વર્તમાન પરિસ્થિતિમાં મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે દુનિયાભરના દેશો ગેસ તેમ જ ક્રુડ ઓઈલને કારણે ટેન્શનમાં આવી ગયા છે. પરંતુ આ બધા વચ્ચે ભારતીયોને રાહત થાય એવા સમાચાર સામે આવ્યા છે. સેંકડો ટન એલપીજી લઈને શિવાલિક જહાજ કચ્છના મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું છે અને ટૂંક સમયમાં જ નંદા દેવી નામનું જહાજ એલપીજી લઈને ભારત પહોંચશે. હવે જહાજમાં એલપીજી ભારત તો આવી ગયું પરંતુ તે તમારા મારા સુધી કઈ રીતે પહોંચશે અને આખી પ્રક્રિયા શું છે એના વિશે જાણો છો? ચાલો આજે તમને આ આખી પ્રક્રિયા વિશે જણાવીએ...
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં તણાવને કારણે ભારતમાં એલપીજીની સપ્લાય પર સંકટના વાદળો છવાયા હતા, પરંતુ બે ભારતીય જહાજો શિવાલિક અને નંદા દેવીએ સુખરૂપ રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પાર કરીને ભારતની દિશામાં પ્રયાણ કર્યું અને એમાંથી શિવાલિક જહાજ તો ગઈકાલે કચ્છના મુંદ્રા પોર્ટ પર પહોંચી પણ ગયું છે. જ્યારે નંદા દેવી નામનું જહાજ ટૂંક સમયમાં જ ભારત પહોંચશે.
વાત કરીએ જહાજમાંથી ગેસ આપણા રસોડા સુધી કઈ રીતે પહોંચશે એ પ્રક્રિયાની અને કેટલાક સમયમાં આ ગેસ આપણા સુધી પહોંચશે એની તો એક વખત બંદર પહોંચ્યા બાદ આ ગેસને તમારા ઘરના રસોડામાં સિલિન્ડર મારફતે પહોંચવા માટે આઠથી દસ દિવસનો સમય લાગે છે.
ગેસ કેટલાક સમયમાં આપણા રસોડા સુધી પહોંચશે એ તો જાણી લીધું પણ એ પહેલાં તે પોર્ટ પરથી કઈ રીતે સિલિન્ડર સુધી પહોંચે છે એની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે. જહાજ એક વખત પોર્ટ પર પહોંચે ત્યાર બાદતેમાંથી પ્રવાહી ગેસ (Liquid LPG)ને પાઈપલાઈન દ્વારા મોટા સ્ટોરેજ ટેન્કોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
એક વખત સ્ટોરેજ ટેન્કમાં ગેસ ટ્રાન્સફર થયા બાદ આ ગેસને સ્પેશિયલ ટેન્કર ટ્રકના માધ્યમથી કે પછી પાઈપલાઈનની મદદથી બોટલિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં ખાલી સિલિન્ડરમાં રીફિલ કરવામાં આવે છે. દરેક સિલિન્ડર ભર્યા પછી તેની ટાઈટ સિક્યોરિટી ચેકિંગ અને વજનની ખાતરી કરવામાં આવે છે.
બોટલિંગ પ્લાન્ટમાંથી ભરેલા સિલિન્ડર ટ્રકના માધ્યમથી આપણા શહેર કે વિસ્તારની ગેસ એજન્સી (ગોડાઉન) સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાર બાદ જ્યારે તમે ગેસ બુક કરાવો છો, ત્યારે એજન્સીથી ડિલિવરી બોય તમારા ઘર સુધી સિલિન્ડર પહોંચાડે છે.
અહીંયા તમારી જાણકારી માટે કે ભારત પોતાની જરૂરિયાતનો આશરે 60 ટકા ગેસ આયાત કરે છે અને એમાંથી એક મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે. વાત કરીએ શિવાલિક જહાજમાં આવેલા એલપીજીના જથ્થાની તો આ જહાજમાં આશરે 45,000 મેટ્રિક ટન અને નંદા દેવી 47,700 મેટ્રિક ટન એમ કુલ 92, 700 મેટ્રિક ટન ગેસ ભારત પાસે છે. ભારતમાં રોજેરોજની વપરાશ આશરે 80,000 ટન હોવાથી, આ જથ્થો તત્કાલીન અછત દૂર કરવામાં મદદરૂપ થશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.