ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 19મી સીઝનમાં બૅટ્સમેનોની બોલબાલા હજી શરૂઆતથી જોઈએ એવી જોવા નથી મળી, પણ બોલિંગની બાબતમાં પણ લગભગ મોટા ભાગની ટીમોની મુસીબતો પણ કંઈ ઓછી નથી. એકંદરે, મુંબઈ ઇન્ડિયન્સને બાદ કરતા બાકીની દરેક ટીમની બોલિંગ સંતુલિત નથી. ટીમને બોલિંગની બાબતમાં કંઈક ને કંઈક સમસ્યા નડી રહી છે. કોઈ ટીમની સ્પિન બોલિંગ મજબૂત છે તો તેમનો પેસ પાવર જોઈએ એવો સ્ટ્રૉન્ગ નથી અને કોઈ ટીમના પેસ બોલર ફૉર્મમાં છે તો સ્પિનર હજી જોઈએ એવી કાંડાની કે આંગળીની કરામત નથી બતાવી શક્યા. અમુક ટીમના વિદેશી ખેલાડીઓ હજી આવ્યા જ નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચનું સ્થાન ધરાવતા બોલર્સની વર્તમાન સ્થિતિ જાણવા જેવી છે. 34 વર્ષીય સ્પિનર વરુણ ચક્રવર્તી ઘણા મહિનાઓથી ટી-20 આંતરરાષ્ટ્રીયમાં વર્લ્ડ નંબર-વન બોલર છે, પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) માટે તે સારી શરૂઆત નથી કરી શક્યો. ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન જસપ્રીત બુમરાહ 29મી માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની વાનખેડેની પ્રથમ મૅચમાં 35 રનમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.
ટેસ્ટનો વર્લ્ડ નંબર-થ્રી મિચલ સ્ટાર્ક ઈજામુક્ત નથી થયો એટલે દિલ્હી કૅપિટલ્સ (ડીસી) વતી હજી રમવા નથી આવી શક્યો. ટેસ્ટના પાંચમા નંબરે રહેલો પૅટ કમિન્સ ઈજાને લીધે સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)નું સુકાન હજી સુધી સંભાળી નથી શક્યો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)નો ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ પગની ઈજાને લીધે શરૂઆતની થોડી મૅચો નથી રમવાનો. આ જ મુસીબતને લીધે તેણે આખી ઍશિઝ ટેસ્ટ સિરીઝ ગુમાવવી પડી હતી.
હવે આપણે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ (જેઓ હવે એક્સપર્ટ્સ તરીકે કૉમેન્ટરી બૉક્સમાં જોવા મળે છે)ની પ્રતિક્રિયા પર નજર કરીએ.
ઇરફાન પઠાણનું એવું માનવું છે કે `ગુરુવારે કેકેઆરના કૅપ્ટન અજિંક્ય રહાણેએ વરુણને પાવરપ્લેમાં જ મોરચા પર મૂકીને બધો ગૂંચવાડો કરી નાખ્યો હતો. વરુણ હમણાં સારા ફૉર્મમાં નથી એટલે તેને પાવરપ્લેમાં તો બોલિંગ ન જ અપાય. કૅપ્ટનની ત્યાં જ ખરી કસોટી થતી હોય છે. જે બોલર તમારો ટ્રમ્પ-કાર્ડ અને મૅચ-વિનર બની શકે એને તમે પાવરપ્લેમાં જ વેડફી નાખ્યો.'
ગુરુવારે વરુણની પાવરપ્લેની ઓવરમાં હૈદરબાદના ઓપનર અભિષેક શર્માએ બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને એ ઓવરમાં કુલ પચીસ રન થયા હતા. હૈદરાબાદે આઠ વિકેટે 226 રન કર્યા હતા અને કોલકાતાની ટીમ 161 રન પર આઉટ થઈ જતાં હૈદરાબાદનો 65 રનથી વિજય થયો હતો.
ભારતના સ્પિન-લેજન્ડ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ અનિલ કુંબલેએ પંજાબ કિંગ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલની ભારોભાર પ્રશંસા કરી છે, પણ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને મોડી બોલિંગ આપવા બદલ જીટીના કૅપ્ટન શુભમન ગિલની ટીકા કરી છે. મંગળવારે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં ગુજરાતને પંજાબે અંતિમ ઓવરમાં ત્રણ વિકેટે પરાજિત કર્યું હતું.
બન્યું એવું કે મંગળવારે ગુજરાતને 8/162 સુધી સીમિત રખાવવામાં વિજયકુમાર વૈશાક (34 રનમાં ત્રણ વિકેટ) ઉપરાંત ચહલ (28 રનમાં બે વિકેટ)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. કુંબલેએ કહ્યું છે, `ચહલ ખૂબ સ્માર્ટ છે. તે વારંવાર લાઇન, લેન્ગ્થ અને ઝડપમાં ફેરફાર કરી નાખતો હોય છે. તેણે ખરા સમયે જાળ બિછાવીને શુભમન ગિલ (39 રન) અને જૉસ બટલર (38 રન)ની વિકેટ પંજાબને અપાવી હતી.'
