Sun May 10 2026

Logo

ઈરાને હોર્મુઝમાં ઇન્ટરનેટ કેબલ્સ પર કબજો કરવાની ચેતવણી આપી! વિશ્વભરમાં ઇન્ટરનેટ ઠપ થવાનો ખતરો

Tehran   2026-05-10 12:55:10
Author: Vimal Prajapati
Article Image

તહેરાન: મધ્યપૂર્વની સંઘર્ષ હજી પણ શાંત થયો નથી. હોર્મુઝ સ્ટ્રેટ જે અત્યાર સુધી માત્ર તેલના પરિવહન માટે વ્યૂહાત્મક માનવામાં આવતું હતું, તે હવે વૈશ્વિક ઇન્ટરનેટ સંદેશાવ્યવહારનું નવું યુદ્ધ મેદાન બની ગયું છે. અમેરિકા દ્વારા ઈરાનના તેલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલાના બદલામાં ઈરાને હવે સમુદ્રની અંદર બિછાવેલી 7 મુખ્ય ઇન્ટરનેટ કેબલ્સ પર નિયંત્રણ મેળવવાની યોજના જાહેર કરી હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. 

શું છે ઈરાનની નવી નીતિ?

ઈરાને તેની તેલ ટેન્કર ટોલ ટેક્સ નીતિનો વિસ્તાર હવે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કર્યો છે. ઈરાનની નવી પ્રસ્તાવિત નીતિ મુજબ વિદેશી ઓપરેટરોએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઇન્ટરનેટ સર્વિસ પસાર કરવા માટે ઈરાન પાસેથી પરમિટ લેવી પડશે. ઇન્ટરનેટ ટ્રાફિક બદલ ઈરાનને ફી ચૂકવવી પડશે અને આ કેબલ્સનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ હવે માત્ર ઈરાની કંપનીઓ જ કરશે તેવી શરતો રાખવાનો વિચાર કરી રહ્યું છે. 

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

જો ઈરાન આ કેબલ્સ પર નિયંત્રણ મેળવે છે, તો એશિયા, યુરોપ અને ગલ્ફ દેશો વચ્ચે થતું બેંકિંગ, સ્ટોક ટ્રેડિંગ અને સરકારી સંચાર ઠપ થઈ શકે છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાની ટેન્કરોને રોકશે, તો આ કેબલ્સ કાપી નાખવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ કટોકટી સર્જાશે. ઈરાને ચેતવણી આપી છે કે, જો ફી ચૂકવવામાં નહીં આવે અને તેની માંગણીઓને અવગણવામાં આવે તો, વિશ્વ ઇન્ટરનેટ બંધના સંકટનો સામનો કરશે. ઇન્ટરનેટ કેબલ તૂટી જવાનો ભય છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને ઇન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે.

અમેરિકાનો વળતો પ્રહાર

ઈરાનના આ એલાન બાદ અમેરિકાએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાએ ઈરાનને સૈન્ય મદદ કરવાના આરોપમાં 3 ચીની સેટેલાઇટ કંપનીઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ તણાવને કારણે છેલ્લા 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક પણ વેપારી જહાજ પસાર થયું નથી, જેનાથી વૈશ્વિક ગેસ અને તેલના પુરવઠાને મોટી અસર થવાની ભીતિ છે.