ભરત ભારદ્વાજ
‘નીટ’ પેપર લીક મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ કરેલા આંદોલનના પડઘા શમ્યા નથી ત્યાં ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનની આખા દેશમાં ચર્ચા છે. ઝારખંડમાં સરકારી નોકરીઓમાં ભરતી માટે લેવાતી ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી)ની એપ્રિલમાં લેવાયેલી પરીક્ષામાં ભ્રષ્ટાચારની વાતો બહાર આવી તેના પગલે શરૂ થયેલું આંદોલન અત્યંત ઉગ્ર બની ગયું છે. ઝારખંડની રાજધાની રાંચીમાં લાખો વિદ્યાર્થીઓ ઊમટી પડ્યા છે અને દેખાવો કરી રહ્યા છે.
ઝારખંડમાં સ્ટુડન્ટ પોલિટિક્સનો દબદબો છે ને રાજકીય પાર્ટીઓનાં તથા બિન-રાજકીય પણ ઘણાં વિદ્યાર્થી સંગઠનો અસ્તિત્વમાં છે. આ બધાં સંગઠનો કૂદી પડ્યાં તેમાં આંદોલન સ્ફોટક બની ગયું છે. આંદોલનની શરૂઆત જેપીએસસીની પરીક્ષા રદ કરવાની માગણી સાથે થયેલી પણ પછી બીજી વ્યાજબી માગણીઓ પણ ઉમેરાતી ગઈ. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી) અને ઝારખંડ શોર્ટ સર્વિસ કમિશન (જેએસએસસી)ની પરીક્ષાઓમાં પારદર્શકતા, પેપર લીક સહિતની ગરબડો માટે 90 દિવસમાં સજા સહિતની માગણીઓ વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યાં છે.
સામાજિક કાર્યકર હરિશરણ દેવગણે સુપ્રીમ કોર્ટમાં જાહેર અરજી કરીને ભરતી પરીક્ષાઓમાં ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસની તેમજ પરીક્ષાઓ રદ કરવાની માગ કરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અથવા રાજ્ય બહારની હાઈ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિનાં વડપણમાં સ્વતંત્ર તપાસ સમિતિની પણ માગ કરાઈ છે.
જો કે માગ શું છે એ બહુ મહત્ત્વનું નથી. મહત્ત્વની વાત વિદ્યાર્થીઓની સાચી માગણી તરફ સરકારનું વલણ છે અને ઝારખંડની જેએમએમ-કૉંગ્રેસ સરકારનું વલણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારથી અલગ નથી. મોદી સરકારે પણ પહેલાં કશું બન્યું ના હોય એ રીતે વિદ્યાર્થીઓને અવગણાના ને ધર્મેન્દ્ર પ્રધાન તો પેપર લીક નહીં થયાની રેકર્ડ વગાડ્યા કરતા હતા. મોદી તો આંદોલનની ખબર જ ના હોય એ રીતે વર્ત્યા કરતા હતા ને વિદેશોમાં મહાલ્યા કરતા હતા. પગ નીચે રેલો આવ્યો પછી રોજ ઈન્સ્ટાગ્રામની રીલો કરતા થઈ ગયા છે પણ એ પહેલાં યુવાઓના મન કી બાત સમજવાની તેમણે તસદી નહોતી લીધી એ હકીકત છે.
ઝારખંડની હેમંત સોરેનની સરકાર પણ એ રીતે જ વર્તી રહી છે. છેક એપ્રિલમાં પરીક્ષામાં ભ્રષ્ટાચારની વાતો બહાર આવી ત્યારથી વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા છે પણ સોરેન સરકાર તેમને ગણકારતી જ નથી. વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહાતો 25 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે પણ એ મરી જાય તો આપણે કેટલા ટકા એમ માનીને સરકાર તેમને પારણાં કરાવવા કશું જ કરી રહી નથી. આંદોલન સ્ફોટક બન્યું પછી મંત્રણાનું નાટક મોદી સરકારની જેમ શરૂ કર્યું છે પણ તડ ને ફડ કરીને એક ઝાટકે આંદોલન ખતમ કરાવવાની વૃત્તિ જ નથી.
ટૂંકમાં ઝારખંડનું વિદ્યાર્થી આંદોલન એ વાતનો પુરાવો છે કે, કાગડા બધે કાળા છે. કૉંગ્રેસ ‘નીટ’ પેપર લીક મુદ્દે થયેલા આંદોલનમાં સક્રિય હતી ને ગાજી ગાજીને રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસી નેતાઓએ ભાષણબાજી કરેલી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીમાં પણ સૂર પુરાવેલો ને મોદીના ઘર સામે ધાડું લઈ જઈને દેકારો મચાવી દીધેલો. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ની સરકાર છે અને કૉંગ્રેસ તેમાં ભાગીદાર છે ત્યારે રાહુલ ગાંધી ચૂપ છે. રાહુલ હેમંત સોરેનના ઘર સામે જઈને તેમનું રાજીનામું માગે એવી તો આશા જ નથી પણ કમ સે કમ સોરેનને વિદ્યાર્થીઓની માગણી સ્વીકારવા અલ્ટિમેટમ તો આપી જ શકે પણ કૉંગ્રેસ સાવ ચૂપ છે.
