Fri May 01 2026

Logo

ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝની ખાડીમાં વસૂલશે દરિયાઈ ટોલ, ડેનમાર્કના 600 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન

Tehran   2026-04-01 19:00:49
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ ગંભીર પરિણામ લાવી રહી છે. ઈરાને હવે હોર્મુઝ ક્રિકમાં ટોલ પ્લાઝા લગાવવાનો નિર્ણય કર્યો છે, જે સમુદ્રી જળમાર્ગ પર કર લગાવવાના ઐતિહાસિક ઉદાહરણની યાદ અપાવે છે. ડેનમાર્કે 600 વર્ષ પહેલા સાઉન્ડ ડ્યૂઝ નામના ટોલથી એક સિસ્ટમ તૈયાર કરી હતી, જે ઉત્તર સાગર અને બાલ્ટિક સાગરને જોડતા જળમાર્ગનો મુખ્ય રૂટ હતો.

સમુદ્રમાં કેવી રીતે લાગુ પડે ટોલ?
ઈરાનના આ નિર્ણયથી સવાલ એ ઊભો થાય છે કે, શું સમુદ્રમાં ટોલપ્લાઝા કામ કરી શકે ખરા? પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી લડાઈના માહોલ વચ્ચે ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના જહાજોની એન્ટ્રી બંધ કરી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી વ્યસ્ત જળમાર્ગ પૈકી એક છે. એવામાં જહાજ જ્યારે જહાજ પાસેથી ટોલ વસુલવાની વાત આવશે તો એક આવક ઈરાનને ઊભી થશે. ઈરાનનું એવું કહેવું છે કે આ જળમાર્ગની મદદથી સિક્યોરિટી, જહાજ સુરક્ષા અને પર્યાવરણની પણ સુરક્ષા, આર્થિક વ્યવસ્થા તથા રિયલ બેસ્ડ ટોલ સિસ્ટમ બનાવવાનું પ્લાનિંગ છે. 

ડેનમાર્કે શરૂ કર્યું હતું ટોલનાકુ
ઈરાન જે અત્યારે અમલમાં મૂકવા માટે જઈ રહ્યો છે એ અભિગમ ડેનમાર્કે 600 વર્ષ પહેલા અમલમાં મૂકી દીધો હતો. ડેનમાર્ક તરફથી સમુદ્રમાં ટોલ વસુલ કરવામાં આવી રહ્યો છે. સાઉન્ડ ડ્યૂઝ એનું બેસ્ટ ઉદાહરણ છે. સાઉન્ડ સ્ટ્રેટ જળમાર્ગમાંથી નીકળતા જહાજ પર ટેક્સ લાગૂ કરી દીધો હતો. આ માર્ગ પર સંપૂર્ણ રીતે ડેનમાર્કનો કંટ્રોલ હતો. 16 અને 17મી સદીમાં આ ટેક્સ ડેનમાર્કની આવકની સિસ્ટમનો એક ભાગ હતો. 1429માં કિંગ એરિક ઓફ પોમેરેનિયાએ આ લાગુ કર્યું હતું. વર્ષ 1857માં કોપેનહેગન સુધી તે અમલમાં રહ્યો.

વિરોધ થયો એટલે ટેક્સ હટાવી દીધો
આ પહેલા ગ્રેટ બેલ્ટ જળમાર્ગમાં પણ ડેનિશ ક્રાઉન ટોલ વસુલાત થતી હતી.સમય જતાં આ વિશિષ્ટ ટેક્સ (ટોલ) આંતરરાષ્ટ્રીય વેપાર માટે મોટો અવરોધ સાબિત થયો હતો. અનેક યુરોપિયન દેશોએ આ પ્રથાનો વિરોધ કરવાનું શરૂ કર્યું, જે 19મી સદી સુધીમાં એક મોટા આંતરરાષ્ટ્રીય વિવાદમાં ફેરવાઈ ગયો હતો. આખરે, વર્ષ 1857માં એક આંતરરાષ્ટ્રીય સમજૂતી કરવામાં આવી, જેના અંતર્ગત સદીઓથી ચાલતા 'સાઉન્ડ ડ્યૂઝ' ને સત્તાવાર રીતે નાબૂદ કરવામાં આવ્યો. આ સિસ્ટમને કાયમ માટે ખતમ કરવાના બદલામાં અનેક દેશોએ ભેગા મળીને ડેનમાર્કને એક નિશ્ચિત વળતરની રકમ ચૂકવી હતી. આ ઘટના આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા (International Maritime Law) ના ઈતિહાસમાં એક મહત્વનું ઉદાહરણ માનવામાં આવે છે.

ટેક્સ ચૂકવવો પડતો
વર્ષ 1429 થી 1857 સુધી, ડેનમાર્ક દ્વારા ઓરેસુન્ડ જલડમરુમધ્ય (Oresund Strait) પરથી પસાર થતા વિદેશી વ્યાપારી જહાજો પાસેથી 'સાઉન્ડ ડ્યૂઝ' (Sound Dues) નામનો કર વસૂલવામાં આવતો હતો. આ ટેક્સ મુખ્યત્વે નેધરલેન્ડ (ડચ), ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, સ્પેન, જર્મન શહેરો (હૈનસેટિક લીગ) અને બાલ્ટિક ક્ષેત્રના દેશોના જહાજો પર લાદવામાં આવ્યો હતો. ઓરેસુન્ડ માર્ગે પસાર થતા તમામ વિદેશી જહાજોએ ડેનમાર્ક જવાનું હોય કે ન હોય, પણ તેમણે હેલસિંગ્યોર ખાતે રોકાવું પડતું અને ડેનિશ ક્રાઉનને ટોલ ચૂકવવો પડતો હતો.

ડેનમાર્કની આવક અટકી ન હતી
જો કોઈ જહાજ આ ટેક્સ ભરવાનો ઇનકાર કરતું, તો હેલસિંગ્યોરના કિલ્લા પર તૈનાત તોપો દ્વારા તે જહાજ પર હુમલો કરી તેને ડૂબાડી દેવામાં આવતું હતું. વર્ષ 1567માં ટેક્સની પદ્ધતિમાં ફેરફાર કરી માલની કિંમતના 1 થી 2 ટકા ટેક્સ નક્કી કરવામાં આવ્યો, જેના કારણે ડેનમાર્કની આવકમાં ત્રણ ગણો વધારો થયો હતો. જહાજના કેપ્ટન માલની કિંમત ઓછી ન બતાવે તે માટે ડેનિશ સરકાર પાસે એક ખાસ અધિકાર હતો. 


સરકાર જાહેર કરેલી કિંમતે તે તમામ માલ જાતે ખરીદી શકતી હતી, જેથી વેપારીઓ સાચી કિંમત બતાવવા મજબૂર થતા. શરૂઆતમાં સ્વીડનને 'કાલમાર યુનિયન'નો ભાગ હોવાને કારણે આ ટેક્સમાંથી મુક્તિ મળી હતી. પરંતુ 1613માં કાલમાર યુદ્ધ અને ત્યારબાદની 'ક્નેરેડની સંધિ' પછી, ડેનમાર્ક-નોર્વેએ સ્વીડિશ વેપાર પર પણ ટોલ લગાવવાનું શરૂ કર્યું.