ચંદીગઢઃ પ્રતિબંધિત ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ(કેઝેડએફ) સાથે જોડાયેલા બે વોન્ટેડ આતંકવાદીઓને મલેશિયાથી ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ દિલ્હી એરપોર્ટ ખાતે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ જાણકારી પંજાબ પોલીસે જણાવ્યું હતું.
કેન્દ્રીય એજન્સીઓ અને રોયલ મલેશિયા પોલીસની મદદથી અંબાલાના ગુરવિંદર સિંહ અને પટિયાલાના મનજીત સિંહને ડિપોર્ટ કરવામાં પંજાબ પોલીસને સફળતા મળી હતી. બંનેને બુધવારે દિલ્હી લાવવામાં આવ્યા હતા.
પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) ગૌરવ યાદવે એક્સ પર જણાવ્યું કે ગુરવિંદર અને મનજીત મલેશિયા સ્થિત કેઝેડએફ-સમર્થિત આતંકવાદી મોડ્યુલના મુખ્ય સભ્યો હતા. જે પંજાબમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર લાઇન સહિત મહત્વપૂર્ણ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં સામેલ હતા.
તેમણે જણાવ્યું કે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચતા જ પંજાબ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે તેમને પંજાબ લાવવામાં આવ્યા હતા. અગાઉ પંજાબ પોલીસે ૨૩ જાન્યુઆરીના ફતેહગઢ સાહિબના સરહિંદ નજીક રેલવે ફ્રેઇટ કોરિડોર લાઇન પર આઇઇડી વિસ્ફોટ અને ૨૭ એપ્રિલના રોજ પટિયાલાના શંભુ નજીક તે જ કોરિડોર પર વિસ્ફોટના પ્રયાસ માટે જવાબદાર આતંકવાદી મોડ્યુલનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો હતો.
ડીજીપીએ જણાવ્યું કે તપાસ દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમની પાસેથી ભારે માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસમાં આ આંતરરાષ્ટ્રીય કાવતરામાં મલેશિયાથી કાર્યરત કેઝેડએફના હેન્ડલર્સ અને ફાયનાન્સિયલ ફેસિલિટેટર્સની ભૂમિકા બહાર આવી હતી.
યાદવે વધુમાં જણાવ્યું કે ડિપોર્ટ કરાયેલા આરોપીઓ પંજાબમાં કેઝેડએફ ઓપરેટિવ્સને ઓફશોર એકાઉન્ટ્સ દ્વારા આતંકવાદી ભંડોળ મોકલવામાં અગત્યની ભૂમિક ભજવતા હોવાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીઓને ૧૮ જૂનના રોજ પટિયાલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.