Wed Aug 19 2026

Logo

સ્ટાર-યાર-કલાકાર: ખૂન હાથથી - મગજથી કે પછી દિલથી?

2026-07-31 08:34:00
Author: Sanjay Chhel
Article Image

 

 

 

સસ્પેન્સ-કિંગ કેઇગો હિગાશિનોનો અજબ કસબ

 

- સંજય છેલ 
 

કેઇગો હિગાશિનોના બે ચર્ચાસ્પદ પુસ્તક, પુસ્તક પરથી પ્રેરિત ફિલ્મ

‘સસ્પેન્સમાં સૌથી મોટો વિલન એક ખૂની નથી, વાચકનો અહંકાર છે.’

‘સફળ થ્રિલર એ નથી કે જેમાં અંતે ‘ખૂની કોણ છે?’ તેની ખબર પડે. સફળ થ્રિલર એ છે કે સત્ય

જાણ્યા પછી પણ માણસ લાંબા સમય સુધી શાંત ન બેસી શકે.’

‘દરેક સામાન્ય માણસની અંદર એક અસામાન્ય રહસ્ય દફનાયેલું હોય છે.’

આ વિચાર કોઈ ફિલોસોફરના નથી, પણ જાપાનના એવા લેખકના છે, જેમણે હત્યા, ગુનો ને રહસ્યને માત્ર મનોરંજન તરીકે નહીં, માણસના મનના અંધારિયા ઓરડાઓ સુધી પહોંચવા માટે વાપર્યા અને એ છે: કેઇગો હિગાશિનો...

 

દુનિયાના કરોડો વાચકો માટે એ માત્ર થ્રિલર-લેખક નથી, પરંતુ માનવસ્વભાવના અસાધારણ ચિત્રકાર છે, જે હમણાં જ માત્ર 68 વરસે મૃત્યુ પામ્યા.

 

આગાથા ક્રિસ્ટી ને આર્થર કોનન ડોયલ પછી છેલ્લા ત્રણ દાયકામાં જો કોઈ લેખકે વિશ્વભરના સસ્પેન્સ પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હોય તો એ છે- કેઇગો હિગાશિનો. તેમની નવલકથાઓમાં ગોળીબાર ઓછા હોય છે, પરંતુ લાગણીઓનો વિસ્ફોટ એટલો પ્રબળ હોય છે કે વાચક દિવસો સુધી વાર્તા કે પાત્રો વિશે વિચારે રાખે છે.    

 

હિગાશિનોની સૌથી પ્રસિદ્ધ નવલકથા ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પાછળ રસપ્રદ રહસ્ય છે. એન્જિનિયર હિગાશિનોને ગણિત ખૂબ ગમતું. એમનું માનવું છે ગણિતનો સુંદર દાખલો અને કોઇ હત્યાના સંપૂર્ણ પ્લાન, બંનેમાં રસપ્રદ સમાનતા હોય છે. આ થિયરી પરથી જ એવી નવલકથા જન્મી કે અંતે વાચકને હત્યારાની ચાલાકી કરતાં ખૂનીની કરુણા વધારે સ્પર્શે છે.

 

 તમને થશે કે જાપાની લેખક સાથે આપણને શું?

 

વેલ, ભારતમાં પણ એમની ચોરીછૂપી અસર છે જ. એમની નવલકથા ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પરથી સુજોય ઘોષે, ‘નેટફ્લિક્સ’ માટે ‘જાને જાં’ બનાવી, જેમાં કરીના કપૂર, જયદીપ અહલાવત ને વિજય વર્મા હતા. અગાઉ દક્ષિણ કોરિયામાં ‘પર્ફેક્ટ મર્ડર’ તરીકે ને પછી તમિલ સિનેમામાં ‘કોલાઈગારન’ તરીકે પણ એનું રૂપાંતર થયું. જેઠુ જોસેફની સુપરહિટ ને હિંદીમાં પણ બનેલ ફિલ્મ ‘દૃશ્યમ્’ પર પણ હિગાશિનોની વાર્તાની અસર કે મૂળ કથા જ છે. (હિગોશિનોનું નામ આપ્યા વિના). એક જ જાપાની વાર્તા ટોક્યોથી કાલિમ્પોંગ ને ચેન્નઈ સુધી પહોંચી શકે, એ જ હિગાશિનોના લેખનની તાકાત છે. તેમની બીજી વાર્તાઓના ભારતીય રૂપાંતરમાં પણ નિર્માતાઓ પાછળ પડ્યા છે.