કુંબલેએ એ જ મૅચમાં શુભમન ગિલે `જે દાટ વાળ્યો' એની પણ વાત કરી હતી. કુંબલેએ કહ્યું, `શુભમને 162 રનનું ટોટલ ડિફેન્ડ કરવા જતાં પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને બહુ મોડી બોલિંગ આપી હતી. 2025ની આઇપીએલમાં સૌથી વધુ પચીસ વિકેટ લઈને પર્પલ કૅપ જીતી લેનાર ક્રિષ્નાને શુભમને મંગળવારે છેક 13મી ઓવરમાં પહેલી વાર મોરચા પર મૂક્યો હતો. તેને વહેલી બોલિંગ આપવી જોઈતી હતી. કમસે કમ તેને 6-10 ઓવરની વચ્ચે એક ઓવર તો મળવી જ જોઈતી હતી.'
નવાઈની વાત એ છે કે ક્રિષ્નાએ છેક 13મી ઓવરમાં પહેલી વખત બોલિંગ મળવા છતાં ચાર ઓવરમાં 29 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી. તેણે ઇનિંગ્સની 13મી ઓવરમાં પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયર (18 રન)ને પૅવિલિયન ભેગો કર્યો હતો અને પછી 15મી ઓવરમાં શશાંક સિંહ (ચાર રન) તથા માર્કસ સ્ટોઇનિસ (0)ની વિકેટ અપાવી હતી. જોકે ગુજરાત જીતી નહોતું શક્યું.
10માંથી માત્ર મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ બૅલેન્સ્ડ કહી શકાય એવી છે. બુમરાહ ગમે ત્યારે અસલ રિધમમાં જોવા મળી શકે. ટે્રન્ટ બૉલ્ટ પણ સારો સપોર્ટિંગ રોલ ભજવતો જોવા મળશે. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ રવિવારે વાનખેડેમાં કોલકાતાના વિકેટકીપર-બૅટ્સમૅન અંગક્રિશ રઘુવંશી મુંબઈ માટે વધુ ખતરારૂપ બની રહ્યો હતો ત્યારે જ તેને પૅવિલિયન ભેગો કરી દીધો હતો. અંગક્રિશે ફક્ત 29 બૉલમાં બે સિક્સર અને છ ફોરની મદદથી 51 રન કર્યા હતા.
ટીમના નવા અફઘાની સ્પિનર એએમ ગઝનફરને 51 રનમાં વિકેટ નહોતી મળી, પણ આવનારી મૅચોમાં તેનો તરખાટ જોવા મળશે તો નવાઈ નહીં લાગે. શાર્દુલ ઠાકુરે 39 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ એ મૅચમાં એટલી બધી પ્રભાવી અને નિર્ણાયક બની હતી કે બે દિગ્ગજ ઓપનર રાયન રિકલ્ટન (43 બૉલમાં 81 રન) અને રોહિત શર્મા (38 બૉલમાં 78 રન)ની 148 રનની ભાગીદારીવાળા મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ વચ્ચે શાર્દુલને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવાનું અવૉર્ડ નક્કી કરનાર ટીમને ઠીક લાગ્યું હતું અને તેમનો એ યોગ્ય નિર્ણય હતો.
મિત્રોમાં `ધ લૉર્ડ' તરીકે ઓળખાતા શાર્દુલના એ દિવસના બોલિંગ પર્ફોર્મન્સથી કૅપ્ટન હાર્દિક પંડ્યા એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો કે તેણે એક મુલાકાતમાં કહ્યું, `શાર્દુલ એટલો બધો ઉપયોગી બોલર છે કે તેણે કારકિર્દીના અંત સુધી મુંબઈ ઇન્ડિયન્સની જ ટીમમાં રહેવું જોઈએ.'
આઇપીએલ-2026ના 28મી માર્ચના પ્રથમ દિવસે હૈદરાબાદે 201 રન કર્યા છતાં બેંગ્લૂરુએ માત્ર 16મી ઓવરમાં ચાર વિકેટના ભોગે 203 રન કરીને વિજય મેળવ્યો હતો. એ જ દર્શાવે છે કે હૈદરાબાદે બોલિંગમાં ખૂબ સુધારો કરવાની જરૂર છે. એ જ સમસ્યા બીજા દિવસે કોલકાતાને 220 રન કરવા છતાં મુંબઈ સામે નડી હતી જેમાં મુંબઈએ 221 રનનો મોટો લક્ષ્યાંક બહુ સારા પ્લાનિંગથી મેળવી લીધો હતો. રવીન્દ્ર જાડેજા હવે ચેન્નઈની ટીમમાં નથી જેની ખોટ સોમવારે રાજસ્થાન સામે વર્તાઈ હતી. 15 વર્ષનો વૈભવ બાવન રનની ધમાકેદાર ઇનિંગ્સથી રાજસ્થાનને જિતાડી ગયો હતો.
ટી-20ના મહોત્સવ સમાન આઇપીએલ `બૅટ્સમેન્સ ગેમ' તરીકે ઓળખાય છે, પરંતુ થોડાં વર્ષોથી બોલર્સ પણ ઘણી મૅચોમાં નિર્ણાયક બન્યા છે. જો આ વખતે ટીમો પોતાની બોલિંગ-તાકાત નહીં સુધારે તો બૅટ્સમેનો લાભ લઈ જશે અને નવા-નવા રેકૉર્ડ રચી દેશે. બેંગ્લુરુ સામેનો હૈદરાબાદનો 2024ની સાલનો 3/287 આઇપીએલનો સર્વોચ્ચ ટીમ-સ્કોર છે. જોકે આ વખતે એ વિક્રમ તૂટશે તો નવાઈ નહીં લાગે.