કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાન વચ્ચે પાટનગર કોલકાતાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અલીપુર વિસ્તારમાં આવેલી એક બહુમાળી સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં અંદાજે 4000 જેટલા EVM બળીને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આશરે 24 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રીએ આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર કે તોડફોડ હોવાની શંકા વ્યક્ત કરતા મામલો ગરમાયો છે. પોલીસે આ અંગે એફઆઈઆર નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં આ જ EVMનો થયો હતો ઉપયોગ
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બુધવારે દક્ષિણ કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક 9 માળની ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઇમારતમાં અન્ય સરકારી વિભાગો ઉપરાંત દક્ષિણ 24 પરગણા જિલ્લા પરિષદની કચેરી પણ આવેલી છે. બંગાળ સરકારના ફાયર અને ઇમરજન્સી સર્વિસિસ રાજ્ય પ્રધાન કૌશિક ચૌધરીએ ગુરુવારે અકસ્માત અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં આશરે 4,000 જેટલી EVM સંપૂર્ણપણે નાશ પામી છે. આ તમામ મશીનોનો ઉપયોગ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન 10 જુદા જુદા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા આટલા મોટા જથ્થામાં મશીનો સળગી જતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
કોલકાતામાં 4 હજાર ઈવીએમ સરળી ગયા! ચૂંટણી પંચ કેવો જવાબ આપશે? pic.twitter.com/Y8aCITy7IS
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 12, 2026
ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મંત્રી કૌશિક ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ સામાન્ય આગ લાગી હોય તેમ જણાતું નથી. આગ સૌથી પહેલા ઇમારતના બીજા અને ત્રીજા માળે જોવા મળી હતી, પરંતુ તે આટલી ઝડપથી નવમા અને દસમા માળ સુધી કેવી રીતે પહોંચી ગઈ તે રહસ્ય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આની પાછળ કોઈ તોડફોડ કે દૂષિત ઇરાદો હતો કે કેમ? આગની ઘટનાનું સાચું કારણ જાણવા માટે તેઓ હાલ ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલની રાહ જોઈ રહ્યા છે.