Sat Sep 05 2026

Logo

યુદ્ધનો કાયમી અંત ઈચ્છીએ છીએઃ ઈરાનનો 'યુદ્ધવિરામ'નો ઈનકાર

DUBAI   2026-03-18 20:22:58
Author: Mumbai Samachar Team
યુદ્ધનો કાયમી અંત ઈચ્છીએ છીએઃ ઈરાનનો 'યુદ્ધવિરામ'નો ઈનકાર

દુબઈઃ ઈરાને અમેરિકા અને ઈઝરાયલ સામે ચાલી રહેલા સંઘર્ષમાં તાત્કાલિક યુદ્ધવિરામનો ઇનકાર કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે તહેરાન યુદ્ધવિરામ ઇચ્છતું નથી અને તેમાં વિશ્વાસ પણ કરતું નથી પરંતુ યુદ્ધનો અંત ઇચ્છે છે. 

ઈરાનના વિદેશ મંત્રીએ અલ જઝીરા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "અમે યુદ્ધવિરામ ઇચ્છતા નથી કારણ કે અમે નથી ઇચ્છતા કે આ પરિસ્થિતિ થોડા સમય પછી ફરીથી ઉભી થાય અમે ઇચ્છીએ છીએ કે યુદ્ધ સંપૂર્ણપણે અને કાયમ માટે રોકાઈ જાય. અમે યુદ્ધવિરામમાં વિશ્વાસ કરતા નથી, અમે યુદ્ધના અંતમાં વિશ્વાસ કરીએ છીએ." અરાઘચીએ કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ અને તેમાંથી શિપિંગ અંગે નવા કરારો જરૂરી છે.

અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે તેહરાન વ્યાપક અને સંભવિત લાંબા સંઘર્ષ માટે તૈયારી કરી રહ્યું છે. અલ જઝીરા પત્રકાર અલી હાશેમ સાથેની એક મુલાકાતમાં અરાઘચીએ યુદ્ધમાં અસ્થાયી રોકના વિચારને ફગાવી દીધો હતો. તેમણે દલીલ કરી હતી કે આ યુદ્ધમાં એકલા પાડીને અથવા મર્યાદિત વ્યવસ્થાના માધ્યમથી ઉકેલ લાવી શકાય નહીં.

તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ઠરાવને તમામ સક્રીય મોરચા પર એક સાથે લાગુ કરવો જોઈએ. લેબનોન અને યમનથી લઈને ઇરાક અને તેનાથી આગળ સુધી. આ નિવેદન આ સમયે ઈરાનની જાહેર સ્થિતિને મજબૂત હોવાનું દર્શાવે છે. 
અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાને ઈઝરાયલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કર્યા હતા.

નોંધનીય છે કે ગઈકાલે ઇઝરાયલના હુમલામાં બે વરિષ્ઠ ઇરાની સુરક્ષા અધિકારીઓના મોત થયા હતા. ઈઝરાયલના હુમલામાં ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અલી લારીઝાનીનું મોત થયું હતું. તેમને અત્યંત શક્તિશાળી માનવામાં આવતા હતા. 

બીજા જનરલ ગુલામ રઝા સુલેમાની હતા, જે રિવોલ્યુશનરી ગાર્ડ્સના બાસીજ ફોર્સના વડા હતા. ઇરાને બંનેના મૃત્યુની પુષ્ટી કરી છે. જેના જવાબમાં ઈરાને ઇઝરાયલના તેલ અવીવ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. જેમાં બે ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા.