ભુજ: સિંગાપુરમાં પ્રતિવર્ષ આશરે ૧.૬૮ લાખ ટન કાપડનો કચરો પેદા થાય છે, જેમાંથી માત્ર ૮ ટકા કાપડનું જ પુનઃઉપયોગ કે રિસાયકલિંગ થઈ શકે છે. આ ગંભીર પર્યાવરણીય પડકાર સામે લડવા સિંગાપુરમાં 'ધ ફેશન પલ્પિટ' જેવી ગારમેન્ટ એક્સચેન્જ શોપ્સ, સાલ્વેશન આર્મી દ્વારા ચાલતા દાન કેન્દ્રો અને જૂના કપડામાંથી નવી વસ્તુઓ બનાવવાની અપસાયકલિંગ પહેલ શરૂ કરવામાં આવી છે.
જે સમસ્યાનો ઉકેલ સિંગાપુર આજે શોધી રહ્યું છે, તે જ કાપડના કચરાને કચ્છના બંદરીય કંડલાએ છેલ્લા ૨૦ વર્ષથી એક સફળ અને વિશાળ ઉદ્યોગમાં ફેરવી નાખ્યો છે. સામાન્ય રીતે ભારતમાં જૂના કપડાની આયાત પર કાનૂની પ્રતિબંધ છે, પરંતુ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એકમાત્ર એવો પ્રદેશ છે જ્યાં આ વેપારને ખાસ કાયદાકીય મંજૂરી મળેલી છે. અમેરિકા, યુરોપ, જાપાન અને હોંગકોંગ જેવા દેશોમાંથી દાનમાં આવેલા કપડાના ૩૬૦ કિલોગ્રામના વિશાળ બંડલો સીધા કંડલા અને મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જૂના કપડાનો આ વેપાર ૩.૭ અબજ ડોલર (આશરે રૂ ૩૦,૦૦૦ કરોડથી વધુ) નો છે, જેમાંથી ભારતમાં જ આ ઉદ્યોગ રૂ. ૮,૦૦૦ કરોડથી વધુનું કદ ધરાવે છે. એકલા કંડલા સેઝમાંથી દૈનિક ૨૦૦ ટન એટલે કે આશરે ૧૧ લાખ નંગ કપડા પ્રોસેસ થઈને દેશ અને દુનિયાના બજારોમાં સપ્લાય થાય છે.
આ ઉદ્યોગ કચ્છ માટે રોજગારીનું મોટું સરનામું બન્યો છે. કંડલા સેઝ જિલ્લામાં સૌથી વધુ નોકરીઓ પૂરી પાડતો એકમ છે, જ્યાં ૧૦,૦૦૦થી વધુ શ્રમિકો સીધી રીતે બંડલિંગ અને સોર્ટિંગના કામમાં રોકાયેલા છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, હમાલી અને સ્થાનિક વેપાર સાથે બીજા હજારો પરિવારો રોજગારી મેળવે છે.
સોર્ટિંગ દરમિયાન પ્રાપ્ત થતા ઉચ્ચ ગુણવત્તાના કપડા દિલ્હીના સરોજિની નગર અને મુંબઈના લિંકિંગ રોડ જેવા પ્રખ્યાત સ્ટ્રીટ બજારોમાં પહોંચાડવામાં આવે છે. મધ્યમ ગુણવત્તાનો માલ આફ્રિકન દેશોમાં નિકાસ થાય છે, જ્યારે સાવ ખરાબ કપડા હરિયાણાના પાણીપતમાં મોકલાય છે, જ્યાં તેનું રિસાયકલિંગ કરીને ગરીબો માટે સસ્તા ધાબળા બનાવવામાં આવે છે.
કંડલા વિસ્તારમાં વિદેશી ચલણ કે કિંમતી વસ્તુઓ મળવાની લોકચર્ચાઓ પણ આ જ વેપાર સાથે વણાયેલી છે. વિદેશી નાગરિકો કપડા દાન કરતી વખતે ઘણીવાર ખિસ્સા ચકાસવાનું ભૂલી જતા હોય છે. જેના પરિણામે સોર્ટિંગ પ્રક્રિયા દરમિયાન જેકેટ અને જીન્સના ખિસ્સામાંથી ડોલર, યુરો, સોનાની વીંટીઓ અને ઘડિયાળો જેવી કિંમતી ચીજો મળી આવતી હોય છે. સેઝમાં કેટલીક એજન્સીઓ તો માત્ર આ ખિસ્સા તપાસીને કિંમતી સામગ્રી શોધવાના ખાસ અધિકારો જ ખરીદતી હોય છે.
(ઉત્સવ વૈદ્ય)