ભરત ભારદ્વાજ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2026ની સિઝન માટે શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદ્યો તેના કારણે મચેલી બબાલ માંડ માંડ શાંત થઈ છે ત્યાં હવે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદનો ડખો શરૂ થયો છે. દુનિયાભરમાં અત્યારે ક્રિકેટનાં નાનાં ફોર્મેટની લોકપ્રિયતા છે તેથી બધે આઈપીએલ જેવી પ્રીમિયર લીગ શરૂ થઈ છે. ક્રિકેટની જન્મભૂમિ મનાતા ઈંગ્લેન્ડે આ લોકપ્રિયતાનો લાભ લેવા એક કદમ આગળ વધીને ધ હન્ડ્રેડ લીગ રમાડવાનું નક્કી કર્યું છે. ટી 20માં 20 ઓવર એટલે કે 120 બોલ હોય છે તેના બદલે ધ હન્ડ્રેડમાં બંને ટીમ સો-સો બોલ રમશે. મતલબ કે લગભગ 17-17 ઓવર રમશે.
આ ધ હન્ડ્રેડ લીગ માટે હમણાં હરાજી થઈ તેમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ (અંદાજે 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો તેમાં બબાલ થઈ ગઈ છે. સનરાઇઝર્સ લીડ્સની માલિકી તમિળનાડુના શાસક ડીએમકેના કર્તાહર્તા સ્ટાલિનના પિતરાઈ બિઝનેસમેન કલાનિધિ મારનના સન ગ્રૂપની છે અને ટીમની સીઈઓ કલાનિધિની દીકરી કાવ્યા મારન છે. આઈપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની માલિકી પણ સન ગ્રૂપની છે ને કાવ્યા તેની સીઈઓ છે.
સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો તેમાં સોશ્યલ મીડિયા પર કહેવાતા દેશભક્તો તૂટી પડ્યા છે અને કાવ્યા મારનની દેશભક્તિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. કહેવાતા દેશભક્તો સ્ટાલિનને પણ નિશાન બનાવી રહ્યા છે અને ભારતમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાની ક્રિકેટરને ખરીદીને સ્ટાલિનનો પરિવાર ભારત વિરોધી માનસિકતા છતી કરી રહ્યો છે એવી કોમેન્ટ્સ પણ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કાવ્યાની ટીમને આઈપીએલમાંથી તગેડી મૂકીને પાઠ ભણાવવો જોઈએ એવી માગણી પણ કેટલાકે કરી છે.
કાવ્યા મારન તો ચૂપ છે પણ સનરાઈઝર્સ લીડ્સના હેડ કોચ ડેનિયલ વિટોરીએ ચોખવટ કરી છે કે, ટીમે એક સ્પેશિયલાઈઝ્ડ સ્પિનર લેવાનું નક્કી કરેલું ને પહેલી પસંદગી ઇંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રશીદ હતો પણ ઓક્શનમાં રશીદને સાઉધર્ન બ્રેવે ખરીદી લેતાં સનરાઇઝર્સ લીડ્સે બીજા વિદેશી સ્પિનરના વિકલ્પો પર ધ્યાન આપવું પડ્યું. અબરાર સિવાય બાંગ્લાદેશનો રિશાદ હુસૈન અને પાકિસ્તાનનો ઉસ્માન તારિક ઉપલબ્ધ હતા.
અબરાર અહેમદની બેઝ પ્રાઇસ આશરે 92.5 લાખ રૂપિયા હતી પણ ઓક્શનમાં તેને ખરીદવા માટે સનરાઇઝર્સ લીડ્સ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે જોરદાર જંગ થયેલો. છેવટે સનરાઇઝર્સે 1.90 લાખ પાઉન્ડ (લગભગ 2.34 કરોડ રૂપિયા) આપીને અબરારને ખરીદી લીધો. મતલબ કે, બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓ જ ઉપલબ્ધ હતા તેથી બબાલ તો થવાની જ હતી.
બીસીસીઆઈએ પણ ચોખવટ કરી છે કે, અમારે પાકિસ્તાની અબરારની ખરીદી સાથે નાહવા-નિચોવવાનો સંબંધ નથી. આ મામલો ઈંગ્લેન્ડના બોર્ડનો છે ને અમારા અધિકારક્ષેત્રમાં આવતો જ નથી. આ વિદેશી લીગનો મામલો છે તેથી એ લોકો જે કંઈ નક્કી કરે એ ફાઈનલ ગણાય. આઈપીએલમાં રમનારી સનરાઈઝર્સ હૈદરાબાદ અને હંડ્રેટ લીગની સનરાઈઝર્સ લીડ્સ બંને ટીમોના માલિક ભલે એક હોય પણ બંને ટીમો અલગ છે તેથી આઈપીએલમાં મારનની ટીમ સામે કોઈ પગલાં લેવાનો સવાલ જ પેદા થતો નથી.
જેમનો દેશપ્રેમ અત્યારે ફાટફાટ થઈ રહ્યો છે એવા લોકો આ કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. કાવ્યા મારનને બેફામ ગાળાગાળી થઈ રહી છે અને મનફાવે એમ લખાઈ રહ્યું છે. તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી નજીક છે તેથી આ દેશપ્રેમનો ઊભરો આવ્યો છે કે સાચે જ આ દેશભક્તોને લાગી આવ્યું છે એ ખબર નથી પણ મુસ્તફિઝુરને શાહરૂખની ટીમે ખરીદ્યો ત્યારે જે માહોલ હતો એવો જ માહોલ પેદા કરવાની કોશિશ થઈ રહી છે. મુસ્તફિઝુરનો વિરોધ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓના નામે થઈ રહ્યો હતો જ્યારે અબરારનો વિરોધ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદના નામે થઈ રહ્યો છે.
