બેંગલુરુ: કર્ણાટકમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા ક્રોસ વોટિંગ બાદ ભાજપ એકશન મોડમાં છે. જેમાં રાજ્યના પાર્ટી અધ્યક્ષ વિજયેન્દ્રના જણાવ્યા મુજબ આ ધારાસભ્યોની ઓળખ કરી લેવામાં આવી છે. આ અંગે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરીને એકશન લેવામાં આવશે.
ભાજપ અને કેટલાક જેડીએસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું
આ અંગે મળતી માહિતી મુજબ ગુરુવારે સાત બેઠકો માટે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપને બે બેઠકો મળી હતી. આ સમગ્ર ક્રમમાં જેડીએસને નુકસાન થયું હતું. જેમાં પાર્ટીએ એક બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. પરંતુ કેટલાક ભાજપ અને કેટલાક જેડીએસ ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે, આ બેઠક પણ કોંગ્રેસને મળી હતી. હવે ભાજપે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
ધારાસભ્યોને માફ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી
આ અંગે રાજ્ય ભાજપના પાર્ટી અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગઈકાલે કોણે ક્રોસ વોટિંગ કર્યું તેની મારી પાસે સંપૂર્ણ માહિતી છે. જેમાં જેડીએસ ના છ થી સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. ભાજપના લગભગ 5 થી 6 ધારાસભ્યોએ પણ ક્રોસ વોટિંગ કર્યું છે. આ કૃત્ય કરનારા અમારા ધારાસભ્યોને માફ કરવાનો કોઈ પ્રશ્ન ઉભો નથી થતો.
સત્તાધારી પક્ષ કોંગ્રેસને 151 મત મળ્યા
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે હાલમાં પદભાર સંભાળનારા ડીકે શિવકુમાર માટે ક્રોસ વોટિંગ મોટી જીત છે. જેમાં
કોંગ્રેસ તેના પાંચ ઉમેદવારોને જીતવામાં સફળ રહી છે. જેમાં સત્તાધારી પક્ષને 151 મત મળ્યા જ્યારે તેમની પાસે ફક્ત 141 મત હતા. જેમાં 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
કુમારસ્વામીએ સ્વીકાર્યું કે પાર્ટીના ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું
આ ઉપરાંત ભાજપના બે ઉમેદવારો જીત્યા હતા. પરંતુ સાથી પક્ષ જેડીએસને ફટકો પડ્યો હતો. તેમનો એક પણ ઉમેદવાર જીતી શક્યો ન હતો. જેડીએસને માત્ર 18 મત મળ્યા હતા. આ ચૂંટણી પરિણામ બાદ કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા કુમારસ્વામીએ સ્વીકાર્યું કે પાર્ટીના ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું હતું. તેમણે કહ્યું, ચાર લોકોએ ક્રોસ-વોટિંગ કર્યું છે. તેમજ જે જવા માંગે છે તે જઈ શકે છે.