IPL 2026: રવિવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026નો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આ મુકાબલો રમાશે. આઈપીએલમાં અત્યાર સુધીમાં ત્રણ બેટ્સમેનો 700થી વધુ રન બનાવી ચુક્યા છે અને ઓરેન્જ કેપના દાવેદાર છે. હાલ વૈભવ સૂર્યવંશી પાસે ઓરેન્જ કેપ છે. જ્યારે પર્પલ કેપ ગુજરાત ટાઈટન્સના રબાડા પાસે છે.

ઓરેન્જ કેપમાં વૈભવને કોણ પછાડી શકે
આઈપીએલ 2026માં ઓેરેન્જ કેપ હોલ્ડર વૈભવ સૂર્યવંશીએ 16 મેચમાં 776 રન બનાવ્યા હતા. તેણે 237.30ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 72 છગ્ગા અને 63 ચોગ્ગા માર્યા છે. ઉપરાંત 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવા મુદ્દે બીજા ક્રમે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ છે. તેણે 15 મેચમાં 167.71ના સ્ટ્રાઈક રેટથી 722 રન બનાવ્યા છે. ગિલે 33 છગ્ગા અને 72 ચોગ્ગા માર્યા છે. આ ઉપરાંત 1 સદી અને 6 અડધી સદી મારી છે. ત્રીજા ક્રમે સાઈ સુદર્શન છે. તેણે 16 મેચમાં 159.55ના સ્ટ્રાઈક રેટથી 710 રન બનાવ્યા છે. સુદર્શને 30 સિક્સ અને 73 ફોર મારી છે. તેણે 1 સદી અને 8 સદી ફટકારી છે. ગુજરાત સામે હાર બાદ રાજસ્થાન રોયલ્સ આઈપીએલ ફાઈનલમાંથી ફેંકાઈ ગયું છે. જેથી ગિલ અને સુદર્શન બંને પાસે મોટો સ્કોર બનાવીને ઓરેન્જ કેપ હોલ્ડર બનવાનો મોકો રહેશે.

પર્પલ કેપમાં રબાડાને કોણ આપશે ટક્કર
આઈપીએલમાં પર્પલ કેપ ગુજરાત ટાઈટન્સના રબાડા પાસે છે. તેણે 16 મેચમાં 28 વિકેટ ઝડપી છે. 9.43ની ઈકોનોમીથી તેણે આ વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 25 રનમાં 3 વિકેટ છે. બીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુનો ભુવનેશ્વર કુમાર છે. તેણે 15 મેચમાં 26 વિકેટ ઝડપી છે. તેણે 8 ની ઈકોનોમીથી આ વિકેટ ઝડપી છે. ગુજરાત અને બેંગ્લૂરુ બંને ફાઈનલમાં ટકરાશે. તેથી આ બંને વચ્ચે પર્પલ કેપ હોલ્ડર બનવાનો મોકો રહેશે.