(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પશ્ર્ચિમ ઉપનગરથી દક્ષિણ મુંબઈ તરફ જવાનો સમય ઘટાડવામાં મહત્ત્વનો સાબિત થયેલા મુંબઈ કોસ્ટલ રોડ પર નેપિયન સી પાસે એડિશનલ એક્ઝિટ આર્મની (બહાર નીકળવા વધારાનો રોડ) માગણીએ જોર પક્ડયું છે. નેપિયન સી રોડ, બ્રીચ કેન્ડી, મલબાર હિલ વિસ્તારના રહેવાસીઓએ આ માગણી સાથે ‘અનલોક ધ એક્ઝિટ’ અભિયાન હાથ ધર્યું છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ મુજબ કોસ્ટલ રોડ પર ઝડપી ડ્રાઈવ બાદ તેમની કુલ મુસાફરીનો લગભગ ૪૦ ટકા સમય બ્રીચ કેન્ડીમાંથી બહાર નીકળ્યા બાદ ૩૦૦ મીટરના વિસ્તારમાં જ નીકળી જાય છે.
દક્ષિણ મુંબઈના રહેવાસીઓ હવે કોસ્ટલ રોડના ઉત્તર તરફના ભાગમાં નેપિયન સી રોડ પર વધારાના એક્ઝિટની માગણી કરી રહ્યા છે. આ માગણી સાથે તેઓએ હવે ‘અનલોક ધ એક્ઝિટ’નામની ઝુંબેશ શરૂ કરી છે.
બ્રીચ કેન્ડીથી મલબાર હિલ સુધીના રહેવાસીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશ કરવા પાછળ કારણ આપતા બ્રીચ કેન્ડી રેસિડન્ટ ફોરમ સાથે જોડાયેલા નંદિની છાબરિયાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અગાઉ આ પ્રોજેક્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ પ્રસ્તાવિત એક્ઝિટ રોડને વર્ષ ૨૦૧૬ના ફાઈનલ ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમજાવી ન શકાય તેવી રીતે છોડી દેવામાં આવ્યું હતું, તેને કારણે આજે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થઈ ગઈ છે. કોસ્ટલ રોડે બાન્દ્રાથી દક્ષિણ મુંબઈ સુધીના વિસ્તારની મુસાફરીના સમયમાં ઘટાડો કર્યો છે. બાન્દ્રા-વરલી સી લિંક ટોલથી બ્રીચ કેન્ડી વિસ્તારમાં અમરસન્સ ઈન્ટરચેન્જ સુધીની મુસાફરીમાં લગભગ ૧૨ મિનિટનો સમય લાગે છે પણ મુકેશ ચોક સુધીના ફક્ત ૩૦૦ મીટરના અંતિમ તબક્કામાં પીક અવર્સ દરમ્યાન બહાર નીકળવામાં ૨૦થી ૨૫ મિનિટનો સમય નીકળી જાય છે.
નેપિયન સી રોડ પાસે એક્ઝિટ રોડ નહીં આપવાને કારણે વાહનોને ફરજિયાત રીતે અમરસન્સ ગાર્ડન (બ્રીચ કેન્ડી) ઈન્ટરચેન્જ પાસે બહાર નીકળવાની ફરજ પડે છે અને તેને કારણે અહીં બોટલનેક ગણાતા ૩૦૦ મીટરના પટ્ટામાં પીક અવર્સમાં જ બહાર નીકળવામાં ૨૫થી ૪૫ મિનિટનો સમય નીકળી જાય છે. નેપિયનસી રોડના રહેવાસીઓ સહિત બોમનજી પેટિટ રોડ અને કેમ્પસ કોર્નરના રહેવાસીઓને પણ તેને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નંદિની છાબરિયાએ વધુમાં કહ્યું હતું કે આ સમસ્યા ફક્ત બ્રીચ કેન્ડીના રહેવાસી પૂરતી નથી પણ બ્રીચ કેન્ડી, કેમ્પ્સ કોર્નર-નેપિયન સી રોડ-મલબાર હિલ રોડના પૂરા પટ્ટાને અસર થઈ રહી છે. તેઓએ પાલિકાના કોસ્ટલ રોડની ટીમના અધિકારીઓ સાથે નેપિયન સી રોડ પાસે એક્ઝિટ આર્મ આપવા બાબતે ચર્ચા કરી કરી છે અને તેઓ પણ આ શક્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરશે એવું આશ્ર્વાસન આપ્યું છે.