બોલીવૂડના દિગ્ગજ કલાકારો અનુપમ ખેર અને બોમન ઈરાની સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ ફોલો કરવામાં મોટાભાગે અગ્રેસર રહે છે. તાજેતરમાં જ વાઈરલ રીલ્સ પર ડાન્સ કર્યા બાદ હવે આ જોડી ભોજપુરી સુપરસ્ટાર અને અભિનેતા રવિ કિશનના વાઈરલ ડાન્સ ટ્રેન્ડમાં સામેલ થઈ છે. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં...
અનુપમ ખેર, બોમન ઈરાની અને પ્રવીણ ડબાસે રવિ કિશન સાથે મળીને તેમના સિગ્નેચર સ્ટેપ્સ પર મનોરંજક ડાન્સ વિડિયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ સાથે જ અનુપમ ખેરે જાહેરાત કરી છે કે રવિ કિશન પણ તેમની આગામી કલ્ટ કોમેડી સિક્વલ 'ખોસલા કા ઘોસલા ટુ' (Khosla Ka Ghosla 2)ની સ્ટાર કાસ્ટમાં જોડાઈ ચૂક્યા છે.
'ચક દે ફટ્ટે' પર કલાકારોનો જબરદસ્ત ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બોમન ઈરાની, પ્રવીણ ડબાસ અને રવિ કિશન સાથે 'ચક દે ફટ્ટે' ગીતના વાયરલ સ્ટેપ્સ કરતા જોવા મળે છે.
વીડિયો શેર કરતાં અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું હતું કે એક ડાબો પગ છે, એક જમણો પગ છે... આ છે ચલ ફૂટ! કોઓર્ડિનેશનના કિંગ્સ પાછા આવી ગયા છે. અમે 'ખોસલા કા ઘોસલા ટુ'ની કાસ્ટમાં અમારા ભાઈ રવિ કિશનનું સ્વાગત કરીએ છીએ. બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સે કમેન્ટ કરી આ ડાન્સની પ્રશંસા કરી હતી, જ્યારે ચાહકોએ ચારેય કલાકારોની જોડીને ખૂબ જ ક્યૂટ અને એનર્જેટિક ગણાવી છે.
'ખોસલા કા ઘોસલા ટુ' એ વર્ષ 2006માં આવેલી આઈકોનિક કોમેડી ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'ની આ ઓફિશિયલ સિક્વલ છે. વાત કરીએ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે તો આ ફિલ્મમાં અનુપમ ખેર, બોમન ઈરાની, પ્રવીણ ડબાસ, રણવીર શૌરી અને હવે રવિ કિશન પણ આ ફિલ્મમાં મહત્વના પાત્રમાં જોવા મળશે.
આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત બઘિયાએ કર્યું છે. કોમેડી અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ 'ખોસલા કા ઘોસલા ટુ' આગામી 28મી ઓગસ્ટ, 2026ના રોજ દેશભરના થિયેટર્સમાં રીલિઝ થવા જઈ રહી છે.