હિન્દુ ધર્મમાં ભગવાન શિવના પરમ ધામ ગણાતા પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રા દરેક શ્રદ્ધાળુનું જીવનનું સૌથી મોટું સ્વપ્ન હોય છે. ભારત સરકાર દ્વારા આયોજિત સત્તાવાર યાત્રા ઉપરાંત નેપાળ થઈને તિબેટ (ચીન) પહોંચવાનો રૂટ ભારતીય શ્રદ્ધાળુઓમાં અત્યંત લોકપ્રિય વિકલ્પ બની ચૂક્યો છે.
નેપાળના માર્ગે ફ્લાઇટ, રોડ અને હેલિકોપ્ટરનું ઉત્તમ નેટવર્ક ઉપલબ્ધ હોવાથી શારીરિક થાક ઓછો લાગે છે અને યાત્રાનો સમયગાળો પણ ઘટી જાય છે. આવો સમજીએ કે નેપાળનો રૂટ કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેના વિવિધ વિકલ્પોમાં કેટલો ખર્ચ થાય છે.
નેપાળનો રસ્તો શ્રદ્ધાળુઓ માટે કેમ વધુ અનુકૂળ છે?
ભારતીય પરંપરાગત ટ્રેકિંગ રૂટ પર 20થી 22 દિવસ થાય છે, જ્યારે નેપાળ થઈને યાત્રા માત્ર 10થી 14 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. યાત્રાની શરૂઆત કાઠમંડુમાં પશુપતિનાથના દર્શનથી થતી હોવાથી કૈલાશ માનસરોવર જતાં પહેલાં શ્રદ્ધાળુઓને સુપ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવના દર્શનનો વિશેષ આધ્યાત્મિક લાભ મળે છે. વરિષ્ઠ નાગરિકો કે ઓછી ફિટનેસ ધરાવતા યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર રૂટ ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. ચાલો જોઈએ કયા છે આ ત્રણ રૂટ...
સૌથી પહેલો રૂટ છે કૈલાશ હવાઈ દર્શન (માઉન્ટેન ફ્લાઇટ). આ માટે અંદાજે રૂપિયા 50,000થી શરૂ થાય છે. આ સૌથી સસ્તો અને ઝડપી વિકલ્પ છે. નેપાળગંજથી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા શ્રદ્ધાળુઓને આકાશમાંથી જ માઉન્ટ કૈલાશ અને માનસરોવરના દર્શન કરાવવામાં આવે છે. જોકે, તેમાં તિબેટમાં પ્રવેશ કે પરિક્રમા સામેલ નથી.
કેરુંગ બોર્ડર રોડ માર્ગ રૂટથી કૈલાશ માનસરોવર પહોંચવા માટે અંદાજે રૂપિયા 1.85 લાખથી રૂપિયા 2.5 લાખનો ખર્ચ થાય છે. યાત્રાળુઓ કાઠમંડુથી કેરુંગ સરહદ થઈને રોડ માર્ગે તિબેટમાં પ્રવેશે છે અને માનસરોવર તેમજ કૈલાશ પરિક્રમા કરે છે. ગ્રુપ ટ્રાવેલ હોવાથી વાહન અને રહેવાનો ખર્ચ બજેટમાં રહે છે.
સિમિકોટ-હિલ્સા હેલિકોપ્ટર રૂટ પણ કૈલાશ માનસરોવર જનારાઓ માટે એક ઓપ્શન છે અને વાત કરીએ આ રૂટના અંદાજિત ખર્ચની તો અંદાજે રૂપિયા 2.80 લાખથી રૂપિયા સાડાત્રણ લાખ સુધીનો ખર્ચ અપેક્ષિત છે. કાઠમંડુ-નેપાળગંજથી સિમિકોટ અને ત્યાંથી હિલ્સા સુધી હેલિકોપ્ટર દ્વારા જવાય છે અને ત્યારબાદ તિબેટમાં પ્રવેશ મળે છે. આ રૂટ સૌથી વધુ આરામદાયક પણ એવિએશન ખર્ચને કારણે મોંઘો છે.
ગ્રુપ પરમિટ અને ઓલ-ઈન્ક્લુઝિવ પેકેજના ફાયદા:
નેપાળ સ્થિત પ્રાઈવેટ ટૂર ઓપરેટર્સ સમગ્ર ગ્રુપ માટે તિબેટ ગ્રુપ વિઝા અને ચાઈનીઝ ટ્રાવેલ પરમિટની વ્યવસ્થા કરે છે, જેનાથી એકલા જવાની સરખામણીએ મોટો ખર્ચ વહેંચાઈ જાય છે. મોટાભાગના ઓલ-ઈન્ક્લુઝિવ પેકેજમાં કાઠમંડુથી આવવા-જવાનું પરિવહન, રહેવાની વ્યવસ્થા, શુદ્ધ શાકાહારી ભોજન, ગાઈડ અને શેરપા સપોર્ટ સામેલ હોય છે.