 

વિશ્વના ઘણા ફિલ્મનિર્માતાઓ કહે છે કે હિગાશિનોની નવલકથા વાંચવી એટલે પહેલેથી જ અડધી ફિલ્મ જોઈ નાખવી. વાર્તામાં કેમેરા ક્યાં ફરશે, મૌન ક્યાં આવશે ને દર્શકનો શ્વાસ ક્યાં અટકશે, એની જાણે પહેલેથી જ જગ્યા નક્કી થઇ ગઈ હોય છે. તેથી જ જાપાન, કોરિયા, ચીન અને તાઇવાનમાં હિગોશિનોની વાર્તાઓ પરથી અનેક ફિલ્મો ને ટીવી શ્રેણીઓ બની ચૂકી છે. જો કે હિગાશિનો ફિલ્મના શૂટિંગમાં ભાગ્યે જ સેટ પર જતા. હિગાશિનો માનતા કે એકવાર પુસ્તક પ્રકાશિત થઈ જાય પછી તે માત્ર લેખકનું નથી રહેતું. તે કોઇ વાચક, ફિલ્મ દિગ્દર્શક, અભિનેતા કે દર્શકનું બની જાય છે.

 

1958માં ઓસાકામાં જન્મેલા હિગાશિનો સાહિત્યિક પરિવારમાંથી આવ્યા નહોતા. એમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો ને એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરી. દિવસ દરમિયાન મશીનો સાથે કામ કરનાર આ યુવાન રાત્રે હત્યા, રહસ્ય ને માનવમનની ગૂંચવણો વિશે લખતો. એમના સહકર્મચારીઓ કહે છે કે હિગાશિનોની લંચબ્રેકમાં પણ ટિફિન કરતાં નોટબુક વધારે ખુલ્લી રહેતી. હિગાશિનો માનતા કે રોજ થોડું થોડું લખવું, એ જ લેખક બનવાનો સાચો રસ્તો છે.

 

એક એન્જિનયર તરીકે ક્રાઈમ ફિક્શનમાં એમણે ‘રિવર્સ એન્જિનિયરિંગ વ્હુ ડન ઇટ’ વાપર્યું. ટિપિકલ સસ્પેન્સ નોવેલ્સમાં લેખક છેલ્લે સુધી વાચકથી ગુનેગારનું નામ છુપાવે છે, પરંતુ હિગાશિનો વાર્તાના પહેલા જ પ્રકરણમાં ખૂન કોણે કર્યું છે તે વાચકની સામે મૂકી દેતા હતા. છતાં પુસ્તક વાંચવું અટકાવીને પડતું મૂકી શકાય એવું નથી બનતું , કારણ કે એમની વાર્તાઓનો અસલી રોમાંચ એ નહોતો કે ‘ખૂન કોણે કર્યું?’, પણ એ હતો કે ‘તેણે આ અશક્ય લાગતા ગુનાને કેવી રીતે અંજામ આપ્યો અને તપાસ કરનાર તેના સુધી કેવી રીતે પહોંચશે?’ માણસ કઈ પરિસ્થિતિમાં પોતાની મર્યાદા તોડે છે, એ જ તેમની વાર્તાનો સાચો વિષય છે. આ અનોખી શૈલીએ જાપાનીઝ સાહિત્યમાં નવો પ્રાણ પૂરી દીધો. ગણિતના અટપટા સિદ્ધાંતો, ફિઝિક્સના નિયમો અને તર્કની દીવાલો વચ્ચે ગુના પાછળ છુપાયેલી માનવીય લાચારી, પ્રેમ અને ત્યાગ જ તેમની નવલકથાઓનું અસલી હૃદય હતું. 

