મુંબઈઃ ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક જહાજ હોર્મુઝમાં ફસાયેલા છે. આ જહાજ પર અનેક દેશના નાવિકોના જીવ તાળવે ચોંટ્યા છે. દિવસ કરતા રાત પસાર કરવી જોખમી બની રહી છે. આ માહોલ વચ્ચે ઈરાકમાં ફસાયેલો નાવિક રેક્સ પરેરા 17 કલાકનો બાયરોડ પ્રવાસ કરીને ભારત આવી પહોંચ્યો હતો. ઈરાકના બસરાના અબુ અલ કસેબ વિસ્તારમાં ચાર ભારતીય નાવિક ફસાયા હતા, જેમાંથી હવે રેક્સ પરેરા ભારત આવી પહોંચ્યો છે.
રેક્સે સંભળાવી આપવીતિ
રેક્સે કહ્યું હતું કે, ભારત આવવા માટે 17 કલાક બાયરોડની જર્ની કરી હતી. એ પછી ભારત આવવા માટેની ફ્લાઈટ મળી હતી. ફ્લાઈટ માટે પણ 24 કલાક એરપોર્ટ પર રાહ જોઈ હતી. એ પછી સાડા ચાર કલાક ફ્લાઈટની જર્ની કર્યા બાદ હવે વતન આવી પહોંચ્યો. રેક્સના જણાવ્યા અનુસાર ઈરાકમાં રહેલા ભારતીય દૂતાવાસની મદદથી અને એમના પ્રયાસના કારણે તે ભારત પહોંચવામાં સફળ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી જહાજ પર ફસાયો હતો. હાલાત એટલા વણસી ગયા હતા કે, ન પૂછો વાત.
એરસ્પેસ બંધ કરી દેતા મુશ્કેલી વધી
યુદ્ઘ શરૂ થયું એ પહેલા તે ઈરાકમાં હતો, યુદ્ધના કારણે ઈરાનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી. આ કારણ ભારત પાછા ફરવું મુશ્કેલી ભર્યું બની ગયું હતું. સૌથી મોટી પરેશાની એ થઈ હતી કે,શિપના માલિકે પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજ પોતાની પાસે રાખી લીધા હતા. એક મહિના સુધી આ ડૉક્યુમેન્ટ પાછા આપ્યા ન હતા. આ કારણે પરત ફરવાની પ્રક્રિયા અટકી ગઈ હતી. જહાજ પર કુલ 4 ભારતીયો હતા, જેમાંથી ઉત્તર પ્રદેશના 2, મહારાષ્ટ્રના ભાયંદરના અને પશ્ચિમ બંગાલના રહેવાસી છે. આ બધા માટે આ એક ડરનો માહોલ છે.
વિસ્ફોટ એટલા પ્રચંડ હતા કે જહાજ હચમચતું
સુરક્ષા માટે અમે સૌ શિફ્ટમાં આરામ કરતા હતા, બે વ્યક્તિઓ ઊંઘી જતા અને બે વ્યક્તિઓ જાગતા હતા. ઈમરજન્સીની સ્થિતિમાં એકબીજાને એલર્ટ આપી શકાય એ માટે આ નક્કી કરાયું હતું. ઈરાન પર હુમલો થાય ત્યારે એટલા વિસ્ફોટ થતા હતા કે, સમગ્ર જહાજ હચમચી જતું હતુ. એવું લાગતુ હતું કે, સમુદ્ર પર જાણે ભૂકંપ આવ્યો હોય. રેક્સના પિતા જસ્ટિને કહ્યું હતું કે, તે સતત રેક્સના સંપર્કમાં હતા અને કૉલ કરી રહ્યા હતા. પિતા જસ્ટિને ઉમેર્યું હતું કે, મેં વોરશીપ બિલ્ડિંગમાં કામ કર્યું છે, મને ખ્યાલ છે કે કેવી રીતે આ દુનિયા ચાલે છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના માહોલમાં રહેવું કોઈ સામાન્ય વ્યક્તિ માટે સરળ વાત નથી. રેક્સનો અવાજ સાંભળીને અહેસાસ થતો કે તે સુરક્ષિત છે.