Sat Sep 05 2026

Logo

મુંદરા બંદર પર DRIની મોટી કાર્યવાહી, ચીનથી આયાત કરાયેલા કન્ટેનરોમાંથી કરોડોના હાઇટેક GPRS CCTV કેમેરા ઝડપાયા

2026-08-28 11:29:00
Author: Vimal Prajapati
મુંદરા બંદર પર DRIની મોટી કાર્યવાહી, ચીનથી આયાત કરાયેલા કન્ટેનરોમાંથી કરોડોના હાઇટેક GPRS CCTV કેમેરા ઝડપાયા

ભુજ: કચ્છના મુંદરા બંદર પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ દેશની સુરક્ષા સામેના મોટા ખતરાનો પર્દાફાશ કરતા એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. પૂર્વ બાતમીના આધારે કામગીરી કરીને તપાસ ટુકડીઓએ ચીનથી આયાત કરાયેલા 16 શંકાસ્પદ કન્ટેનરોને સ્થગિત કરી દીધા હતા. 

આ પૈકી પ્રાથમિક તબક્કે ચારથી પાંચ કન્ટેનરોની તલાશી લેવાતાં તેમાંથી કરોડોની કિંમતના જી.પી.આર.એસ. ટેક્નોલોજીથી સજ્જ સી.સી.ટી.વી. કેમેરા, તથા હાઇટેક ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. દેશની અંદર જાસૂસી કે સુરક્ષા સંબંધી જોખમ ઊભું કરી શકે તેવા આ પ્રતિબંધિત સાધનો ચીનથી વાયા મુંદરા થઈને ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યા હતા.

સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ શંકાસ્પદ માલસામાન દિલ્હી સ્થિત એક સિન્ડિકેટ દ્વારા મગાવવામાં આવ્યો હતો. આ સિવાય કંડલા-મુંદરા ક્ષેત્રમાં સક્રિય અને ભૂતકાળમાં પણ દેશવિરોધી સ્મગલિંગની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા એક કુખ્યાત એજન્ટની ભૂમિકા પણ સપાટી પર આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દિલ્હીના અત્યંત સંવેદનશીલ અને વી.આઈ.પી. વિસ્તારોમાંથી આવા જ જી.પી.આર.એસ. આધારિત ચાઇનીઝ કેમેરા મળી આવ્યા હતા, જે ભારતમાં જાસૂસી કરવાના હેતુથી ગોઠવાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તે કેસની તપાસ દરમિયાન પણ આ પ્રકારનો માલ કચ્છના સંવેદનશીલ દરિયાઈ માર્ગે જ ઘૂસાડાયો હોવાનું ખૂલતાં એજન્સીઓએ કંડલા-મુંદરા રૂટ પર નિગરાની કડક બનાવી દીધી હતી.

હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા 

આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા મિસડિક્લેરેશન અપનાવીને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના નામે માલસામાન મંગાવવામાં આવતો હતો. કાગળ પર અન્ય નિર્દોષ વસ્તુઓ દર્શાવીને કન્ટેનરોમાં પ્રતિબંધિત ડિવાઈસીસ છુપાવવામાં આવ્યા હતા. હાલ સ્થગિત કરાયેલા બાકીના કન્ટેનરોનું ચેકિંગ ચાલુ છે, જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓએ આ ચીની સાધનો કઈ લેબ કે કંપનીમાંથી આવ્યા હતા, દિલ્હી સિવાય દેશના કયા શહેરોમાં સપ્લાય થવાના હતા અને હેકર્સ દ્વારા ભારતની કઈ ગુપ્ત માહિતી મોકલવાનું કાવતરું હતું તે દિશામાં તપાસ તેજ કરી દીધી છે.