Sat Jun 20 2026

Logo

હોર્મુઝ ખુલતા જ 11 ઇરાની ટેન્કરોનો કાફલો 2 કરોડ બેરલ ક્રૂડ લઇને રવાના, ભારતની મોટી રણનીતિક જીત

2026-06-20 15:44:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: તેહરાન (ઈરાન) અને વોશિંગ્ટન (અમેરિકા) વચ્ચે થયેલા એક ઐતિહાસિક શાંતિ કરાર બાદ, આખરે ઈરાનથી તેલની નિકાસ ખૂબ જ ઝડપથી વધવા લાગી છે. બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા શિપિંગના આંકડા મુજબ, ઈરાની ટેન્કરોનો એક મોટો કાફલો (જેમાં 11 ટેન્કરો સામેલ છે) ઓમાનની ખાડીના બંદર પરથી 2 કરોડ બેરલ કાચું તેલ (ક્રૂડ ઓઈલ) લઈને રવાના થયો છે. ભારત માટે પણ આ ઘટના વ્યુહાત્મક, આર્થિક અને ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પહેલા અમેરિકાએ રોક્યા હતા ટેન્કરો

આ અગાઉ, અમેરિકાની સૈન્ય નાકાબંધીના કારણે આ તેલ ટેન્કરો હિંદ મહાસાગરમાં આગળ વધી શકતા ન હતા. અમેરિકાની આ નાકાબંધીનો મુખ્ય હેતુ ઈરાનની તેલમાંથી થતી કમાણીને રોકવાનો હતો. ઈરાનની કુલ તેલ નિકાસનો એક મોટો હિસ્સો ચીન મોકલવામાં આવે છે. તેલની નિકાસમાં આવેલી આ તેજી વચ્ચે, ઈરાન 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) દ્વારા દરિયાઈ અવરજવરને નિયંત્રિત કરવાના પોતાના પ્રયાસોમાં પણ લાગેલું છે.

ચાબહાર બંદર બન્યું મુખ્ય કેન્દ્ર

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરાર બાદથી ઉર્જા શિપમેન્ટમાં વધારો કરવા માટે ચાબહાર બંદર (Chabahar Port) સૌથી મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. પાકિસ્તાનની સરહદની નજીક અને ફારસની ખાડીની બહાર આવેલા આ બંદર પર વધારાના તેલના પ્રવાહના સૌથી સ્પષ્ટ પુરાવા જોવા મળ્યા છે, જ્યારે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે આ કરારથી સમગ્ર વિસ્તારમાં તેલ અને ગેસની અવરજવર સરળ બની જશે.

ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો

જો કે, લાંબા ગાળાની સ્થિતિને લઈને હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાયમી શાંતિ કરાર માટે સ્વિટ્ઝર્લેન્ડમાં શુક્રવારથી શરૂ થનારી વાટાઘાટોને હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે.

ભારત માટે મોટી વ્યૂહાત્મક જીત

શાંતિ કરાર બાદ ચાબહાર બંદર ઊર્જા શિપમેન્ટમાં વધારો કરવા માટે સૌથી મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ભારતે ચાબહાર બંદરના વિકાસમાં મોટું રોકાણ કર્યું છે, જેથી પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વેપાર માટેની પહોંચ બનાવી શકાય.