ભારતમાં થયેલા વિરોધના પગલે બોર્ડે શાહરૂખની ટીમને મુસ્તફિઝુરને નહીં લેવા સૂચના આપતાં કોલકાતા નાઈટ રાઈડર્સે રહેમાનને છૂટો કરી દીધો હતો. બાંગ્લાદેશે વળતો પ્રહાર કરીને ટી 20 વર્લ્ડ કપમાં પોતાની ટીમને ભારત નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. ભારતે તેનો જવાબ બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર કઢાવીને આપ્યો હતો. નારાજ બાંગ્લાદેશી સરકારે બાંગ્લાદેશમાં આઈપીએલની મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અબરારના કેસમાં બોર્ડે પહેલાં જ હાથ અધ્ધર કરી દીધા છે ને સ્ટાલિનનો પરિવાર ઝૂકે એવી શક્યતા ઓછી હોવાથી કહેવાતા દેશભક્તો અબરારને બહાર કઢાવવામાં સફળ થશે કે કેમ તેમાં શંકા છે. ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ પણ પોતાની લીગમાં બહારનાં પરિબળો કડછો મારે એવું પસંદ ના કરે તેથી અબરાર કાવ્યા મારનની ટીમમાંથી જ રમે એવી પ્રબળ શક્યતા છે. તેની સામે ભારતમાં દેકારો મચશે, સન ટીવીને ગાળાગાળી ને દેખાવોનાં નાટક પણ થશે.
જે પણ થશે એ આપણી નજર સામે થવાનું છે તેથી તેની વાત અત્યારથી માંડવાનો અર્થ નથી પણ આ ઘટનાક્રમ આપણે ત્યાં દેશભક્તિના નામે તાયફા ને ગંદી રાજકીય રમતો રમાય છે એ ફરી છતું કરી દીધું છે. પાકિસ્તાની ક્રિકેટર અબરારને ભારતીય માલિકીની ટીમે ખરીદ્યો તેમાં જે લોકોને દેશપ્રેમનો ઊભરો આવી ગયો એ જ લોકો ટી-20 વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાન સામે રમી ત્યારે ચૂપ હતા.
કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ જ આપણી ટીમ પાકિસ્તાન સામે રમી હતી. પાકિસ્તાન અત્યારે આતંકવાદી રાષ્ટ્ર લાગે છે ત્યારે મહિના પહેલાં આતંકવાદી રાષ્ટ્ર નહોતું ? એ આતંકી દેશની ટીમ સામે આપણી ટીમ રમી ત્યારે આ નમૂનાઓનો દેશપ્રેમ ક્યાં સૂઈ ગયેલો ? કાવ્યા મારન દેશદ્રોહી લાગે છે તો પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપનારા આપણા બોર્ડના કારભારીઓ શું કહેવાય ? આ દેશભક્ત નમૂનાઓએ તેમને કેમ ગાળો ના આપી ? કેમ ટ્રોલ ના કર્યા ? કેમ કે દેશપ્રેમ સગવડિયો છે, રાજકીય સ્વાર્થ પ્રેરિત છે.
આ જ વિવાદના સંદર્ભમાં બીજી પણ મહત્વની વાત કરી લઈએ. મુસ્તફિઝુરનું પ્રકરણ સમાપ્ત થઈ ગયું છે અને તેના સ્થાને શાહરૂખની ટીમે મુસ્તફિઝુરના સ્થાને ઝિમ્બાવેના બ્લેસિંગ મુઝરબાની ને લઈ પણ લીધો તેથી ક્રિકેટના સંદર્ભમાં કોઈ વિવાદ રહ્યો નથી પણ જેમણે મુસ્તફિઝુરના સમાવેશ સામે હોહા કરીને દેશપ્રેમની મોટી મોટી વાતો કરેલી તેમને એક સવાલ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓ થઈ તેથી આપણે બાંગ્લાદેશી ક્રિકેટરને ના રમાડવો જોઈએ તો બાંગ્લાદેશને ડીઝલ આપવું જોઈએ ?
આપણી ભારત સરકાર 131 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન દ્વારા બાંગ્લાદેશને ડીઝલ આપી રહ્યું છે. આ કંઈ એક વખતની વાત નથી પણ બારે મહિના આપે છે. વાસ્તવમાં ભારત સરકારે વાર્ષિક 1.80 લાખ ટન ડીઝલની નિકાસ કરવાનો કરાર બાંગ્લાદેશ સાથે કર્યો છે ને તેના ભાગરૂપે આ વરસે અત્યાચાર સુધીમાં 5,000 ટન ડીઝલ અપાયું છે. આસામની નુમાલીગઢ રિફાઇનરીથી બાંગ્લાદેશના પરબતીપુરને જોડતી પાઇપલાઇન દ્વારા 2023થી આ ડીઝલ અપાય છે.
મતલબ કે, બાંગ્લાદેશમાં હિંદુઓનાં ઘરો સળગાવાતાં હતાં, હિંદુઓની હત્યાઓ થતી હતી ને બહેન-દીકરીઓ પર અત્યાચાર થતા હતા ત્યારે પણ આપણી સરકાર બાંગ્લાદેશને ડીઝલ આપતી હતી. શું ખબર, આપણે મોકલતા હતા એ ડીઝલથી જ હિંદુઓનાં ઘરો સળગાવાયાં હોય. મુદ્દો એ છે કે, કહેવાતા દેશભક્તો તેની સામે કેમ ચૂપ છે ? કંઠીધારી બનો એટલે એટલી નપુંસકતા આવી જાય કે, દેશના હિત વિશે પણ ના બોલી શકાય ?