Thu Jun 18 2026

Logo

લલિત મોદીએ કાવ્યા મારનને કહ્યું, `મને કૉલ કરજો, હું મદદ કરવા તૈયાર છું'

England   2026-03-18 16:06:00
Author: Ajay Motiwala
Article Image

BCCI


લંડનઃ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ કર્યા પછી નાણાકીય ગેરરીતિના આક્ષેપો વચ્ચે દેશ છોડીને ઇંગ્લૅન્ડમાં સ્થાયી થઈ ગયેલા આઇપીએલના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદી (Lalit Modi)એ પાકિસ્તાનના સ્પિનર અબ્રાર અહમદ (Abrar Ahmed)ને ઇંગ્લૅન્ડની `ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટ માટે ઑક્શનમાં ખરીદવાના સનરાઇઝર્સ લીડ્સના નિર્ણય વિશે જે બબાલ થઈ છે એ સંદર્ભમાં આ ફ્રૅન્ચાઇઝીની માલિક કાવ્યા મારનને મદદ કરવાનો સંકેત આપ્યો છે.

સન ગ્રૂપની માલિકીના ફ્રૅન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના સહ-ફ્રૅન્ચાઇઝી તરીકે ઓળખાતા સનરાઇઝર્સ લીડ્સે તાજેતરમાં અબ્રાર અહમદને હરાજીમાં 2.34 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે અગાઉ ભારતીય સૈન્ય વિશે અપમાનજનક બોલી ચૂકેલા આ ખેલાડીને (ખાસ કરીને પાકિસ્તાની પ્લેયરને) ખરીદવામાં આવ્યો એ મુદ્દે ભારતમાં કાવ્યા મારનની વિરુદ્ધમાં પ્રચંડ વિરોધ થયો છે જેની પ્રેક્ષકો તરફથી વિપરીત અસર 28મી માર્ચે શરૂ થનારી આઇપીએલ દરમ્યાન સનરાઇઝર્સ હૈદરાબાદ પર જોવા મળી શકે.

લલિત મોદીએ સોશ્યલ મીડિયા પરની ક્રીપ્ટિક (શંકાસ્પદ) પોસ્ટમાં કાવ્યા મારનને મદદની ઑફર કરવાના સંકેત સાથે જણાવ્યું, `જ્યારે પ્રશંસકો પહેલેથી જ પરેશાન છે ત્યારે એક પાકિસ્તાની ખેલાડી પર 2.34 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો? જાહેર જનતાના દૃષ્ટિકોણનો પ્રશ્ન હોય ત્યારે પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી એ વિશે અને સામ્રાજ્ય બનાવવા બાબતમાં હું કંઈક જાણું છું. મને કૉલ કરજો.'

કાવ્યા મારન હવે લલિત મોદીની મદદ લેશે કે નહીં અને લલિત મોદી પાસે તેના માટે કેવો ઉકેલ છે એ જોવું રહ્યું. `ધ હન્ડ્રેડ'માં ચાર ટીમની માલિકી ભારતીય કંપનીઓના હાથમાં છેઃ સનરાઇઝર્સ લીડ્સ, મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, એમઆઇ લંડન અને સધર્ન બે્રવ.

બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે પાકિસ્તાની સ્પિનર અબ્રારને ખરીદવાના કાવ્યા મારનના પગલાંની આકરા શબ્દોમાં ટીકા કરીને આક્ષેપ સાથે જણાવ્યું છે કે `અબ્રાર સનરાઇઝર્સ લીડ્સ ફ્રૅન્ચાઇઝી પાસેથી જે રકમ કમાશે એનો ઉપયોગ આડકતરી રીતે ભારતીય સૈનિકો અને નાગરિકોના મૃત્યુ પાછળ થશે. પાકિસ્તાની પ્લેયરને જે (2.34 કરોડ રૂપિયાની) રકમ મળશે એમાંથી અમુક હિસ્સો ટેક્સ તરીકે પાકિસ્તાન સરકારના ખાતામાં જશે અને પાકિસ્તાન સરકાર એ કરવેરાની મદદથી શસ્ત્રો તથા દારૂગોળો ખરીદશે. આ બધું જોતાં, ભારતીય કંપનીઓએ પાકિસ્તાની રમતવીરો અને કલાકારોની સર્વિસ ખરીદવાનું ટાળવું જોઈએ.'