નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ચીનના ઈરાદા સ્પષ્ટ થઈ ગયા છે. સમયાંતરે બોર્ડર વિસ્તારમાં છમકલા કરતા ચીન હવે પોતાના કબજા હેઠળના કૈલાશ પર્વત પર દાદાગીરી વર્તી છે. તમામ પ્રક્રિયાઓને ચીનના નીતિ-નિયમ અનુસાર પૂરી કર્યા બાદ પણ ડ્રેગને લાખો ભાવિકોની અસ્થા પર ડંખ મારી દીધો છે. ચીન સરકારે ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રાની પરમીટ પર પાબંધી મૂકી દીધી છે. આ કારણે અનેક શ્રદ્ધાળુઓની આસ્થા પર ચીને ઘા મારી દીધો છે. અગાઉ વિઝાને લઈને વિલંબ કરવામાં આવતો હતો હવે પરમિટ પર સંપૂર્ણ રીતે પાબંધી મૂકીને ચીને પોતાની અવરચંડાઈ સાબિત કરી દીધી છે.
શા માટે દરવાજા બંધ કરી દીધા?
સ્થિતિ એવી છે કે, અનેક એવા શ્રદ્ધાળુઓ તિબેટ-ચીન બોર્ડર પર ફસાયા છે.એન્ટ્રી ન મળવાના કારણે અહીંયા લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. હવે માત્ર NRIને જ કૈલાશ માનસરોવરની યાત્રા માટે મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. ભારતીય યાત્રિકો માટે આખરે ચીને કૈલાશ માનસરોવર યાત્રાના દરવાજા બંધી કરી દીધા છે. આ પહેલા ચીને ભારતીય ભાવિકો માટે કોમન કિચનનો નિયમ લાગુ કર્યો હતો. આ કારણે પ્રાદેશિક સ્વાદ સામે સવાલ ઊભા થયા હતા.આ મનમાની સ્વીકારીને શ્રદ્ધાળુઓએ પોતાની પ્રક્રિયા કરી હતી. આ ઉપરાંત ચીન તંત્ર દ્વારા વિઝામાં વિલંબ કરવામાં આવતો હતો, જેના કારણે ચીન પાસે હજું 3000થી વધારે ભારતીયોની અરજી પ્રોસેસ થયા વગરની પડી રહી છે.

કેટલાક ભાવિકો પરત ફર્યા
ચીનના આવા મનફાવે એવા નિર્ણયના કારણે અનેક શ્રદ્ધાળુઓની મુશ્કેલી વધી ગઈ છે. તિબેટ-ચીન બોર્ડર પર અનેક એવા ભાવિકોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે ચીને એન્ટ્રી અચાનક બંધ કરી દીધી છે. વિઝા તથા પરમીટ ન મળવાના કારણે દૂર-દૂરથી આવેલા ભાવિકો દરવાજા ખુલે એની રાહ જોઈને બેઠા છે તો કેટલાક નિરાશ ચહેરે પરત આવી રહ્યા છે. ચીન સરકારે એવો નિયમ કર્યો છે કે, માત્ર NRI ભારતીયોને જ એન્ટ્રી આપશે. ભારતના સામાન્ય નાગરિકો માટે ચીને દરવાજા બંધ કરી દીધા છે. મામલો ગંભીર બની રહ્યો હોવા છતા ભારતીય વિદેશ મંત્રાલયે મૌન સેવી લીધુ છે. ભારત સરકારે આ અંગે ખાસ કોઈ નિવેદન આપ્યું નથી.
ભારત સરકારનું ધ્યાન દોર્યું
આ કારણે ભારત અને ચીનના સંબંધો પર ફરી સવાલ ઊભા થઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ જ્યારે ભારત આવ્યા ત્યારે એમની મહેમાન નવાઝીમાં ભારતે કંઈ બાકી રાખ્યું ન હતું એના જવાબમાં ચીને પોતાના ઈરાદા કેવા છે એ સાબિત કરી દીધા છે. ગુજરાતના જ નહીં ભારતના પણ કેટલાક ટુર ઑપરેટરોએ આ મામલે ભારત સરકારને લેખિત રજૂઆત કરી દીધી છે. આ પ્રકારનું વલણ પહેલીવાર જોવા મળ્યું છે કે જ્યારે ચીને યાત્રીઓ માટેના દરવાજા બંધ કરી દીધા હોય. કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કેવા પગલાં લેવામાં આવે છે એના પર હવે સૌની નજર છે.