Sat Aug 29 2026

Logo

પહેલી સપ્ટેમ્બરથી એરપોર્ટ પર બદલાશે નિયમ! અત્યારે જ જાણી લેશો તો ફાયદામાં રહેશો...

2026-08-22 20:16:39
Author: Darshana Visaria
પહેલી સપ્ટેમ્બરથી એરપોર્ટ પર બદલાશે નિયમ! અત્યારે જ જાણી લેશો તો ફાયદામાં રહેશો...

ભારતના ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પરથી વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડતાં પહેલાં ઇમિગ્રેશન કાઉન્ટર પર જઈને બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સિક્કો મરાવવાની જરૂર રહેશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અનુસાર, આગામી પહેલી સપ્ટેમ્બર, 2026થી દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ કાયમ માટે બંધ કરવામાં આવશે. આ નિર્ણય બાદ મુસાફરો પોતાના સ્માર્ટફોનમાં રહેલા ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી અને ઝડપથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે.

ઇમિગ્રેશન બ્યુરોને મુસાફરો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે સિક્કો મારવાની પરંપરાગત વ્યવસ્થાના કારણે સિસ્ટમમાં મોટો વિલંબ થાય છે. દરેક મુસાફરના બોર્ડિંગ પાસ પર સિક્કો લગાવવામાં કાઉન્ટર પર લાંબો સમય વેડફાતો હતો, જેના કારણે લાંબી લાઈનો લાગતી હતી. ઘણી વખત સ્ટેમ્પ બરાબર ન વાગવાથી કે સિક્કાની શાહી ફેલાઈ જવાને કારણે આગળ સિક્યોરિટી અને બોર્ડિંગ ગેટ પર મુસાફરોને અનાવશ્યક પૂછપરછનો સામનો કરવો પડતો હતો. જોકે, આ નવી ડિજિટલ વ્યવસ્થાથી સમયની મોટી બચત થશે અને એરપોર્ટ પર પેસેન્જર ફ્લો ઝડપી બનશે.

વાત કરીએ પહેલી સપ્ટેમ્બરથી અમલી બનનારા નવા નિયમ અને વિગતોની તો દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ જેમ કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ એરપોર્ટ પર સ્માર્ટફોન પરનો ડિજિટલ પાસ બતાવીને મુસાફરો સીધા જ આગળ વધી શકશે. જે મુસાફરો પોતાની સાથે કાગળનો પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખવા માંગતા હોય તેઓ રાખી શકે છે, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓ હવે તેના પર કોઈ સ્ટેમ્પ લગાવશે નહીં.

હવાઈ મુસાફરીને સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવવા માટે સરકાર વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિદેશ જતી વખતે અને પરત ફરતી વખતે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ કરવાની પ્રક્રિયા પણ નાબૂદ કરવાની યોજના છે.

હાલમાં દેશના પસંદગીના એરપોર્ટ્સ પર બાયોમેટ્રિક આધારિત ઓટોમેટેડ ઈ-ગેટ સિસ્ટમનું પાયલટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં દેશભરમાં પાસપોર્ટ પર સિક્કો માર્યા વગર સીધા સ્કેનિંગ દ્વારા એક્ઝિટ અને એન્ટ્રી મળી શકશે.