Fri Jun 19 2026

Logo

કોલકાતા એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન પર પડી વીજળી, 147 પ્રવાસીનો બચાવ

2026-06-19 21:29:49
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ આંધી તોફાન અને વરસાદને કારણે કોલકાતા એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન પર વીજળી પડવાની દુર્ઘટના ઘટી હતી, પરંતુ આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આમ છતાં રનવે પર એરપોર્ટના બે કર્મચારીને ઈજા પહોંચી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ બનાવ ત્યારે બન્યો જ્યારે ઈન્ડિગોની ફ્લાઈટ (6E6068 (VT-IPW) એરોબ્રિજ પર ઊભી હતી. એરપોર્ટ ઓરેશન્સ કંટ્રોલ સેન્ટર (એઓસીસી)એ અગાઉ હવામાન વિભાગના એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, કારણ કે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતની સ્થિતિ ઊભી થઈ હતી.

આ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી. સુરક્ષાના કારણોસર વિમાનમાં બેઠેલા તમામ પ્રવાસીઓને તાત્કાલિક બહાર ઉતારી દેવામાં આવ્યા હતા, જેમાં 141 પ્રવાસી અને 6 ક્રૂ હતા. એના પછી બીજા વિમાન VT-ICDમાં બેસાડવામાં આવ્યા હતા, જે પછી અગરતલા માટે રવાના કરવામાં આવ્યું હતું.

રનવે પરના બે કર્મચારી ઘાયલ
ઈન્ડિગોએ જણાવ્યું હતું કે વીજળી પડવાને કારણે રનવે પર કામ કરનારા બે કર્મચારીને ઈજા પહોંચી હતી અને તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે કોલકાતા અને એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને ચક્રવાતને કારણે વાતાવરણ ડહોળાયું હતું. 

આજે બંગાળમાં પુલ પણ તૂટ્યો
ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ટ્રાફિકની સ્થિતિ પણ ઊભી થઈ હતી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં બાલાસન નદી પરનો એક કામચલાઉ પુલ ભારે વરસાદના લીધે તૂટી પડ્યો હતો. જેના કારણે સિલિગુડી અને મિરિક સબડિવિઝન વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.

શ્રીલંકા એરલાઈન્સ પર પડી હતી વીજળી
અગાઉ શ્રીલંકામાં મોટી હોનારત ટળી ગઈ હતી. બારમી જૂનના શુક્રવારે કોલંબોથી સિડની જઈ રહેલી શ્રીલંકાની એરલાઈન્સ પર વીજળી પડી હતી, જેમાં વિમાનને વધુ નુકસાન થયું હતું, જેમાં કેપ્ટનની કુશળતાને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. કોલંબોથી સિડની જઈ રહેલી ફ્લાઈટમાં 207 પ્રવાસી હતા, જ્યારે 16 ક્રૂ હતા. સંયોગ કહો કે પછી એક જ અઠવાડિયામાં બે વિમાન પર વિમાન પડવાની ચોંકાવનારી ઘટના બની છે, પરંતુ રાહતની વાત એ છે કે બંને વિમાનમાં દુર્ઘટના ટળી ગઈ છે.