Sun Oct 04 2026

Logo

કાળાચૌકીમાં ગણેશ મંડપ નજીક વીજ કરંટથી 2નાં મોત, 4 ઘાયલ; આદિત્ય ઠાકરેએ વ્યક્ત કર્યો શોક

2026-09-20 18:59:53
Author: Mumbai Samachar Team
કાળાચૌકીમાં ગણેશ મંડપ નજીક વીજ કરંટથી 2નાં મોત, 4 ઘાયલ; આદિત્ય ઠાકરેએ વ્યક્ત કર્યો શોક

મુંબઈ: કાળાચૌકીના મહાગણપતિ મંડપ નજીક શનિવારે મોડી રાત્રે વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં બે લોકોનાં મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 8 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ ઘટના દત્તારામ લાડ માર્ગ પર મહાગણપતિ ઉત્સવ મંડળના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલા અસ્થાયી પીવાના પાણીના સ્ટોલ પાસે લગભગ રાત્રે 2:42 વાગ્યે બની હતી.

આ વિશે બોલતા શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ આ સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર 8 વર્ષની બાળકીના મોત પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને અન્ય અસરગ્રસ્ત ભક્તો તથા મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલ ભક્તો ઝડપથી સાજા થાય તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

હાલ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. અસ્થાયી વીજ વ્યવસ્થામાં કોઈ ટેકનિકલ ખામી હતી કે કેમ અને વીજ કરંટ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. બેસ્ટના અધિકારીઓ અને પોલીસની તપાસ બાદ જ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.