મેલબર્નઃ શનિવાર, 28મી માર્ચે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનમાં ઑસ્ટ્રેલિયાના ત્રણ પેસ બોલર શરૂઆતની અમુક મૅચો નહીં રમે જેની વિપરીત અસર તેમના ફ્રૅન્ચાઇઝીને થશે. એમાં ખાસ કરીને પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક અને જૉશ હૅઝલવૂડનો સમાવેશ છે.
ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ કમિન્સ (CUMMINS), સ્ટાર્ક અને હૅઝલવૂડ શરૂઆતની કેટલીક મૅચો નહીં રમે, જ્યારે નૅથન એલિસ ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાં નહીં રમે. એલિસને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ફ્રૅન્ચાઇઝીએ બે કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો. કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય કૅપ્ટન છે. તેની ગેરહાજરીમાં ઇશાન કિશન ટીમનું નેતૃત્વ સંભાળશે. મિચલ સ્ટાર્ક (STARC) દિલ્હી કૅપિટલ્સમાં અને હૅઝલવૂડ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુની ટીમમાં છે.

ઑસ્ટ્રેલિયા આગામી ઑગસ્ટ મહિનાથી માંડીને 12 મહિનામાં કુલ 21 ટેસ્ટ મૅચ રમશે એટલે ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે કે એના ખેલાડીઓ (ખાસ કરીને પેસ બોલર્સ) ફિટનેસ જાળવી રાખે. 2027માં વન-ડેના વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરે સાઉથ આફ્રિકા, ભારત અને ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરશે.
ટેસ્ટ કૅપ્ટન પૅટ કમિન્સ પીઠના દુખાવાને કારણે સીઝનમાં ફક્ત એક ટેસ્ટ રમ્યો છે, જ્યારે હૅઝલવૂડ પગની ઈજાને કારણે આખી સીઝન નથી રમી શક્યો. તેઓ તાજેતરનો ટી-20 વર્લ્ડ કપ પણ નહોતા રમ્યા. સ્ટાર્ક ટેસ્ટ મૅચો તેમ જ બિગ બૅશ લીગમાં રમ્યો હતો, પરંતુ ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી તે નિવૃત્ત થઈ ચૂક્યો છે.
ઑસ્ટ્રેલિયાનો ઑલરાઉન્ડર જૅક એડવર્ડ્સ સનરાઇઝર્સ હૈદરાબાદમાં છે અને તેને ત્રણ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોકે પગની ઈજાને લીધે તે આ વખતની આઇપીએલમાં નથી રમવાનો.