ઝારખંડ તો કદાચ ટ્રેલર છે પણ બીજાં રાજ્યોમાં પણ ધીરે ધીરે યુવાઓનો ધૂંધવાટ બહાર આવી જ રહ્યો છે. હમણાં કર્ણાટકમાં આંદોલન શરૂ થયું છે ને ગુજરાતમાં પણ દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની ગયા શૈક્ષણિક વર્ષ એટલે કે 2025-26ની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નથી મળી તેની સામે આંદોલનની જાહેરાત કરાઈ છે. ગયા વર્ષથી જ દલિત, આદિવાસી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ નહીં મળતાં ઊંચાનીચા થતા હતા. કોલેજોમાં રજૂઆત પણ કરી પણ કોલેજોએ એમ કહીને હાથ અધ્ધર કરી નાખ્યા કે, શિષ્યવૃત્તિ સરકારે આપવાની છે એટલે અમે કશું ના કરી શકીએ.
ગુજરાત સરકારે દલિત, આદિવાસી વિદ્યાર્થીઓને ફ્રી-શિપ કાર્ડ આપ્યાં છે. સરકાર કાર્ડમાં રકમ જમા કરાવે ને આ કાર્ડમાંથી કોલેજો ફી કાપી લેતી હોય છે પણ સરકારે રકમ જ જમા ના કરાવી તેમાં વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકતા તેથી કોલેજો ફી માટે પણ વિદ્યાર્થીઓ પર દબાણ કરે છે.
કોલેજોની વાત સાચી છે એટલે વિદ્યાર્થી સંગઠનોએ સરકાર સામે રજૂઆત કરી પણ સરકાર સાંભળતી નથી. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છતાં હજુ ગયા વરસની શિષ્યવૃત્તિનાં ઠેકાણાં નથી એટલે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહે સરકારને 9 ઓગસ્ટ સુધીનું એલ્ટિમેટમ આપેલું. આ અલ્ટિમેટમ પતી ગયું પણ શિષ્યવૃત્તિનાં ઠેકાણાં પડ્યાં નથી એટલે ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થવાના ભણકારા છે.
આ આંદોલન શરૂ થશે કે સરકાર વિદ્યાર્થીઓને સમજાવી લેશે એ જોવાનું છે પણ મૂળ મુદ્દો એ છે કે, સરકારો પોતાની મનમાની કરે છે તેની સામે યુવાઓમાં અસંતોષ છે અને કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન પછી યુવાઓને વિશ્વાસ બેસી ગયો છે કે, આપણે તાકાત બતાવીશું તો સરકારે જખ મારીને આપણી વાત માનવી પડશે. કોઈ પણ પક્ષની સરકાર હોય પણ આ સ્થિતિ શરમજનક કહેવાય પણ આ દેશની આ જ વાસ્તવિકતા છે. રાજકારણીઓ પોતાના મન કી બાત કરે છે પણ લોકોની વાત સાંભળતા નથી ને લાત ના ખાય ત્યાં લગી સળવળતા નથી.
કમનસીબી એ છે કે, આ દેશની પ્રજા એટલી નમાલી છે કે, પોતાની જ યુવા પેઢીની સાચી વાતને પણ સમર્થન નથી આપી શકતી. બલ્કે નેતાઓની અંધ ભક્તિ કરીને યુવા પેઢીને બદનામ કરવાનાં ફાંફાંમાં ભાગીદાર બને છે. નીટ આંદોલન વખતે નેતાઓના ઈશારે આંદોલનકારીઓને દેશદ્રોહી, ચીન-પાકિસ્તાનના એજન્ટ વગેરે ચિતરવા ભરપૂર મથામણ થઈ ને તેમાં આ દેશની પ્રજાના જ મોટા વર્ગે સાથ આપ્યો. જેમણે સાથ ના આપ્યો તેમણે ચૂપ રહીને સમર્થન આપ્યું.
કૌરવ સભામાં દ્રૌપદીના ચિરહરણ વખતે ચૂપ રહેલા દરબારીઓ પાપમાં ભાગીદાર હતા એ રીતે આ દેશનો મોટો વર્ગ યુવાઓને દેશદ્રોહી ને ચીન-પાકિસ્તાનના એજન્ટ ચિતરવાના પાપમાં ભાગીદાર બન્યો. પંદર-સત્તર વર્ષની છોકરીઓની એઆઈથી બનાવેલી તસવીરો પર ગંદી કોમેન્ટ્સ કરીને કેટલાકે માનસિક વિકૃતિ બતાવી તો કેટલાકે એ પોસ્ટ વાઇરલ કરીને નીચતા બતાવી.
આ યુવાઓ આ દેશની ભ્રષ્ટ સિસ્ટમને સાફ કરવા અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમને સાથ આપવો આપણી ફરજ છે. શાસકો તેમની વાત નહીં સાંભળીને ફરજ ચૂક્યા ને આપણે ભક્તિમાં અંધ બનીને ફરજ ચૂક્યા.