Thu Jun 18 2026

Logo

કુલદીપ યાદવનું લખનઊમાં ગૅ્રન્ડ રિસેપ્શન, સીએમ યોગી સહિત અનેક દિગ્ગજોની હાજરી...

2026-03-17 21:12:24
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ ચાઇનામૅન સ્પિનર તરીકે જાણીતા કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને વંશિકા ચઢ્ઢાના ગયા અઠવાડિયે મસૂરીમાં ધામધૂમથી લગ્ન થયા ત્યાર બાદ લખનઊની હૉટેલ ધ સેન્ટ્રમમાં મંગળવારે આયોજિત રિસેપ્શનમાં ક્રિકેટ અને રાજકીય ક્ષેત્રની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી. કુલ મળીને લગભગ 900 મહેમાનોને આ રિસેપ્શન (Reception)માં આવવાનું આમંત્રણ અપાયું હતું અને કેટલાક ખાસ મહેમાનો માટે ચાર ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન યોગી (Yogi) આદિત્યનાથ તેમ જ નાયબ મુખ્ય પ્રધાન બ્રિજેશ પાઠક તથા કેશવ પ્રસાદ મોર્ય તેમ જ અખિલેશ યાદવને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યોગીએ કુલદીપ-વંશિકાને આશીર્વાદ આપ્યા હતા.

અનેક ક્રિકેટરોને આ રિસેપ્શનમાં આવવાનું આમંત્રણ અપાયું હતું અને શરૂઆતમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા યશસ્વી જયસ્વાલ હૉટેલમાં પહોંચી ગયા હતા. ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન તેમ જ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે આ સમારોહમાં પહોંચ્યો હતો. આ ખેલાડીઓ હૉટેલમાં પહોંચ્યા કે તરત તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

વીવીઆઇપી મહેમાનો આવવાના હોવાથી હૉટેલમાં અગાઉથી જ સલામતીનો પાક્કો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. હૉટેલના પરિસરમાં બૉમ્બ સ્ક્વૉડ તથા ડૉગ સ્ક્વૉડ પણ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન શનિવારે મસૂરીમાં લગ્ન બાદ કુલદીપ-વંશિકા કાનપુરના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.