Thu Jun 18 2026

Logo
IPL 2026:

કમિન્સની ગેરહાજરીમાં ભારતના આ બે આક્રમક બૅટ્સમેનને આઇપીએલમાં મળી નવી જવાબદારી

2026-03-18 19:20:00
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ બુધવારે પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે `ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પૅટ કમિન્સ એસઆરએચનો મુખ્ય કૅપ્ટન છે, પરંતુ તે ઈજાને કારણે આગામી આઇપીએલ (IPL)ની શરૂઆતની અમુક મૅચો નહીં રમી શકે એટલે તેની ગેરહાજરીમાં ઇશાન કિશન ટીમની કૅપ્ટન્સી સંભાળશે. અભિષેક શર્માને કિશનનો ડેપ્યૂટી બનાવવામાં આવ્યો છે.'

સનરાઇઝર્સ હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આ જાણકારી આપી હતી. થોડા દિવસથી એવી ચર્ચા હતી કે કમિન્સ આઇપીએલની આગામી સીઝનની શરૂઆતની અમુક મૅચો નહીં રમી શકે એટલે ઇશાન કિશન (ISHAN KISHAN) અથવા અભિષેક શર્માને મોટી જવાબદારી સોંપવામાં આવશે એવી સંભાવના છે. બુધવારની જાહેરાત સાથે બન્નેની જવાબદારી સ્પષ્ટ થઈ ગઈ હતી.

ઇશાન કિશનની આઇપીએલના ઇતિહાસના સૌથી વિસ્ફોટક વિકેટકીપર-બૅટ્સમેનોમાં ગણના થાય છે. તે ભૂતકાળમાં મુંબઈ ઇન્ડિયન્સ તેમ જ ગુજરાત લાયન્સ ટીમ વતી રમ્યો હતો. તેણે આઇપીએલમાં કુલ મળીને 119 મૅચમાં એક સેન્ચુરી અને 17 હાફ સેન્ચુરીની મદદથી કુલ 2,998 રન કર્યા છે. તેણે આ રન 137.64ના સ્ટ્રાઇક-રેટથી બનાવ્યા છે.

તેણે આઇપીએલમાં 10 વર્ષની કરીઅરમાં કુલ 288 ચોગ્ગા અને 134 છગ્ગા ફટકાર્યા છે. કિશને વિકેટકીપર તરીકે 59 કૅચ ઝીલ્યા છે અને પાંચ બૅટ્સમેનને સ્ટમ્પ-આઉટ કર્યા છે. 2025માં તેને સનરાઇઝર્સે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ સીઝનમાં તેણે 14 મૅચમાં 152.58ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 354 રન કર્યા હતા. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં પણ કિશને ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું. આ વિશ્વ કપમાં રમનારા ભારતીયોમાં કિશનના 317 રન બીજા ક્રમે હતા. તેણે એ 317 રન 193.00ના સ્ટ્રાઇક-રેટ સાથે બનાવ્યા હતા.

અભિષેક શર્મા હૈદરાબાદની અગાઉ ડેક્કન ચાર્જર્સ ટીમમાં હતો. તેણે આઇપીએલમાં કુલ 77 મૅચમાં 163.01ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 1,816 રન કર્યા છે. તેણે આ 77 મૅચમાં કુલ 101 છગ્ગા અને 174 ચોગ્ગા સામેલ છે.