નવી દિલ્હીઃ 32 વર્ષનો અમદાવાદી જસપ્રીત બુમરાહ (Bumrah) વર્તમાન ક્રિકેટનો સૌથી ડેન્જરસ ફાસ્ટ બોલર છે અને તે 58 દિવસે પાછો રમવા આવ્યો હોવાથી રવિવારે પાટનગર દિલ્હીમાં (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાનનો જે પણ ઓપનિંગ બૅટ્સમૅન સ્ટ્રાઇક પર હશે તે થર થર કાંપશે જ અને તેનો ભય વધારી દે એવું વધુ એક કારણ પણ છે.
વાત એવી છે કે ક્રિકેટને લગતી એક ખૂબ જ જાણીતી વેબસાઇટના અહેવાલ અનુસાર યૉર્કર-સ્પેશ્યાલિસ્ટ બુમરાહે રન-અપ (Run-up)માં થોડો વધારો કર્યો છે. તેણે શુક્રવારે દિલ્હીમાં પ્રૅક્ટિસ સેશન દરમ્યાન નવા રન-અપ પરથી દોડી આવીને બૉલ ફેંકીને વૈભવ સૂર્યવંશી સહિત ઘણા ભારતીય બૅટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
તીરની જેમ હાથમાંથી છૂટે ઘાતક બૉલ
ધનુષ્યધારી જેમ પણછ (દોરી) તાણીને તીર ગોઠવે અને નિશાન તાકે એ આખી પ્રક્રિયાને આપણે અહીં બુમરાહના રન-અપ તરીકે ઓળખાવીશું. ત્યાર બાદ ધનુષ્યધારી તીર છોડે એને આપણે (બૅટ્સમૅનને ગૂંચવી નાખતી ઍક્શનમાં) બુમરાહના હાથમાંથી (હાઇપર-એક્સ્ટેન્ડેડ જમણા હાથમાંથી) છૂટતા બૉલ તરીકે ઓળખાવીશું. આ આખી પ્રક્રિયા બૅટ્સમૅન માટે જાણે ઘાતક હોય છે જેમાં તેની જરા અમથી નજરચૂક થાય કે બૉલને સમજવામાં તે ભૂલ કરી બેસે તો વિકેટ ગુમાવી બેસે છે.
Jasprit Bumrah vs Vaibhav Sooryavanshi. What happened next? pic.twitter.com/Ep6igaQUnf
— Tanuj Lakhina (@tanujlakhina) September 11, 2026
અર્શદીપથી પણ લાંબો રન-અપ
બુમરાહ સામાન્ય રીતે રન-અપ શરૂ કરે ત્યારે ઝડપથી થોડું ચાલે છે અને પછી દોડવાનું શરૂ કરીને છેલ્લે પૂરપાટ દોડીને હળવો જમ્પ મારીને બૉલ ફેંકે છે અને બૅટ્સમૅનના તો મોતિયા જ મરી જતા હોય છે. આવી સ્થિતિમાં હરીફ બૅટ્સમેનોને ખબર પડે કે ઝંઝાવાતી બોલર બુમરાહે રન-અપ વધાર્યો છે તો તમે જ સમજી શકો છો કે તેમની કેવી હાલત થતી હશે! અફઘાનિસ્તાનના બૅટ્સમેન જરૂર ચિંતિત હશે. બુમરાહે રન-અપ થોડો વધારીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. શુક્રવારે ક્યારેક તો તેણે અર્શદીપ સિંહથી પણ વધુ લાંબા અંતરેથી દોડવાનું શરૂ કરીને બૉલ ફેંક્યો હતો.
ગૌતમ ગંભીર સ્ટૅન્ડ સામેથી સફર શરૂ
યોગાનુયોગ, બુમરાહે દિલ્હીના મેદાન પર જ્યાંથી રન-અપ શરૂ કર્યો ત્યાં સામે ગૌતમ ગંભીર સ્ટૅન્ડ હતું. ગંભીર ભારતીય ટીમનો હેડ-કોચ છે. બુમરાહે રન-અપમાં ક્યારેક એક-તૃત્યાંશ જેટલું અંતર વધાર્યું હતું અને એ માટે તેણે ત્રણ પ્રકારના માર્કર રાખ્યા હતા. તેણે સૌથી વધુ દૂર જયાંથી રન-અપ શરૂ કર્યો હતો ત્યાં કાળી બાટલી રાખી હતી. તેણે સ્ટમ્પથી થોડે જ દૂર લાલ બાટલી રાખી હતી અને એવું તેણે એ માટે કર્યું કે ત્યાંથી પોતે હળવો જમ્પ મારવાનો હતો. બન્ને બાટલી વચ્ચે તેણે એક ઇન્ડિયા કૅપ રાખી હતી જ્યાંથી તેણે (ચાલીને આવ્યા બાદ) દોડવાનું શરૂ કર્યું હતું. જોકે શુક્રવારની પ્રૅક્ટિસ દરમ્યાન બુમરાહે જૂના શૉર્ટ રન-અપનો પણ ઉપયોગ કર્યો હતો અને થોડી વાર બાદ અચાનક લાંબા રન-અપ પરથી દોડી આવીને બૉલ ફેંક્યો હતો.

2026નું વર્ષ મિશ્ર રહ્યું
બુમરાહ માટે 2026નું વર્ષ મિશ્ર રહ્યું છે. માર્ચમાં ભારતને ટી-20 વર્લ્ડ કપ અપાવવામાં મોટું યોગદાન આપ્યા પછી આઇપીએલમાં તે (મુંબઈ ઇન્ડિયન્સ વતી) 102.50ની અત્યંત ખરાબ બોલિંગ સરેરાશે કુલ માત્ર ચાર વિકેટ લઈ શક્યો હતો. એ ટૂર્નામેન્ટમાં તેના બૉલમાં ન તો અસલ ઝડપ હતી અને ન તેના બૉલ જોઈએ એવા સચોટ હતા. ત્યાર બાદ તેને ડાબા ઘૂંટણની ઈજા નડી હતી. તેણે ઇંગ્લૅન્ડ સામેની એક વન-ડે અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. તેણે ઘણા દિવસો સુધી બેંગ્લૂરુના સેન્ટર ઑફ એક્સેલન્સમાં રિહૅબિલિટેશનમાં હાજરી આપી અને ફિટ જાહેર થયા બાદ બીજા જ દિવસે દિલ્હીમાં પ્રૅક્ટિસમાં લાંબા અંતરેથી બોલિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે તે રવિવારે અફઘાનિસ્તાન સામે લાંબા રન-અપ પરથી દોડી આવીને બૉલ ફેંકશે કે ટૂંકો રન-અપ અપનાવશે એ જોવું રહ્યું. હા, શુક્રવાર તેણે આઇપીએલ-2026માં સૌથી વધુ 776 રન બનાવનાર સર્વોત્તમ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીને ખૂબ પરેશાન તો કર્યો જ હતો.