Thu Jun 18 2026

Logo
IPL 2026:

ભુવનેશ્વરના યૉર્કરમાં કોહલી ચક્કર ખાઈ ગયો, જાડેજાની બોલિંગમાં વૈભવની ફટકાબાજી

2026-03-19 21:41:00
Author: Ajay Motiwala
Article Image

બેંગ્લૂરુ/ગુવાહાટીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન શરૂ થવાને માંડ અઠવાડિયું બાકી છે ત્યારે વિવિધ શહેરોમાં ચાલતી નેટ પ્રૅક્ટિસમાં ભારતના કેટલાક ખેલાડીઓની બોલિંગમાં અને બૅટિંગમાં કસોટી થઈ રહી છે. 28મી માર્ચે પ્રથમ મૅચ બેંગ્લૂરુમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે.

ગુરુવારે બે અલગ શહેરમાં યોજાયેલા પ્રૅક્ટિસ સેશનમાં અનુક્રમે પીઢ બૅટ્સમૅન વિરાટ કોહલી અને સૌથી યુવાન ખેલાડી 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી છવાઈ ગયા હતા.

બેંગ્લૂરુમાં આરસીબીના ખેલાડીઓના પ્રૅક્ટિસ સેશન દરમ્યાન અનુભવી પેસ બોલર ભુવનેશ્વર કુમાર અને સૌથી અનુભવી બૅટ્સમૅન વિરાટ કોહલી વચ્ચે ચડિયાતા પુરવાર થવાની હરીફાઈ જામી હતી. એમાં એક તબક્કે ભુવીએ એવો યૉર્કર ફેંક્યો કે કોહલી ક્રીઝની બહાર નીકળી ગયો હતો. ભુવીએ સાબિત કર્યું કે તેને ભલે ભારતીય ટીમમાં સ્થાન નથી અપાતું, પણ તે હજી પણ ભલભલા બૅટ્સમૅનને ચક્કર ખવડાવી દેવાની કુશળતા ધરાવે છે. કોહલી તેના બૉલનો સામનો કરવામાં નિષ્ફળ ગયો ત્યાર બાદ બન્ને ખૂબ હસ્યા હતા.

રાજસ્થાન રૉયલ્સની ટીમના નેટ સેશનમાં ગુરુવારે રવીન્દ્ર જાડેજાએ પોતાની બોલિંગમાં વૈભવ સૂર્યવંશીને સારી બૅટિંગ-પ્રૅક્ટિસ કરાવી હતી. જાડેજાના કેટલાક બૉલમાં વૈભવે સારા શૉટ માર્યા હતા. જોકે એ સેશનના વીડિયોમાં જોવા મળ્યું કે વૈભવે કેટલાક ઊંચા શૉટ માર્યા બાદ એક બૉલમાં કૅચ આપી બેઠો હોય એ રીતે જાડેજાએ સેલિબ્રેશન કર્યું હતું. વૈભવે 2025ની સીઝનમાં ફક્ત 35 બૉલમાં સેન્ચુરી ફટકારીને સૌથી યુવાન તથા ભારતના ઝડપી સેન્ચુરિયનનો રેકૉર્ડ નોંધાવ્યો હતો.