નવી દિલ્હીઃ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકા અને યુરોપના ઘણા દેશો સતત આકરી ટીકા કરતા રહ્યા છે. યુરોપમાં રશિયા પાસેથી તેલ ખરીદવા સંબંધિત એક સવાલ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપીય દેશો પર જ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "આ દેશો ભારતના દુશ્મનોને હથિયારો વેચે છે, જેનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે થાય છે. આ આજકાલથી નહીં, પણ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. તેમ છતાં, અમે ભારતીયોએ ક્યારેય યુરોપને જોખમમાં મૂકે તેવું કોઈ કામ કર્યું નથી."
યુરોપના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી જયશંકરે ફિનલેન્ડમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, “યુરોપીય દેશો એવા દેશોને હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત વિરુદ્ધ હુમલા કરવા માટે થાય છે. આ બધું અત્યારથી નહીં પરંતુ વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ અમે ભારતીયોએ ક્યારેય પણ યુરોપના હિતોને નુકસાન પહોંચે કે તે ખતરામાં મુકાય તેવું કોઈ કામ કર્યું નથી. તેથી મને લાગે છે કે આ મારી વાત એકદમ યોગ્ય અને વ્યાજબી છે.”
'કુલ્તારંતા ટોક્સ'માં વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ. જયશંકરે ફિનલેન્ડના વિદેશ મંત્રી એલિના વાલ્ટોનન અને UAEના સહાયક વિદેશ મંત્રી લાના નુસેબેહ સાથે 'કુલ્તારંતા ટોક્સ' (Kultaranta Talks) માં 'ઇમર્જિંગ પાવર્સ એન્ડ ધ ન્યૂ જીઓપોલિટિકલ કોમ્પિટિશન' વિષય પર આયોજિત એક પેનલ ચર્ચામાં ભાગ લેતા આ વાત કહી હતી.
આ ચર્ચા દરમિયાન એક પત્રકારે વિદેશ મંત્રીને સવાલ પૂછ્યો હતો કે, "ભારત રશિયા પ્રત્યે ખૂબ વધારે સહાનુભૂતિ રાખે છે અને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ઘણું વધારે ઉત્સુક રહે છે."
આ સવાલ પર જયશંકરે બે મહત્વની વાતોનો ઉલ્લેખ કરીને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા અને દેશની ઉર્જા સુરક્ષા (Energy Security) નક્કી કરવા માટે ભારતના વ્યવહારુ અભિગમ પર ભાર મૂક્યો હતો.
‘અમે પણ રમત સમજીએ છીએ’ અમેરિકા પર જયશંકરનો કટાક્ષ
વર્ષ 2022ની ઘટનાઓનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, મોસ્કો (રશિયા) પર પશ્ચિમી દેશોએ લગાવેલા પ્રતિબંધો બાદ વૈશ્વિક ઉર્જા બજાર (Global Energy Market) માં સ્થિરતા લાવવામાં ભારતની જે ભૂમિકા હતી, તેને ખુદ અમેરિકાએ પણ સ્વીકારી હતી.