 

તે કહેતા, મને પોલીસ કરતાં સામાન્ય લોકો વધુ રસપ્રદ લાગે છે. કદાચ એટલા માટે તેમના પાત્રો કોઈ સુપરહીરો નથી. શિક્ષક, ગૃહિણી, ગણિતના પ્રોફેસર, દુકાનદાર કે એકલવાયો પાડોશી... કોઈપણ માણસ અચાનક એવી પરિસ્થિતિમાં આવી જાય છે જ્યાં પ્રેમ, ફરજ ને ગુનાખોરી એકમેક સાથે અથડાય છે.

 

નવાસવા લેખક, કેઇગો હિગાશિનોને શરૂઆતમાં અનેક હસ્તપ્રતો પ્રકાશકોએ પરત મોકલેલી, પણ એમણે લેખકના સંઘર્ષ વિશે જબરદસ્ત વાત કહેલી: ‘ખરાબ પુસ્તક લખવું ગુનો નથી, લખવાનું બંધ કરી દેવું સૌથી મોટો ગુનો છે!’ આખરે 1985માં હિગાશિનોની નવલકથા ‘આફ્ટર સ્કૂલ’ ને ‘એડો ગાવા રામ્પો’ને એવોર્ડ મળ્યો ને જાપાનને એક નવો સ્ટાર સસ્પેન્સ-લેખક મળી ગયો. ત્યાર પછી ‘જર્ની ઓફ મિડનાઇટ સન’, ‘મેલિસ’ અને ‘ધ મિરેકલ્સ ઓફ ધ નામિયા જનરલ સ્ટોર’ જેવી નવલકથાઓએ હિગાશિનોને ઇન્ટરનેશનલ ખ્યાતિ અપાવી. એમનાં પુસ્તકોની કરોડો નકલો વેચાઈ, અનેક ભાષાઓમાં અનુવાદ થયા ને દુનિયાભરના થ્રિલર-પ્રેમીઓમાં તે  છવાઇ ગયા.

 

કેઇગો હિગાશિનોના ચાહકોમાં એક ઇન્ટેરેસ્ટિંગ વાત પ્રચલિત છે: જો તમે રાત્રે 10 વાગ્યે હિગાશિનોની નવલકથા શરૂ કરો તો બીજા દિવસની સવાર બગાડવા માટે તૈયાર રહેજો, કારણ કે તેમનું લખાણ સસ્તા ચોંકાવનારા વળાંકો પર જીવતું નથી. તે વાચકને ધીમે ધીમે એવી જાળમાં ખેંચે છે કે છેલ્લું પાનું વાંચ્યા વગર ઊંઘ આવતી નથી. 

 

એક વાચકે હિગાશિનોને પૂછ્યું, તમારી નવલકથાઓ વાંચ્યા પછી લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. ત્યારે એમણે જવાબ આપ્યો, મારો હેતુ વિશ્વાસ તોડવાનો નથી, વિશ્વાસ કેટલો કિંમતી છે એ સમજાવવાનો છે.

 

કદાચ આ જ ક્રાઇમ-લેખકની આખી લેખનયાત્રાનો સાર છે.

 

હિગાશિનોએ થ્રિલરને માનવ સંબંધોની, ‘લાગણીઓની લેબોરેટરી’ બનાવી. એમની દરેક નવલકથા એક જ સવાલ પૂછે છે: ‘ગુનો ખરેખર ક્યાં જન્મે છે? ગુનેગારના હાથમાં, મગજમાં કે હૃદયમાં?’ એટલે જ એમની નોવેલ પત્યા પછી પણ સાચો અંત તો વાચકના મનમાં જ શરૂ થાય છે.

 

કોઈપણ સસ્પેન્સ-રાઇટર માટે આનાથી મોટું સન્માન શું હોઈ શકે?