયાન કયા કાર્યો કરવાથી બચવું જોઈએ, વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણના સમય અને સૂતક કાળ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ સ્ટોરીમાં જાણવાનો પ્રયાસ કરીશું... 

મળતી માહિતી અનુસાર 2026ના વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ ત્રીજી માર્ચના લાગવા જઈ રહ્યું છે. અગાઉ જણાવ્યું એમ આ દિવસે હોળીનો તહેવાર પણ હોવાથી તેનું મહત્વ વધી જાય છે. વાત કરીએ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે એની તો ગ્રહણ ત્રીજી માર્ચના લાગશે અને એટલે જ બીજી માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવશે. આ સાથે જ હોળાષ્ટક પણ સમાપ્ત થશે. આ એક પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે, જે દુનિયાના વિવિધ દેશોમાં જોવા મળશે. 

બ્લડ મૂન તરીકે ઓળખાશે ચંદ્ર ગ્રહણ

ત્રીજી માર્ચના રોજ દેખાનારું આ ગ્રહણ બ્લડ મૂન તરીકે જોવા મળશે, જ્યારે ચંદ્રમાં સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જાય છે અને એ સમયે સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર સુધી પહોંચશે જેને કારણે ચંદ્ર લાલ કે તાંબા જેવો દેખાય છે. ગ્રહણ પ્રારંભ ચંદ્રોદય સાથે જ એટલે કે સાંજે 6.16 કલાકે દેથાશે અને ગ્રહણ સાંજે 6.46 કલાકે પૂરું થશે. આમ આ ચંદ્ર ગ્રહણની અવધિ 30 મિનિટ 09 મિનિટની હશે. 

સૂતક કાળ ક્યારથી શરૂ થશે?

ભારતમાં અનેક ઠેકાણે આ ગ્રહણ જોવા મળશે. કેટલાક શહેરોમાં આ ગ્રહણ મિનિટો માટે દેખાશે. આમ દેશના વિવિધ ભાગોમાં ભલે ચંદ્ર ગ્રહણની અવધિમાં તફાવત જોવા મળશે, પણ સૂતક કાળના નિયમો તમામ જગ્યાએ એક સમાન રહેશે. 

સૂતક કાળ વિશે વાત કરીએ તો જ્યોતિષી માન્યતા અનુસાર ચંદ્ર ગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. એટલે ત્રીજી માર્ચની સવારથી જ સૂતક કાળ શરૂ થઈ જશે. સૂતક કાળ એ સમય છે જેને અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. જ્યારે વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓ માટે સૂતકના કડક નિયમો લાગુ પડતા નથી, તેઓ જરૂરિયાત મુજબ આહાર લઈ શકે છે.

ગ્રહણ દરમિયાન શું ન કરવું?

1.    સૂતક કાળથી લઈને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી મૂર્તિ પૂજા કે મૂર્તિને સ્પર્શ કરવો નહીં.
2.    આ દરમિયાન ભોજન બનાવવું કે જમવું ટાળવું જોઈએ.
3.    તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર કે ચપ્પુનો ઉપયોગ કરવો નહીં.
4.    ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાની રાખવી અને ઘરની બહાર ન નીકળવું.

ગ્રહણ સમયે શું કરવું જોઈએ?

1.    ગ્રહણ દરમિયાન મંત્રોચ્ચાર, ભજન અને ધ્યાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
2.    ગ્રહણ શરૂ થતા પહેલા ખાવા-પીવાની વસ્તુઓમાં તુલસીના પાન મૂકી દેવા જોઈએ જેથી તેના પર નકારાત્મક અસર ન થાય.
3.    ગ્રહણ પૂર્ણ થયા પછી આખા ઘરની સફાઈ કરવી અને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું.
4.    જરૂરિયાતમંદોને દાન આપવું અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે.